ગાંધીધામ, તા. 21 : અંજાર તાલુકાનાં નાગલપરમાં રહેનાર આધેડે
ઓનલાઈન શેરબજારમાં પૈસાનું રોકાણ કરતાં તેમને રૂા. 17,22,500 ખોવાનો વારો આવ્યો હતો.
મોટી નાગલપરમાં રહેતા અને અગાઉ આફ્રિકામાં નોકરી કરી આવેલા મહોમદ હુસેન શાબાનઅલી નાથાણી (ખોજા) ગત તા. 26/9ના મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ જોઈ
રહ્યા હતા, જેમાં કોરોલેન વેન્ટવર્થ આઈડી પરથી શેરબજારમાં પૈસા રોકો અને રોજના 5થી
15 ટકા નફો કમાવો હિન્દીમાં જાહેરાત કરીને વીડિયો દેખાતાં તેમાં આપેલી લિંક દબાવતાં
ફરિયાદી એમએસસી ગ્લોબલ સિક્યોરિટીઝ-5 નામના વ્હોટ્સએપ ગ્રુપમાં જોડાઈ ગયા હતા, જેમાં
એડમિન તરીકે શ્રુતિ એસએનશ્રી અગ્રવાલ, દામોદર કે. અગ્રવાલ અને શ્રુતિ અગ્રવાલ નામના
શખ્સોએ ફરિયાદીને લોભામણી વાતો કરી હતી અને જુદી-જુદી તારીખે તેમણે તેમાં પૈસા નાખી
થોડા દિવસ બાદ પૈસા કઢાવતાં નીકળ્યા હતા, જેથી તેમને વિશ્વાસ બેઠો હતો. બાદમાં ફરિયાદીએ
પોતાના તથા પોતાના મિત્રો મહોમદ રફીક ભીમાણી અને ગોપાલ આહીરના ખાતામાંથી પણ આ ઠગબાજોને
પૈસા આપી કુલ રૂા. 17,55,000 જમા કરાવી દીધા હતા. તેમાંથી ઠગબાજોએ રૂા. 32,500 પરત
આપ્યા હતા, જ્યારે અન્ય રૂા. 17,22,500 કરમ પરત માગતાં આ ટોળકીએ 20 ટકા ભરો, તો જ આ
રકમ મળવાની વાત કરી હતી. થોડા દિવસો રહીને
ફરિયાદીએ આ ઠગબાજોની એપ્લિકેશન ખોલતાં તે પણ બંધ કરી દેવામાં આવી હતી. પોતે છેતરાઈ
ગયાનું જણાતાં તેમણે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.