• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

ભુજનાં તોરલ ગાર્ડનની જવાબદારી રોટરી પાસેથી પરત

ભુજ, તા. 20 : ધરતીકંપ બાદ નિર્માણ પામેલી ભુજની મુંદરા રિલોકેશન સાઇટના રહેવાસીઓ તેમજ નાના બાળકોને મનોરંજન મળે એ હેતુથી તોરલ ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું જેની જવાબદારી રોટરી ક્લબ તોરલને સોંપવામાં આવી હતી. વખતો વખત ઉઠેલી ફરિયાદોના આધારે આખરે ભાડા દ્વારા સંચાલન પરત લઇને નગરપાલિકાને જવાબદારી સોંપવામાં આવી છે. ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળની બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક નિર્ણય લેવાયા હતા તે પૈકી તોરલ ગાર્ડનનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. તોરલ ગાર્ડનની જવાબદારી ઉપાડયા પછી રોટરી ક્લબ તોરલ દ્વારા જાળવણી કરવામાં આવી નહીં. 2460 ચો.મી.ની જમીન પર નિર્માણ પામેલા આ બાગ માટે મુંદરા રિલોકેશન સાઇટના રહેવાસીઓ વગેરે દ્વારા વારંવાર ફરિયાદો ઉઠી હતી. ફરિયાદોના આધારે ભાડા દ્વારા રોટરી ક્લબને અગાઉ નોટિસ પણ આપવામાં આવી ચૂકી છે. કલેક્ટર અમિત અરોરા ભાડાના ચેરમેન છે, સી.ઇ.ઓ. ડો. અનિલ જાદવ, સિનિ. ટાઉન પ્લાનર કિરણ સુમરા, જુનિયર ટી.પી.ઓ. માહેશ્વર ઠાકોર વગેરેની હાજરીમાં મળેલી બોર્ડ બેઠકમાં ભાડા દ્વારા અગાઉ જે આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ ખાતે રીડીંગ સેન્ટર બનાવવાનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો તે પ્રોજેક્ટને પડતો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરના રસ્તાની સુધારણા, સ્ટ્રીટલાઇટ નવી નાખવા, સુંદરતા વધારવા, સાધનો ખરીદવા વગેરે માટે જે ગયા વરસે 31 કરોડની બજેટની જોગવાઇ કરવામાં આવી હતી તે ઘટાડીને રૂા. 18 કરોડ કરવામાં આવતાં તેને મંજૂરી આપવામાં આવી હતી. ભુજના કેટલાક આંતરિક રસ્તાઓ જે જી.યુ.ડી.સી. દ્વારા બનાવવામાં આવ્યા હોવાથી સુધારણા જરૂરી બની છે ત્યારે ભાડા દ્વારા આ રસ્તાઓને માર્ગ-મકાન વિભાગને સુપરત કરી તબદીલ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જે.ટી.પી. શ્રી ઠાકોરે જણાવ્યું હતું કે, બાકીના અમુક પ્રશ્નો જે હિસાબોને બહાલી આપવાના હતા તે આપવામાં આવ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang