મહારાષ્ટ્ર વિધાનસભા
ચૂંટણીના ગણતરીના દિવસો છે અને ચૂંટણી પ્રચારે અંતિમ તબક્કો પાર કર્યો છે ત્યારે `એક હૈં તો સેફ હૈં'ના
સૂત્રની ધૂમ મચેલી જણાય છે. હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ધુળેમાં મહાયુતિની
ચૂંટણી રૅલીમાં આ સૂત્ર આપ્યું હતું. તેમનો કહેવાનો આશય એ હતો કે જો દલિત, આદિવાસી
અને અન્ય પછાત વર્ગ એક રહેશે, તો સુરક્ષિત રહેશે. ત્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું
કે જે સૂત્ર ચૂંટણી રૅલીનું માનવામાં આવતું હતું, તે વાતવાતમાં ભાજપ અને મહાયુતિની
વ્યૂહરચનામાં એક નવું પ્રારંભ બિન્દુ બની ગયું છે. આ રૅલી પછી તુરંત `એક હૈં તો સેફ હૈં'નું
સૂત્ર સંપૂર્ણ સોશિયલ મીડિયામાં ગૂંજવા લાગ્યું. બેશક, આના મીમ પણ બનાવાયાં અને ટ્રોલિંગ
પણ થયું, પરંતુ ત્યાં સુધી તો આ સૂત્ર ચોફેર છવાઈ ગયું હતું. સોશિયલ મીડિયાની ટ્રોલિંગ
સાંભળવામાં - જોવામાં ભલે ખરાબ લાગતી હોય, પરંતુ વાસ્તવમાં તે જેની પાછળ પડે છે, તેને
સતત ચર્ચામાં રાખે છે. એકવાર ટ્રોલિંગ બંધ થઈ જાય, તો ચર્ચા પણ બંધ થઈ જાય છે. સોશિયલ
મીડિયા આમ પણ ભાજપની ચૂંટણી વ્યૂહરચનામાં હંમેશાં કેન્દ્રીય ભૂમિકામાં રહ્યું છે. જો
જાહેરસભામાં તેના આંકડા પર વિશ્વાસ કરીએ તો ગૂગલ પર સૌથી મોટો જાહેરાતકાર ભાજપ જ છે.
અહીં પ્રાસંગિક એ ઉલ્લેખ કરી શકાય છે કે `એક હૈં તો સેફ હૈં' વાસ્તવમાં ઉત્તર પ્રદેશના
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા આપવામાં આવેલા સૂત્ર `બટેંગે તો કટેંગે'નું
જ એક પરિષ્કૃત સંસ્કરણ છે. યોગીનું આ સૂત્ર લાંબા સમયથી ચર્ચામાં હતું. વડા પ્રધાનની
રૅલી પહેલાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે યોગીના આ સૂત્રની ટીકા કરી હતી. જોકે, આ
ટીકા અને વડા પ્રધાનના નવા સૂત્ર વચ્ચે કોઈ
સંબંધ છે કે નહીં તે કહી શકાય નહીં, પણ એક નવી વ્યૂહરચના માટેનો માર્ગ તો તૈયાર
થઈ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી વ્યૂહરચના અને મૅનેજમેન્ટમાં શરૂ થયેલું આ નવું
ચલણ છે. મહાયુતિનો ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે કોઈએ વિચાર્યું પણ
નહીં હોય કે મતદાન નજીક આવતાં એક અસરકારક નવું સૂત્ર ચૂંટણી પ્રચારમાં જોડાશે. ચૂંટણી
વચ્ચે કે પ્રચારના અંતિમ દોરમાં વ્યૂહરચના બદલાય તો વિરોધીઓને પરેશાનીમાં મૂકી દેવાય.
સામે અચાનક `બમ્પર'ની
જેમ નવી વ્યૂહરચના આવી જાય તો આક્રમણ પાટા પરથી ઉતરી જાય છે અને રસ્તો બદલવાની ફરજ
પડે છે. `એક
હૈં તો સેફ હૈં'નો મહાયુતિને કોઈ વધારાનો ફાયદો થશે કે નહીં? પરંતુ ચૂંટણી મૅનેજમેન્ટમાં
આ એક નવું ચલણ અવશ્ય છે, જે છેલ્લા કેટલાક સમયથી અપનાવવામાં આવી રહ્યું છે. હવે ચૂંટણી
મૅનેજમેન્ટના નેતૃત્વની જવાબદારી સંભાળનારા વાસ્તવિકતાનો જાયજો લેતા રહે છે. સર્વે
કરનારા ગલી ગલી, ઘર ઘર જઈને એ સમજવાનો પ્રયાસ કરે છે કે અત્યાર સુધીના પ્રચાર અંગે
લોકોની ધારણા પ્રતિભાવ શું છે? સાથે જ એ જાણવાનો પ્રયાસ થતો રહે છે કે મતદારોનો મૂડ
કેવો છે? જે માહિતી મળે એ જ વ્યૂહરચના બદલવાનું કારણ બને છે, `એક હૈં તો સેફ હૈં'
સૂત્રનું પત્તું એટલે જ ભાજપે ચૂંટણીના અંતિમ દોરમાં મેદાનમાં ઉતાર્યું છે.