• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

ચૂંટણીપંચની વિશ્વસનીયતા

ભારતીય લોકશાહીમાં ચૂંટણીપંચની વિશ્વસનીયતા હંમેશાં ચાવીરૂપ રહી છે. ચૂંટણીનાં આયેજનમાં પંચની નિર્ણાયક ભૂમિકા સામે ઘણી વખત રાજકીય પક્ષો સવાલ ખડા કરતા રહે છે, પણ મતદારોમાં લોકશાહીના આ આધારસ્તંભ પરનો ભરોસો યથાવત્ રહ્યો છે. મોટાભાગે ચૂંટણીનાં આયોજનમાં પંચ સંખ્યાબંધ બાબતો ધ્યાનમાં લેતું હોય છે. મતદારોને અગવડતા નડે નહીં તે માટે ઉત્સવો અને શાળા-કોલેજની પરીક્ષા સુદ્ધાંનું ધ્યાન રાખીને મતદાનની તારીખો નક્કી કરાતી હોય છે. તાજેતરમાં ચૂંટણીપંચે વિધાનસભાની પેટાચૂંટણીઓનાં મતદાનની તારીખોમાં ફેરફાર કરીને ભારે ચર્ચા જગાવી છે. આમ તો આ ફેરફાર અમુક પર્વ અને તહેવારોને ધ્યાનમાં લઇને કરાયો હોવાનું પંચે કારણ દર્શાવીને આ મુદ્દે ચર્ચાનો અંત આણવાનો પ્રયાસ કર્યો છે. બન્યું એવું છે કે, કેરળ, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીની તારીખ બદલીને હવે 20મી નવેમ્બરે મતદાન કરાવાશે એવી પંચે જાહેરાત કરી. આ ફેરફાર માટે અમુક રાજકીય પક્ષોએ પણ માંગ કરી હતી. એમ કહેવાઇ રહ્યંy છે કે, અગાઉની તારીખમાં મતદારોને મુશ્કેલી નડે તેમ હતી હવે જે નવી તારીખ નક્કી કરાઇ છે તેનાથી આશા રાખી શકાય કે હવે તમામ પક્ષો અને મતદારોને સંતોષ થશે અને કોઇ સવાલ ઊભો થશે નહીં. જો કે, હવે સવાલ એ થઇ રહ્યો છે કે, આ અગાઉ પંચે જે તારીખ નક્કી કરી ત્યારે તેણે તહેવારો આવશે એ બાબત ધ્યાને લીધી ન હતી શું ?  વળી તેને ત્યારે ખ્યાલ આવ્યો નહીં કે મતદારોને અગવડતા પડશે. ખરેખર તો આ સમયપત્રક તૈયાર કરતી વેળાએ પંચને જે બાબતો ધ્યાને લેવાની હોય છે તે આ વખતે લીધી ન હોય એમ તારીખમાં ફેરફારનાં પગલાં પરથી સ્પષ્ટ રીતે જણાઇ આવે છે. આમે પણ તાજેતરના સમયમાં રાજકીય પક્ષો વિવિધ મુદ્દે પંચની સામે આરોપો મૂકવાની કોઇ તક જતી કરતા નથી હોતા. આવામાં મતદાનની તારીખમાં ફેરફારથી આવા રાજકીય પક્ષો ખફા થયા છે, એ સ્વાભાવિક છે.  પંચે ખેરખર તો રાજકીય પક્ષો અને મતદારોના વિશ્વાસને જાળવી રાખવાની અનિવાર્યતા પર સતત સભાન રહેવાની ખાસ જરૂરત છે. આમ પણ રાજકીય પક્ષો માટે ચૂંટણીપંચ હંમેશાં નિશાને જ હોય છે, એ કોઇ પક્ષના વડાની બેગ ચેક કરે ત્યારે બબાલ થતી જ આવી છે. મહારાષ્ટ્રની ચૂંટણી દરમ્યાન પણ આવા પ્રસંગો બન્યા જ છે, પક્ષો પણ ચૂંટણી પ્રચારના ધમધમાટમાં ક્યારેક ન બોલવાનું બોલી બેસતા હોય છે અને પંચ જો પગલાં ભરે તો તેના પર તડાપીટ નક્કી જ હોય છે. આપણા દેશ જેવા વિવિધતાભર્યા માહોલમાં ચૂંટણીપંચની કામગીરી તલવારની ધાર પર ચાલવા જેવી રહી છે. આવા સમયે પંચ આવીને નિર્ણયોમાં ફેરફાર કરે કે કોઇપણ પગલાં ભરે તેની અસર રાજકીય પક્ષો પર થવાની જ. આમ તો અગાઉ કહ્યું તેમ, સામાન્ય પ્રજાને ચૂંટણીપંચ પર વિશ્વાસ રહ્યો જ છે, પણ રાજકીય પક્ષો પોતાની ખીચડી પકાવવામાં પંચની વિશ્વસનીયતાને પણ?દાવ પર મૂકી દે છે, ત્યારે પંચે વધુ સજાગ અને મક્કમ થવું જ પડશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang