દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુંદરા, તા. 20 : ભારત સરકારનાં
આરોગ્ય મંત્રાલય હેઠળ દેશમાં 16મું કોમન રીવ્યુ મિશન (સીઆરએમ ) ચાલી રહ્યું છે અને
હાલ કચ્છમાં આવેલી કેન્દ્રીય ટીમ દ્વારા સમીક્ષા ચાલી રહી છે, ત્યારે જિલ્લા-તાલુકા
સ્તરે તબીબોની ઘટ, અનેક સ્થળે માત્ર બિનઅનુભવી બોન્ડેડ તબીબોના આધારે ચાલતું કામ જેવા
પ્રશ્નો ઊજાગર થઈ રહ્યા છે પણ, સાથે-સાથે સ્વાસ્થ્ય તપાસનાં મશીનોના બિનઉપયોગ સંબંધી
સમસ્યાઓ પણ બહાર આવી છે. કેન્દ્રીય ટીમ આવી છે, ત્યારે તમામ સરકારી હોસ્પિટલમાં જેટલા
સાધનો વણપરાયેલાં પડયાં હોય તેમની પણ સમીક્ષા થાય અને તેના ઉપયોગ સંબંધી જરૂરી નિર્ણય
લેવાય તેવી પણ માગણી ઊઠી છે. ખાસ કરીને સરકારી હોસ્પિટલોમાં રહેલાં પ્રસૂતા મહિલાઓ
માટેનાં સોનોગ્રાફી મશીનનોનો ઉપયોગ કરવા માટે
સંબંધિત સ્ત્રી રોગ નિષ્ણાત તબીબનું રજિસ્ટ્રેશન કરવું પડે છે અને માત્ર એ જ
ચોક્ક્સ મશીનનો ઉપયોગ કરી શકે છે, પરંતુ ટૂંકા સમય માટે આવતા બોન્ડેડ તબીબોના કારણે
એ નોંધણી પ્રક્રિયા જ વિલંબમાં થાય છે અને ત્યાં બોન્ડેડ તબીબોનો સમય પૂર્ણ થતાં એ
નીકળી જાય છે ને મશીન સીલ થાય છે. આવા સંજોગોમાં ભોગવવાનું તો દર્દીઓને કે પ્રસૂતા
મહિલાઓને જ ફાળે આવે છે. આરોગ્ય ક્ષેત્રના જાણકાર જાગૃતોએ કહ્યું કે, કચ્છમાં અત્યારે
મોટી સંખ્યામાં કાયમી મંજૂર જગ્યાઓ પર તબીબ નથી. જે જગ્યાઓ પૂરાયેલી છે તેમાં પણ અડધાથી
વધુ સંખ્યાઓ બોન્ડેડ ડોક્ટરોથી ભરાયેલી છે. કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે, જેમાં ચારથી
પાંચ મહિનાનો સમય નીકળી જાય અને એ નથી કરાતી કારણ કે, બોન્ડેડ ડોક્ટરો 12 મહિના પૂર્ણ
થાય એટલે તુરંત મૂકી દેતા હોય છે. આવા કારણે દર્દીઓ જે તે સુવિધાથી વંચિત રહે છે. દાખલો
આપતાં તેઓ ઉમેરે છે કે ગર્ભ પરીક્ષણ અટકાવવા કાયદો છે અને સોનોગ્રાફીનો દુરુપયોગ ન
થાય એ માટે મશીન જોડે ડોક્ટરના નામની નોંધણી થાય છે, જો ડોક્ટર બદલી જાય તો મશીન સીલ
થાય, અને વણવપરાયેલું રહે છે. સર્જન અને ગાયનેકનું અલગ મશીન હોય છે અને નક્કી થયેલા
તબીબ સિવાય ઉપયોગ નથી થઈ શકતો. જિલ્લાનાં તમામ સીએચસીમાં માત્ર કાયમી ગાયનેક જ નહીં
પણ તેમનું સોનોગ્રાફી મશીન પણ સક્રિય હોવું જોઈએ. રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી કરવાની
વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે. જે ન હોતાં પ્રસુતા
મહિલાઓને ખાનગી હોસ્પિટલમાં ધક્કા ખાવા પડે છે. ગંભીર કેસ હોય ત્યારે મહિલાઓને જિલ્લા
મથક સુધી પહોંચવામાં મોડું થાય છે અને ક્યારેક મૃત્યુના પણ કિસ્સા બનતા હોવાનું જોખમ
દર્શાવી તમામ તાલુકા મથકે પૂર્ણ સુવિધા પર સૂત્રો ભાર મૂકે છે. તેઓ મુંદરાનો દાખલો
ટાંકે છે કે, મુંદરાની એક તો વસ્તી વધી છે. રોજની 200થી 300 જેટલી ઓપીડી થઈ ગઈ છે.
સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની માગણી પર કોઈ જન પ્રતિનિધિઓ ખુલ્લું બોલતા નથી ને અહીં ગાયનેક છે, પરંતુ બોન્ડેડ
તબીબ છે. બીજો મુદ્દોઁઅહીં મશીન છે, પરંતુ મરંમતની દરખાસ્ત પર સરકાર ધ્યાન આપતી નથી.
લાંબા સમયથી મશીન બંધ હાલતમાં છે. જો મશીનમાં ખર્ચ વધુ હોય, તો નવા સોનોગ્રાફી મશીનની
માગણી સરકારે સ્વીકારવી જરૂરી છે. મુંદરાની સ્થિતિ એવી છે કે, છેલ્લા ત્રણ વર્ષથી કાયમી
ગાયનેક તબીબ જ નથી. સમગ્ર તાલુકા વચ્ચે એકમાત્ર ગાયનેક છે. જો કે, હકારાત્મક પાસું
એ છે કે, હાલની શીશુ સુરક્ષા અને પીએમજેએવાય કાર્ડ જેવી યોજનાઓના કારણે પ્રસુતા મહિલાઓ
ખાનગીમાં સોનોગ્રાફી કરાવે છે, તો એમનું ચાર સોનોગ્રાફી રિપોર્ટ સુધી વિનામૂલ્યે કામ
થઈ જાય છે, પરંતુ ગર્ભવતી અવસ્થામાં મહિલાઓને ખોટા ધક્કા ખાવા પડે છે.