ભુજ, તા. 20 : છેલ્લા લાંબા સમયથી કાયદાકીય પ્રશ્નોનો સામનો
કરતા અને અનેકવિધ કેસમાં ફસાયેલા જિલ્લાના માજી કલેક્ટર એવા ફરજમોકૂફ આઇએએસ અધિકારી
પ્રદીપ નિરંકરનાથ શર્માને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કિડાણા પાસેની
150 એકર જમીન વિવિધ કંપનીઓને ગેરકાયદેસર ફાળવવાના કેસમાં શર્માની ધરપકડથી રક્ષણ આપ્યું
છે. જો કે, પ્રદીપ શર્માને આપવામાં આવેલી આ
રાહતની વધુ અસર થશે નહીં. કારણ કે, તેઓ તેમની સામે નોંધાયેલા બહુવિધ કેસોના સંબંધમાં
ચાર વર્ષથી વધુ સમયથી કસ્ટડીમાં છે, જેથી તેઓના જેલવાસના અંતની હાલ કોઇ શક્યતા નથી.
શર્માની અરજીનો નિકાલ કરતી સર્વોચ્ચ અદાલતે 1 માર્ચ-2019ના ગુજરાત હાઇકોર્ટના આદેશમાં
દખલ કરવાનો ઇન્કાર કર્યો હતો, જેમાં કોર્ટે 2012માં શર્મા વિરુદ્ધ કેસને રદ કરવાનો
ઇન્કાર કર્યો હતો. ગુજરાત સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ શર્માને રાહતનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું
કે, આ આદેશ આરોપી માટે વચગાળાના આગોતરા જામીન જેવો છે, જેમને કસ્ટોડિયલ પૂછપરછની જરૂર
છે. બેન્ચે કહ્યું કે, જો કસ્ટોડિયલ પૂછપરછની જરૂર હોય તો તપાસ એજન્સીને મેજિસ્ટ્રેટ
કોર્ટમાં જવાની સ્વતંત્રતા હશે.