• ગુરુવાર, 21 નવેમ્બર, 2024

કચ્છ સહિત રાજ્યની ભૂસ્તરીય ફોલ્ટલાઈન એકસાથે સક્રિય થઈ

હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 20 : ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-પમાં આવતા કચ્છમાં 26 જાન્યુઆરી-2001ના આવેલા વિનાશકારી ભૂકંપના અઢી દાયકા બાદ પણ હળવીથી મધ્યમ તીવ્રતાનાં કંપનોનો દોર ચાલુ રહ્યો છે. તેવામાં છેલ્લા કેટલાક સમયથી  કચ્છ સહિત ગુજરાતમાં આવેલી મોટાભાગની ફોલ્ટલાઈન સક્રિય બનતાં ભૂ-સળવળાટ વધ્યો છે. છેલ્લા ચાર દિવસમાં કચ્છ ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણથી લઈ ચારની તીવ્રતાના આંચકા અનુભવાયા છે. આ વચ્ચે સૌરાષ્ટ્રમાં આવેલી ફોલ્ટલાઈન થોડી શુષૂપ્ત બનતાં ભૂસ્તરશાત્રીઓ માટે આ એક અચરજનો વિષય પણ બન્યો છે.  કચ્છ યુનિ.ના ભૂસ્તરશાત્ર વિભાગના પ્રાધ્યાપક ડો. ગૌરવ ચૌહાણે કહ્યું કે, સોમવારે પૂર્વ કચ્છના મોટાભાગના વિસ્તારને ધ્રૂજાવનારો ચારની તીવ્રતાનો આંચકો 2001ના ભૂકંપના કેન્દ્રબિંદુ નજીકના વિસ્તારમાં અનુભવાયો હતો. એટલે કે, આ કંપન 2001ના ભૂકંપ બાદનો આફ્ટરશોક જ ગણી શકાય. એક રીતે જોવા જઈએ, તો આ પ્રકારનાં કંપન ભૂસ્તરમાં પડેલી ઊર્જા વિસર્જિત કરતા હોવાથી નજીકના સમયમાં મોટો ભૂકંપ આવવાની શક્યતા ઘટી જતી હોય છે. તો ઉત્તર ગુજરાતમાં અનુભવાયેલો ચારની તીવ્રતાનો આંચકો કેમ્બે ફોલ્ટમાં કેન્દ્રિત હતો, તો તાપી ફોલ્ટમાં કેન્દ્રબિંદુ ધરાવતો ત્રણની તીવ્રતાનો આંચકો વલસાડ નજીક અનુભવાયો હતો. આમ પાંચ દિવસના ગાળામાં ગુજરાતમાં આવેલી ફોલ્ટલાઈનમાં સક્રિયતા જોવા મળી છે. નિષ્ણાત ભૂસ્તરશાત્રીઓના મતે ભૂકંપના ત્રણથી પાંચ ઝોનમાં સમાવિષ્ટ ગુજરાતમાં કચ્છ જિલ્લામાં મોટા ભૂકંપની સંભાવના સર્વાધિક રહેતી હોય છે. સક્રિય ફોલ્ટલાઈનને જોતાં મધ્યમથી લઈ ભારે તીવ્રતાના આંચકા આવવાનું જોખમ યથાવત્ રહે છે. નોંધનીય છે કે, ચાલુ વર્ષના જાન્યુઆરીથી લઈ નવેમ્બરના અત્યાર સુધીના સમયગાળામાં ચારથી વધુની તીવ્રતાના પાંચ કંપન નોંધાઈ ચૂક્યા છે, જ્યારે ત્રણથી વધુની તીવ્રતાનાં કંપનનો આંકડો લગભગ દર મહિને બેથી ત્રણની વચ્ચે રહેતો હોય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang