મુંબઈ, તા. 20 : દેશભરની મીટ જેના પર મંડાઈ હતી એ મહારાષ્ટ્રની
તમામ 288 બેઠક માટે આજે પ9 ટકા જેટલું ઠીકઠાક મતદાન નોંધાયા બાદ વિવિધ મીડિયા અને સંશોધન
સંસ્થાઓ દ્વારા જારી કરાયેલા એક્ઝિટ પોલમાં એકંદરે ભાજપની આગેવાનીમાં મહાયુતિને ફરી
સત્તા મળવાની આગાહી કરાઈ છે. 10 પૈકી છમાં મહાયુતિને, તો ત્રણથી ચારમાં મહાવિકાસ અઘાડીની
જીતની આગાહી કરાઈ છે. સરેરાશ જોઈએ, તો મહાયુતિને 12પથી 19પ, તો અઘાડીને 69થી 1પ0 બેઠક
મળશે તેવો દાવો કરાયો છે. બીજી તરફ ઝારખંડમાં લગભગ 67 ટકા મતદાન બાદ રોમાંચક ચિત્ર
ઉપસ્યું છે. અલગ-અલગ એક્ઝિટ પોલના સરેરાશ આંકડા મુજબ એનડીએને 38થી 43, તો કોંગ્રેસ
ગઠબંધનને 34થી 41 બેઠક મળવાની શક્યતા દર્શાવાઈ છે. `પીપલ્સ પલ્સ'ના એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં
એનડીએના મહાયુતિ જોડાણને 175થી 195 બેઠક, તો મહાવિકાસ અઘાડીને 85થી 112 બેઠક મળી શકે
છે. ઝારખંડમાં એનડીએને 44થી 53, ઈન્ડિયા જોડાણને 25થી 77 બેઠકનો વર્તારો અપાયો છે.
ચાણક્ય એક્ઝિટ પોલ પર ભરોસો કરીએ, તો 81 બેઠકની વિધાનસભામાં 45થી 50 બેઠક જીતીને ભાજપનું
જોડાણ સરળતાથી સરકાર રચશે. કોંગ્રેસ-જેએમએમ જોડાણને 35-38 બેઠકનું અનુમાન છે. ચાણક્યના
પોલ પ્રમાણે કેસરિયા પક્ષના જોડાણને 152થી 160 બેઠક મળતાં મહારાષ્ટ્રમાં મહાયુતિની
વાપસીનો વર્તારો મળે છે. કોંગ્રેસના જોડાણને
130થી 138 બેઠક મળવાનું અનુમાન છે. `મેટ્રીઝ'ના એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળાં
મહાયુતિ જોડાણને 150થી 170 બેઠક સાથે પ્રચંડ બહુમત મળવાની આગાહી કરાઈ છે. એ જ રીતે 81 બેઠકવાળાં ઝારખંડમાં પણ
42થી 47 બેઠક જીતીને ભાજપ જોડાણ જ સરકાર રચશે, તેવો વર્તારો મેટ્રીઝ આપે છે. ઇલેક્ટોરલ
એજના અનુમાન પ્રમાણે ભાજપ 78 બેઠક સાથે રાજ્યમાં સૌથી વધુ બેઠક મેળવશે, જ્યારે ત્યાર
બાદ કોંગ્રેસને 60 બેઠક મળશે. ત્રીજા નંબરે શરદ પવારની રાષ્ટ્રવાદી 46 સીટ મેળવશે.
શિંદેની શિવસેનાને
26 સીટ મળશે, એ સાથે મહાયુતિને 118 બેઠક અને સામે આઘાડીની કુલ બેઠક 150 સીટ જીતે એવી
સંભાવના આ પોલમાં કરાઇ છે.