રાપર, તા. 20 : નગરપાલિકાની તિજોરી ખાલીખમ પડી છે. લાંબા સમયથી
આવકના સ્રોત વધારવાની દિશામાં કોઈ કામગીરી ન થતાં આર્થિક સ્થતિ કથળી રહી છે. નિવૃત્ત
કર્મચારીઓના હક્કના રૂપિયા પણ મળ્યા ન હોવાની સ્થિતિ લાંબા સમયથી સર્જાયેલી છે ત્યારે
સફાઈ કામદારોને પગાર ન મળતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ મામલે મુખ્ય અધિકારી સમક્ષ
રજૂઆત કરાઈ હતી. જો કોઈ કાર્યવાહી નહીં કરાય તો હડતાળની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
સવારથી જ જરૂર પડે અને જો એક-બે દિવસ પણ કામથી અળગા રહે તો આખું નગર ઉકરડો બની જાય
એવાં નગરપાલિકાનાં અનિવાર્ય અંગ જેવા વાલ્મીકિ સમાજના સફાઈ કર્મચારીઓને પગારના વાંધા
પડી રહ્યા છે, જે અંગે તેમણે મુખ્ય અધિકારીને સમયસર નિયમિત પગાર આપવા અરજી કરી છે.
અરજીમાં જણાવ્યા મુજબ સફાઈ કામદારોને પગાર નહીં મળતાં નગરપાલિકાના એકાઉન્ટન્ટ પાસે
પગાર માગતાં તેમણે પગાર લેવા ગાંધીનગર જવા કહ્યું હતું. આ અભણ એવા સફાઈ કર્મચારીઓ ગાંધીનગર
ક્યાં જાય ? પગાર નહીં મળતાં સફાઈ કર્મચારીઓને જીવન નિર્વાહ પણ મુશ્કેલ બની ગયો હોવાનું
અરજીમાં જણાવ્યું હતું. મંજૂર થયેલા સફાઈ કામદારોને રેગ્યુલર અને સમયસર રાપર નગરપાલિકા
દ્વારા જ પગાર ચૂકવવાની માગણી સાથે જો પગાર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી સફાઈ કાર્યથી
અળગા રહેવાની ચીમકી આપવામાં આવી હતી.