રાજગીર (બિહાર), તા.19 : ભારતીય મહિલા હોકી ટીમે તેનો અપરાજિત
ક્રમ ચાલુ રાખીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં શાનદાર પ્રવેશ કર્યો છે. આજે
રમાયેલા સેમિ ફાઇનલમાં ભારતનો જાપાન સામે 2-0 ગોલથી ભવ્ય વિજય થયો હતો. વર્તમાન ચેમ્પિયન
ભારતીય ટીમ હવે બુધવારે ચીન વિરુદ્ધ ખિતાબી મુકાબલો રમશે. ચીનનો પ્રથમ સેમિ ફાઇનલમાં
મલેશિયા વિરુદ્ધ 3-1 ગોલથી વિજય થયો હતો. સેમિ ફાઇનલના ત્રણ ક્વાર્ટરમાં ભારત-જાપાન
ટીમ વચ્ચે ગોલ કરવા માટે તીવ્ર રસાકસી થઈ હતી પણ બન્ને ટીમ ગોલ કરી શકી ન હતી. ચોથા
અને આખરી ક્વાર્ટરમાં ભારતીય મહિલા ટીમે આક્રમક રમતનું પ્રદર્શન કરીને જાપાન ટીમને
દબાણમાં લાવી દીધી હતી. મેચની 48મી મિનિટે નવનીત કૌરે પેનલ્ટી સ્ટ્રોકથી ગોલ કરીને
ભારતને સરસાઈ અપાવી હતી. આ પછી પ6મી મિનિટે લાલરેમસિયામીએ ફિલ્ડ ગોલ કર્યો હતો અને
ભારતનો 2-0થી વિજય થયો હતો. સેમિમાં ભારતને ઘણા પેનલ્ટી કોર્નર મળ્યા હતા, પણ તેમાં
ગોલ થયા ન હતા. આ ખામી ચીન સામેના ફાઇનલમાં સુધારવી પડશે.