ગાંધીધામ, તા. 20 : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં મુંબઈગરા મહિલાના સાત પ્લોટ તેમની જાણ
બહાર ખોટા દસ્તાવેજ બનાવી તેમનું નામ ધારણ કરી બારોબાર વેચી દેવાતાં બનાવ અંગે બે મહિલા
સહિત ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. મુંબઈમાં મલબાર હિલમાં રહેનાર બેલાબેન રાજેશ
શાહએ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ભચાઉના સામખિયાળીમાં સર્વે નંબર 56/2માં
તેમના પ્લોટ નંબર 3થી 9 વાળા આવેલા છે. તેમના પતિ ગ્રામ પંચાયતમાં પ્લોટનો વેરો ભરવા
આવતાં આ સાતેય પ્લોટ અન્યનાં નામે ચડી ગયા હોવાનું બહાર આવ્યું હતું. બનાવની તપાસ કરતાં
આ ફરિયાદીનું નામ ધારણ કરી અજાણી મહિલાએ ખોટા દસ્તાવેજ ઊભા કરી ભચાઉ?રજિસ્ટ્રાર કચેરીમાં
તેનો સાચા તરીકે ઉપયોગ કરી લાકડિયાના જુસબ
સુલેમાન ગગડાને વેચ્યા હતા. જુસબ ગગડા નામના મુખ્ય સૂત્રધારે આ ખોટા દસ્તાવેજ બનાવી
તેમાં સાક્ષી તરીકે હિમતપુરા ભચાઉના તહીરશા રહીમશા ફકીર તથા મુંબઈ ખારગરના મીના અતુલ
પટેલ હાજર રહ્યા હતા. કિંમતી એવી આ જમીન પચાવી પાડવાના આ પ્રકરણમાં ખોટા દસ્તાવેજ
ક્યાં અને કોણે બનાવ્યા? તથા ફરિયાદીનું ખોટું નામ ધારણ કરનાર કોણ છે? સાક્ષી તરીકે
હાજર રહેનાર ખરેખરા છે કે તેમના પણ ખોટા દસ્તવેજ બનાવાયા હતા તે સહિતની તપાસ માટે ભચાઉ
સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી અસલ દસ્તાવેજ મેળવી
આગળની કાર્યવાહી કરાશે તેવું પોલીસે જણાવ્યું હતું.