જમ્મુ-કાશ્મીરના શ્રીનગર શહેરમાં રવિવારે આતંકવાદીઓએ ભીડવાળી
માર્કેટમાં સીઆરપીએફના બંકર પર ગ્રેનેડ હુમલો કર્યો. જો કે, ગ્રેનેડ રસ્તા પાર રવિવાર
બજારમાં ફાટયો, જેમાં લોકો ઘાયલ થયા છે. જમ્મુ-કાશ્મીરમાં ઓમર અબદુલ્લાહની નવી સરકારે
સૂત્રો સંભાળ્યા એ પછી વધી રહેલા આતંકવાદી હુમલા ચિંતાનો વિષય છે. વિધાનસભા ચૂંટણીઓ
પછી સ્થાનિક લોકોના હાથમાં વ્યવસ્થા આવશે તો આતંકવાદનો સિલસિલો અટકી જશે, પણ પરિસ્થિતિ
સાવ ઊંધી જોવા મળી છે. સરકાર બન્યા પછી અત્યાર સુધી પાંચ આતંકવાદી હુમલા થઈ ચૂક્યા
છે, જેમાં રાજ્ય બહારના શ્રમિકો અને સુરક્ષા દળોને નિશાન બનાવવામાં આવ્યા છે. હાલની
ઘટનામાં બડગામમાં ઉત્તરપ્રદેશના બે લોકોને ગોળી મારવામાં આવી હતી. જો કે, દરેક આતંકવાદી
ઘટનાઓ પછી સેનાનું તપાસ અભિયાન ઝડપી બને છે અને કેટલાક આતંકવાદીઓને ઠાર કરાય છે, પણ
જરૂર છે ખીણમાં આતંકવાદીઓને પોષતા અને આશ્રય આપતા લોકો સુધી પહોંચવાની, જેથી જડમૂળથી
આ સમસ્યાનો નિકાલ આવે. પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં કરાતા અટકચાળા
પાકિસ્તાનની હતાશા દર્શાવે છે, વિધાનસભા ચૂંટણીની સફળતાથી અકળાઈને પોતાનો અસલી રંગ
દાખવવા આતંકવાદી ગતિવિધિઓને વેગ આપવા સક્રિય છે. શ્રીનગરના રવિવારના બનાવ પહેલાં શનિવારે
જમ્મુ-કાશ્મીરના બે જુદા જુદા વિસ્તારોમાં થયેલી અથડામણમાં લશ્કર-એઁ-તોયબાના ટોચના
કમાન્ડર ઉસ્માન લશ્કરી સહિત આતંકવાદીઓ માર્યા ગયા છે, જે સુરક્ષા દળોની મોટી સિદ્ધિ છે. ઉસ્માન લશ્કરીનું માર્યા જવું એ માટે
પણ મહત્ત્વપૂર્ણ છે કે ગયા વર્ષે ઈદગાહ વિસ્તારમાં ઈન્સ્પેક્ટર મસરૂર અહેમદ વાનીની
હત્યા તથા અન્ય કેટલીક આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપનારા કમાન્ડર સજ્જદ ગુલની તે નિકટ
હોવાનું મનાય છે. આ ઉપરાંત સુરક્ષા દળોએ ખાનયારનાં એક મકાનમાં આતંકવાદીઓ હોવાની માહિતી
મળતાં જ આખાં મકાનને આઈઈડીથી ઉડાડી દીધું, જેમાં બે આતંકવાદી માર્યા ગયા. આ સ્થળેથી
મોટા પ્રમાણમાં હથિયાર અને દારૂગોળો હસ્તગત કરાયા. માર્યા ગયેલા આતંકવાદીઓ ટૂરિસ્ટોની
હત્યા અને સુરક્ષા દળો પર હુમલામાં સામેલ હતા. આથી આ પગલું સુરક્ષા દળો માટે મોટી સફળતા
સમાન છે. જો કે, કમનસીબી એ છે કે, આ ઘટના પર પણ રાજકારણ શરૂ થઈ ગયું છે, જે રાષ્ટ્રીય
સુરક્ષાની દૃષ્ટિએ યોગ્ય નથી. નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારુખ અબદુલ્લાએ અથડામણોની
વધતી સંખ્યા પર સવાલ કરતાં સ્વતંત્ર તપાસની માંગ કરી છે. જો કે, જમ્મુ-કાશ્મીરમાં નવી
સરકારનું ગઠન થયું છે, એવામાં બની શકે છે કે, આતંકવાદીઓ અને તેમના સરદારો ફરીથી પગપેસારો
કરવાની તક શોધી રહ્યા હોય અને આ જ કારણે આતંકવાદી ગતિવિધિઓ વધી છે. ફારુખનું કહેવું
છે કે, આતંકવાદીઓને ઠાર કરવાને બદલે તેમની પાસેથી માહિતી કઢાવવી જોઈએ. સંરક્ષણપ્રધાને
કહ્યું છે કે, સુરક્ષામાં કોઈ છીંડાં નથી અને આતંકવાદીઓને પહોંચી વળવામાં સુરક્ષા દળો
સફળ રહ્યા છે. આ સમય એક થઈ આતંકવાદનો મુકાબલો કરવાનો છે, અન્યથા તેમની હિંમત વધી શકે
છે.