તાજેતરનાં વર્ષોમાં અન્નના ઉત્પાદનને વધારવાનું લક્ષ્ય દિવસોદિવસ
મુશ્કેલ બનતું જાય છે. મોસમની માર વધવાની સાથે પાકને થતાં નુકસાનના વધી રહેલાં પ્રમાણની
સામે કિસાનોને સહાયભૂત થવાની જરૂરત સતત વર્તાવા લાગી છે. આવા સંજોગોમાં કૃષિ ક્ષેત્રને
પ્રોત્સાહન આપવા સરકાર સતત ધ્યાન કેન્દ્રિત કરે છે. કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ ક્ષેત્રને એક લાખ કરોડથી
વધુની બે નવી યોજના મંજૂર કરી છે. આ નવી યોજનાઓએ સ્વાભાવિક રીતે કૃષિ ક્ષેત્રને મુસીબતમાંથી
ઉગારી લેવાના પ્રયાસોને બળ એવી આશા રાખી શકાય. કેન્દ્ર સરકારે ટકાઉ ખેતીને ઉત્તેજન
આપવા માટે વડાપ્રધાન રાષ્ટ્રીય કૃમિ વિકાસ યોજના અને કૃષોન્નતિ યોજના નામની જે બે યોજના
શરૂ કરી છે, તેનો ઉદ્દેશ કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોને નવું બળ પૂરું પાડવાનો છે. આમ તો
સરકાર આ ઉદ્દેશ સાથે અગાઉથી સંખ્યાબંધ યોજનાઓ ચલાવી રહી છે, જેમાં ખેતી વિષયક ધિરાણ
અને પાક વીમા યોજનાને સરળ બનાવવાની જોગવાઇઓનો સમાવેશ કરાયો છે. આ માટે ખેડૂતોને દર
વર્ષે છથી 10 હજાર રૂપિયાની રોકડ સહાયતા અપાય છે.
હવે જે બે નવી યોજના જાહેર કરાઇ છે, તેનાથી કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોની સ્થિતિ
સુધરવામાં વધુ મદદ મળશે, એવી આશા સેવાઇ રહી છે. આમ તો સરકારના ઇરાદા બહુ નોંધપાત્ર
રહ્યા છે. સરકારે આ વર્ષે ખેડૂતોની આવક બેગણી કરવાનું વચન આપ્યું હતું, પણ દેશના મોટાભાગના
વિસ્તારોમાં ચોમાસાંમાં પૂરની સ્થિતિને લીધે ખેતીને ભારે નુકસાન જતાં આ વચન ફળીભૂત
થયું નથી. જો કે, એક વાત નક્કી છે કે, દેશના કૃષિ ક્ષેત્રમાં સુધારો તો જણાઇ રહ્યો
છે. હવે જોવાનું એ રહેશે કે, નવી યોજનાઓ ખેડૂતોની આવકને બેગણી કરવાના લક્ષ્યને હાંસલ
કરી શકે છે કે નહીં. ખેર તો કૃષિ ક્ષેત્રની મુશ્કેલીઓ દૂર કરવાનું સરકાર માટે ભારે
પડકારભર્યું બની ગયું છે. ખેતી હવે નુકસાનીવાળી બનતી જાય છે. એક તરફ પાક માટે વરસાદી
પાણી પરની નિર્ભરતા જેમની તેમ છે. આ માટે સિંચાઇની સુવિધા જોઇએ એટલી ઉપલબ્ધ બની નથી. વળી, બીજ, ખાતર અને વીજ ખર્ચમાં ભારે વધારો થતાં
કિસાનોની ઉપર બોજો સતત વધી રહ્યો છે. વળી, કૃષિ ઉપજની કિંમતો પૂરતાં પ્રમાણમાં મળતી
ન હોવાને લીધે કિસાનોને નુકસાની વેઠવી પડે એવી સ્થિતિ સર્જાઇ રહી છે. આમ તો સરકાર પાકની
ખરીદી માટે ટેકાના ભાવ જાહેર કરે છે, પણ તેમાં વેચાણ વ્યવસ્થાના અભાવને લીધે ખેડૂતોને
તેમના પાકને ઓછા ભાવે દલાલો પાસે વેચવાની ફરજ પડતી હોવાનું ચિત્ર સામે આવતું રહ્યંy છે.
સ્થાનિક નાણાં ધિરધારોનાં દબાણ તળે કિસાનોને તેમનો પાક ઓછા ભાવે વેચવાની ફરજ
પડતી હોવાનું સૌ કોઇ જાણે છે. આવામાં સરકારે જાહેર કરેલી બે નવી યોજના કેટલી સફળ રહેશે,
એ તો આવનારો સમય કહેશે. એવો પણ મત વ્યક્ત થઇ રહ્યો છે કે, સરકારે કૃષિ ક્ષેત્રને સહાયભૂત
થવા માટેની યોજનાઓ જાહેર કરવાને બદલે કિસાનોની માંગને અનુરૂપ પગલાં લેવા પર ધ્યાન આપવાની
જરૂરત છે. ખાસ તો વારંવાર આંદોલન કરતા કિસાનો સ્વામીનાથન પંચની ભલામણોના અમલની માંગ
કરે છે, તેની સાથોસાથ કૃષિ ઉપજના ઓછામાં ઓછા ભાવ અંગેનો કાયદો લાવવા અને વધુ પાકને
આ યોજનામાં લાવવાનો આગ્રહ કરી રહ્યા છે. સરકારે જો કે, આ માટે હજી સકારાત્મક વલણ દર્શાવ્યું
નથી. કિસાનોનો ભરોસો અને વિશ્વાસ વધે એવાં
નક્કર પગલાં લેવાશે, તો જ કૃષિ ક્ષેત્રને સંજીવની મળી શકશે એ સરકારે સમજવાની જરૂરત
છે.