2014માં નરેન્દ્રભાઈ મોદી પ્રથમવાર દેશના વડાપ્રધાન બન્યા ત્યાર
પછી સૌથી અગત્યની તેમણે જે-જે વાતો કરી, તેમાં ઘરે-ઘરે શૌચાલયની અને સ્વચ્છતાની હતી.
એક દૃષ્ટિકોણ એવો પણ હતો કે, દેશની આઝાદીના સાડા છ દાયકા પછી સ્વચ્છતા જેવી તદ્દન સામાન્ય
વાત માટે દેશના વડાપ્રધાને અનુરોધ કરવો પડે તે કેવું ? પરંતુ તે વાસ્તવિકતા હતી, તે
પછીનાં વર્ષોમાં શૌચાલયો બન્યાં, સ્વચ્છતા માટે તેમણે વખતોવખત ઝુંબેશ છેડી. સાંસદો
પાસે ગામો દત્તક લેવડાવીને પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવાના પ્રયાસ કર્યા, તેમાં પણ સ્વચ્છતા
અગ્રસ્થાને હતી. દેશના ગતિશીલ વિકાસની સાથે, આંતરરાષ્ટ્રીય સ્તરે સતત ક્ષમતા પ્રસ્થાપિત
કરવાની સાથોસાથ વડાપ્રધાન સ્વચ્છતા જેવા સામાન્ય લાગતા મુદ્દાની પણ સતત ચિંતા કરી રહ્યા
છે. તાજેતરમાં મન કી બાત કાર્યક્રમના પ્રસારણ દરમ્યાન પુન: તેમણે દેશને સ્વચ્છ રાખવા
અનુરોધ કર્યો. પ્રકૃતિ અભિયાન દરેક ગામમાં શરૂ થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી. દેશમાં એક
વૃશ્ર માના નામ પર એ ઝુંબેશ પણ ચાલી રહી છે. સ્વચ્છતા અને પર્યાવરણ માટેની વડાપ્રધાનની
નિસબત જાણીતી છે. સ્વચ્છ ભારત મિશન, અબ સ્વચ્છતા આદત હૈ હમારી જેવા સૂત્રોથી તેમણે
આખા દેશમાં ગૂંજતું કર્યું. ફરીથી એ સવાલ આવે કે, સ્વચ્છતા તો નાગરિક ધર્મ છે. કોઈ
તંત્ર, કોઈ શાસન શા માટે આપણને સ્વચ્છતા શીખવાડે ? આઝાદીનાં આટલાં બધાં વર્ષ પછી આપણે
આ ચિંતા કરવાની ? પરંતુ આવું થઈ રહ્યું છે. એક તરફ ચંદ્રયાન, બીજી તરફ દેશને જોડતી
આધુનિક ટ્રેન અને તેની વચ્ચે આ સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યું છે. અહીં જવાબદારી નાગરિકોની
પણ છે. સફાઈ કરવી પડે તે રીતે વર્તવું જ શા માટે ? જાહેર સ્થળો આખરે જાહેર મિલકત છે.
જો કે, પ્રશાસન પણ જવાબદાર છે. સ્વચ્છતાના નિયમોનું પાલન જાગૃતિથી કરાવવાને બદલે તેઓ
દંડનીય કાર્યવાહીથી જ કરાવે છે. સફાઈ માટેના કોન્ટ્રાક્ટ, કાર્યવાહી પણ ચર્ચાસ્પદ હોય
છે. પ્રજા તરીકે જાગૃતિ અને સહયોગ હોય તો જ આવાં અભિયાન સફળ થાય. આ સરકાર તરફથી શરૂ
થતી પ્રવૃત્તિ છે, સરકારી નથી. સરકારના આ પ્રયાસોને પ્રજાનો સહકાર મળે તે આવશ્યક છે.