• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

વાગડમાં પોલીસના ચાર દરોડામાં 4.05 લાખનો શરાબ ઝડપાયો

ગાંધીધામ, તા. 20 : પૂર્વ કચ્છના વાગડ પંથકના જુદા-જુદા વિસ્તારોમાં પોલીસે દારૂ અંગેની ચાર કાર્યવાહી કરીને કુલ રૂા. 4,05,297નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ચાર કાર્યવાહી દરમ્યાન ત્રણ શખ્સ ઝડપાયા હતા, જ્યારે ત્રણ હાથમાં આવ્યા નહોતા. પૂર્વ કચ્છ એલ.સી.બી.ની એક ટીમ કાનાણીવાંઢ બાજુ ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતી. દરમ્યાન રાપરનો નવીન રાધુ કોળી નામનો શખ્સ ગાડીમાં દારૂ ભરી કાનાણીવાંઢ તરફ આવતો હોવાની પૂર્વ બાતમીના આધારે આ ટીમએ ત્યાં વોચ ગોઠવી હતી, દરમ્યાન કાનાણીવાંઢ તરફથી બોલેરો કાર આવતાં તેને રોકાવવા જતાં નવીન કોળીએ પોતાનું વાહન હંકારી દીધું હતું અને બાદમાં પેટા કેનાલના કાદવમાં તેનું વાહન ફસાઈ જતાં આ શખ્સ ગાડી મૂકીને અંધારામાં ઓઝલ થઈ ગયો હતો. નંબર વગરની કારને બહાર કાઢી તેમાંથી રોયલ ક્લાસિક 180 એમએલના 1080 પાઉચ, કિંગફિશર બિયરના 301 ટીન, હુન્ટર બિયરના 48 ટીન એમ કુલ રૂા. 3,66,245નો શરાબ હસ્તગત કરાવામાં આવ્યો હતો. હાથમાં ન આવેલા આ શખ્સને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. બીજી કાર્યવાહી સામખિયાળી શાંતિનગર પ્લોટ વિસ્તારમાં કરવામાં આવી હતી. અહીં એક મકાનમાં દારૂ રાખી તેનું વેચાણ કરતા ભાવેશ બાબુલાલ સાંખોલ (મારાજ)ને પકડી પોલીસે રૂા. 15,862નો દારૂ જપ્ત કર્યો?હતો. તેને દારૂ આપી જનાર રાજસ્થાનના રામારામ ચૌધરીને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ એક દરોડો ભચાઉના ભરૂડિયાનાં છપરીવાસમાં પાડવામાં આવ્યો હતો. અહીં દારૂ વેચતા કનુભા ભૂરૂભા સોઢા નામના શખ્સને પોલીસે પકડી પાડી રૂા. 13,110ના 114 ક્વાર્ટરિયા જપ્ત કર્યા હતા. ખડીર પંથકમાંથી પણ પોલીસે શરાબ પકડી પાડયો હતો. આ પંથકના બાંભણકા નજીકથી શિવા રામશી કોળીને પકડી પાડી તેની પાસેથી રૂા. 10,080ના 84 ક્વાર્ટરિયા તથા બાઈક જપ્ત કરવામાં આવ્યા હતા. તેને આ દારૂ હનુભા દોલુભા સોઢા આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang