રામજી મેરિયા દ્વારા : ચોબારી, તા. 20 : જૂનાગઢ જિલ્લાના ખોરાસા ગીરના રહેવાસી અને બી.આર.એસ.નો અભ્યાસ કરી પોતાના મોસમ વિજ્ઞાન ગૌણ વિષય સાથે આગળ વધેલા 40 વર્ષીય યુવા હવામાન નિષ્ણાત પરેશભાઇ ગોસ્વામી છેલ્લા કેટલાક વરસથી હવામાનની જાણકારી માટે ખૂબ જ જાણીતા બન્યા છે, ત્યારે તાજેતરમાં ચોબારી ખાતે યોજાયેલા ખેડૂત પરિસંવાદ કાર્યક્રમમાં જળ, જમીન, જંગલને બચાવવા માટે પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ખેડૂતોને સમજ સાથે એક મુલાકાત આપી હતી. પર્યાવરણ જાળવણી અંગે ભાર મૂકતાં વાગડ વિસ્તારમાં આવેલા એકલ રણ નિહાળી મેરિયા પ્રાકૃતિક ઉદ્યાન ખાતે રાતવાસો કર્યા બાદ આ લખનાર સાથે રસપ્રદ વાતચીત કરી હતી. કચ્છના હવામાન અને અહીંથી પસાર થતી કર્કવૃત્ત અને સફેદ રણથી પ્રભાવિત થયેલા પરેશભાઇએ સહજ રીતે જણાવ્યું હતું કે, કચ્છમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. પોઝિટિવ ઊર્જા પ્રદાન કરે છે. કચ્છીઓ ભાગ્યશાળી છે કે, અહીંથી કર્કવૃત્ત પસાર થતું હોવાથી હકારાત્મક ઊર્જા મળે છે. કોઇ નેગેટિવ અસર નથી થતી ચંદ્રની ગતિ પ્રમાણે 27 નક્ષત્ર અને 12 રાશિ દરેક પર પરિભ્રમણ કરે છે, જેમાં કર્કવૃત્ત પસાર થાય છે, જે એક રેખા છે, જ્યાંથી આ રેખા પસાર થાય છે ત્યાંથી હકારાત્મક ઊર્જા મળે છે. થાક ઓછો અનુભવાય છે જેની હકારાત્મક અસર છે. કોઇ નેગેટિવ અસર થતી નથી. પરેશભાઇની આગાહીઓ જાણીતી છે. તેનો આધાર શું હોય છે ? એમ પૂછતાં પ્રતિઉત્તરમાં જવાબ આપતાં શ્રી ગોસ્વામીએ જણાવ્યું કે, પોતે મોસમ વિજ્ઞાનના સિદ્ધાંતના આધારે લાંબા અને ટૂંકાગાળાના એમ બંને પેરામીટર અને સાથે સેટેલાઇટ (ઉપગ્રહ)ની મદદથી અલનીનો, લાનીનો, એમ.જે.ઓ. આઇ.ઓ.ડી. વિ. અલગ-અલગ ઉપગ્રહોના અલગ અલગ મોડેલોના અભ્યાસ બાદ તર્ક સાથે તેઓ આગાહી કરે છે. છેલ્લા કેટલાક સમયથી હવામાનની સ્થિતિમાં અનિશ્ચિતતા ઊભી થઇ છે તેનું કારણ પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું કે, છેલ્લા બે દાયકાથી હવામાનની સાઈકલ ખોટવાય છે અને થોડાક મોડેલ અપડેટ માગે છે. આઇ.એમ.ડી. અપડેટ થઇ રહ્યું છે. છેલ્લા પાંચ વરસની રહેલી માન્યતાઓ ખોટી પડી રહી છે તેથી અપડેટ જરૂરી બન્યું છે તેવું હવામાનશાત્રીએ જણાવ્યું હતું. કચ્છનું ખાસ ભૌગોલિક સ્થાન ભૌગોલિક રીતે હવામાનની દૃષ્ટિએ કચ્છ જિલ્લો ગુજરાતથી કઇ રીતે જુદો પડે છે ? તેનો જવાબ આપતાં તેમણે જણાવ્યું કે, ભૌગોલિક રીતે અરબસાગર આ જિલ્લાને મળતો હોવાથી સૌરાષ્ટ્ર અને કચ્છની બાજુમાંથી પસાર થતો હોઇ આ વિસ્તારને અસર કરે છે અને વાવાઝોડાંની અસર હંમેશાં થાય છે. જ્યારે દક્ષિણ ગુજરાત પૂર્વમાં દબાયેલો હોવાથી તેને ખાસ અસર થતી નથી. જમીનને ઝેરમુક્ત બનાવો ખેડૂતોએ પોતાની જમીનની તાસીર પ્રમાણે ખેતી પર આધાર રાખવો જોઇએ કે હવામાનની આગાહીઓને લઇને આ હવામાન નિષ્ણાતે ચિંતા વ્યકત કરતાં જણાવ્યું હતું કે, વધુ પડતા પેસ્ટીસાઇડ્ઝના ઉપયોગ થકી જમીનનું સ્તર ખરાબ થઇ રહ્યું છે, તેથી અગાઉ જે રીતે રવી પાકોનું વાવેતર થતું ત્યારે જ દિવાળીની આસપાસ રવીપાકો ઉગી જતાં હવે જમીનમાં દવાનાં કારણે ગરમી વધી છે, જેથી જમીનને ફરી પ્રાકૃતિક સ્વરૂપમાં લાવવી પડશે. અહીં હવામાન અને જમીનની તાસીર પ્રમાણે ચાલવા માટે પ્રથમ તો જમીનને ઝેરમુકત બનાવવી પડશે, જેનો વિકલ્પ માત્ર પ્રાકૃતિક ખેતીમાં રહેલો હોવાનું તેમણે જણાવ્યું હતું. કચ્છ-કાશ્મીર કનેક્શન કાશ્મીરમાં ઠંડી પડે તો તેની સીધી અસર કચ્છમાં કેમ ? ઉત્તર ભારતના જમ્મુ અને કાશ્મીર વિસ્તારના પહાડી પ્રદેશમાંથી ડબલ્યુડી પસાર થાય છે, ત્યાં ખૂબ માત્રામાં બરફ પડે. આ સિઝનમાં ઉત્તર-પૂર્વના પવનો વાતા હોય છે, જેને લઇને બર્ફીલા પવનો આપણા સુધી પહોંચે છે, જેને લઇને આપણા સુધી ઠંડી પહોંચે છે, જેને લઇને ઠંડી પડે છે. લો પ્રેશરનું કારણ વાવાઝોડાં વિશે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, વાવાઝોડાંનું મુખ્ય કારણ છે દરિયામાં વરસાદી સિસ્ટમ અને એ વિસ્તારોમાં તાપમાન 28 ડિગ્રી કરતાં ઉપર હોય, તેથી ઊંચા તાપમાનને કારણે લો પ્રેશર સર્જાય અને પછી જેમ ઊંચું તાપમાન મળે તેમ સિસ્ટમ મજબૂત બને છે. એ લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેસર, ત્યારબાદ ડી પ્રેસર અને ડીપ ડિપ્રેશન બને અને ડીપ ડિપ્રેશનને 29 ડિગ્રી કરતાં ઊંચું તાપમાન મળે તો તે સાયક્લોનમાં ફેરવાય છે અને તે દરિયાઇ વિસ્તારને વધુ પ્રભાવિત કરે છે. વિદ્યાર્થીઓ આ લાઇનમાં કેમ નથી આવતા ? આ બાબતે જણાવ્યું કે, ખટપટો વિષય છે અને અઘરો પણ છે, તેથી રોજગારીનો હેતુ આ વિષયમાં સાર્થક નથી થતો. એ સમાજસેવાનો વિષય છે. આ કારણોસર કદાચ ઓછા લોકો રસ ધરાવે છે. અબ્દુલ કલામનો દાખલો આપીને તેમણે જણાવ્યું કે, જે દેશમાં શિક્ષણનો હેતુ માત્ર નોકરી હોય ત્યાં નોકરો જ પેદા થાય છે. 15 જૂન, 2023ના ઉદ્ભવેલાં બિપોરજોય વાવાઝોડાંની તલેતલની માહિતી દર મિનિટે આપવામાં આવતી હતી. લોકોને સાવચેત રહેવા જણાવાતું હતું, ત્યારે આવા સમયે આપણી આઇ.એમ.ડી. ઇન્ડિયન, મીટિયોલોજી ડિપાર્ટમેન્ટે દર ત્રણ કલાકે પાકિસ્તાનને માહિતી આપવાની નોબત આવી અને આપણી સરકારે તેને મદદ કરી ત્યારે એમ લાગ્યું કે પડોશી દેશ માટે કેવી દયનીય સ્થિતિ સર્જાઇ છે. આ દેશ પોતાના વિદ્યાર્થીઓને જુદી દિશામાં દોરી રહ્યો છે એના કરતાં દેશહિતની પ્રવૃત્તિઓ શીખવી હોત તો આ નોબત ન આવી હોત.