મુંદરા, તા.
20 : અદાણી ગ્રુપ વિરુદ્ધ કાર્યવાહીમાં સામેલ યુએસ ફેડરલ પ્રોસિક્યુટર બ્રાયન પીસ
10 જાન્યુઆરીએ રાજીનામું આપશે. અદાણી ગ્રીન એનર્જી અને તેના અધિકારીઓ સામે બ્રાયન પીસે
લાંચ લેવાના આક્ષેપો કર્યા હતા. રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા તેમની નિમણૂક કરવામાં આવી
હતી. તેમણે કહ્યું હતુ કે, ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદની સત્તા સંભાળે તે પહેલાં
પોતે નોકરી છોડી દેશે. ન્યૂયોર્કના બ્રુકલિનના 53 વર્ષીય બ્રાયન પીસે બુધવારે એક નિવેદન
જારી કરીને તેમના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતુ કે, યુએસ ફેડરલ પ્રોસિક્યુટર
તરીકે કામ કરવું એ તેમના માટે તેમનાં જીવનનો અવિસ્મરણીય અનુભવ હશે. અમેરિકાના ચૂંટાયેલા
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ કાર્યભાર સંભાળવા જઈ રહ્યા છે. નિવેદનમાં
એમ પણ જણાવવામાં આવ્યું છે કે, જાન્યુઆરી 2025માં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના
શપથગ્રહણ બાદ કેરોલિન પોકોર્નીને પીસના સ્થાને નિયુક્ત કરવામાં આવશે. તેઓ ન્યૂયોર્કના
પૂર્વીય જિલ્લાના કાર્યકારી ફેડરલ પ્રોસિક્યુટર તરીકે ફરજ સંભાળશે. અગાઉ અદાણી ગ્રુપે
પીસ દ્વારા લગાવવામાં આવેલાં લાંચના આરોપોને નકારી કાઢયા હતા. અદાણી ગ્રીન એનર્જીએ
એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગૌતમ અદાણી, સાગર અદાણી અને વરિષ્ઠ નિર્દેશક વિનીત
જૈન યુએસ ન્યાય વિભાગ દ્વારા લાંચના તમામ આરોપોથી મુક્ત છે.