છત્તીસગઢમાં
સુરક્ષા દળોએ તાજેતરમાં જ નક્સલવાદીઓ પર અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કરતાં અબુઝમાડમાં 30થી વધુ નક્સલવાદીને ઢાળી દીધા છે. આ અથડામણ નારાયણપુર
અને દંતવાડા જિલ્લાની સીમા સ્થિત થુલથુલી ગામ પાસે જંગલ અને પહાડી વિસ્તારોમાં થઈ હતી.
અથડામણના સ્થળેથી નક્સલવાદીઓનાં શબ ઉપરાંત એકે-47 રાઈફલ, એસએલઆર જેવી ઓટોમેટિક બંદૂકો
અને ભારે માત્રામાં વિસ્ફોટ જપ્ત કરવામાં આવ્યાં છે. અથડામણમાં 25-25 લાખ રૂપિયાના
ઇનામી ડિવિઝનલ કમિટીનો સભ્ય નક્સલવાદી કમલેશ અને બારસૂટ એરિયા કમિટીના પ્રભારી સહિત
અનેક મોટા કેડરના નક્સલવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ જાનના જોખમે ભજવેલી આ કામગીરી
માટે તેઓ અભિનંદનને પાત્ર ઠરે છે. આ વર્ષમાં નક્સલવાદી વિરોધી અભિયાનમાં મળેલી આ સૌથી
મોટી સફળતા છે. આ વર્ષે જાન્યુઆરીથી લઈ અત્યાર સુધી અથડામણ પછી 189 નક્સલવાદીનાં શબ
મળ્યાં છે. ભારે માત્રામાં હથિયાર અને વિસ્ફોટક પણ પોલીસને અથડામણ સ્થળેથી મળ્યાં છે.
663 નક્સલવાદીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 556 નક્સલવાદીએ આત્મસમર્પણ કર્યું છે.
મોદી સરકાર કેન્દ્રમાં સત્તામાં આવી ત્યારથી નક્સલવાદીઓ વિરુદ્ધ મોટું અભિયાન ચલાવ્યું
છે. છત્તીસગઢમાં 183 નક્સલવાદી માર્યા ગયા છે. છેલ્લાં 15 વર્ષમાં સુરક્ષા દળો સાથેની
અથડામણમાં 2024માં સૌથી અધિક નક્સલવાદીઓ ઠાર થયા છે. 2009માં 151 નક્સલવાદીનાં ઢીમ
ઢાળી દેવામાં આવ્યાં હતાં. ગયાં વર્ષે છત્તીસગઢમાં ભાજપની સરકાર પછી નક્સલવાદ વિરોધી
અભિયાને વેગ પકડયો છે. કામગીરી સફળ બનાવવા સુરક્ષા દળોએ પોલીસ સાથે મળીને પાંચ મહિનામાં
નક્સલવાદીઓનાં હોટસ્પોટ ક્ષેત્રોમાં 32 સુરક્ષા કેમ્પ સ્થાપિત કર્યા છે, અગાઉ દર વર્ષે
સરેરાશ 15-17 શિબિરનું આયોજન કરવામાં આવતું હતું. છત્તીસગઢમાં વિક્રમી સંખ્યામાં નક્સલવાદીઓ
ઠાર થાય અને સુરક્ષા દળના એક પણ જવાનને ઇજા સુદ્ધાં નહીં પહોંચવી એ દાખવે છે કે, નક્સલવાદ
વિરોધી અભિયાનમાં હવે સુરક્ષા દળો આધુનિક હથિયારોથી સજ્જ છે અને તેમની ઇન્ટેલિજન્સ
વિંગને પણ શક્તિશાળી બનાવી છે, જેથી તેઓને નક્સલવાદીઓ અંગે માહિતી મળતી રહે છે. અગાઉ
સુરક્ષા દળો હોય કે પોલીસ, તેઓ સાથેની નક્સલવાદીઓની અથડામણમાં `ઇનામી' નક્સલવાદીઓ
હંમેશાં પરદા પાછળ રહેતા હતા. હવે તેઓનો પણ ખાતમો બોલાવી સંદેશ આપવામાં આવ્યો છે કે,
નક્સલવાદી આતંકનો હવે અંત આવી રહ્યો છે. ફક્ત છત્તીસગઢ અને દેશના બીજા વિસ્તારો જે
એક જમાનામાં નક્સલવાદીઓના છૂપા અડ્ડા હતા, એનો તો સુરક્ષા દળોએ નાશ કરી દીધો છે, નક્સલવાદીઓને
મળતો સ્થાનિક લોકોનો સહકાર પણ ઘટી ગયો હોવાથી તેઓ માટે એક જ પર્યાય રહ્યો છે : આત્મસમર્પણનો.