• ગુરુવાર, 05 ડિસેમ્બર, 2024

ધર્મમાં અધર્મનું રાજકારણ

રાજકીય પ્રવાહો - કુન્દન વ્યાસ : તિરુપતિ - બાલાજીના મહાપ્રસાદના લાડુમાં ચરબીયુક્ત ઘી વાપરવામાં આવ્યું હોવાનું પકડાયા પછી પોલીસની વિશેષ ટીમ તપાસ કરી રહી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે, પણ તપાસ ચાલતી હોય ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ દરમિયાનગીરી નહીં કરે. તિરુપતિ મંદિરનાં નામે અગાઉ પણ વિવાદ જાગ્યા હતા, પણ મહાપ્રસાદ `ભ્રષ્ટ' કરવાનું કૌભાંડ ગંભીર છે અને હવે રાજકારણની મિલાવટ થઈ રહી છે. વર્ષ 2019ની ચૂંટણી પહેલાં વિપક્ષીનેતા જગનમોહન રેડ્ડીએ આક્ષેપ કર્યો હતો કે તિરુપતિનો અમૂલ્ય હીરો ગુમ થયો છે, ત્યારે દેવસ્થાન બોર્ડે બદનક્ષીનો કેસ કર્યો હતો. રાજ્ય સરકાર બદલાયા પછી કેસ પાછો ખેંચી લેવાયો ! 2019થી 2024 દરમિયાન આંધ્રપ્રદેશ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા તિરુપતિ માટે બસ સર્વિસની ટિકિટો પાછળ ખ્રિસ્તી યાત્રાધામની જાહેરખબર છપાઈ હતી. તિરુપતિનાં માહાત્મ્યની વાંચનસામગ્રીનાં સાપ્તાહિક સાથે `અન્ય' ધર્મની પુસ્તિકાઓ મોકલાતી હતી અને વિરોધ થયો હતો. દરમિયાન, ભગવાનનાં માધ્યમથી ભક્તોને ધર્મભ્રષ્ટ કરવાની આ ચેષ્ટામાં હવે રાજકારણનો પ્રવેશ થયો છે ત્યારે સનાતન ધર્મ મંદિરોની રક્ષા માટે વિશેષ બોર્ડ રચવાની માગણી આંધ્રપ્રદેશની નાયડુ સરકારના નાયબ મુખ્યપ્રધાન પવન કલ્યાણે કર્યા પછી દેશભરમાં સમર્થન મળી રહ્યું છે. તિરુપતિ મંદિરનાં સંચાલન બોર્ડમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ હોય છે. વિશ્વ હિન્દુ પરિષદે પણ સનાતન ધર્મસ્થાનોને `દખલમુક્ત' બનાવવા અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પૂર્વ મુખ્યપ્રધાન જગનમોહન રેડ્ડી (ખ્રિસ્તીધર્મી)એ કેથોલિક અફસરની નિમણૂક કરી ત્યારે ભારે વિરોધ થયો હતો, તેથી સાધર્મિક સભ્યની નિમણૂક હોય તો જ ધાર્મિક પરંપરા જળવાઈ શકે. આ દરમિયાન વક્ફ બોર્ડના કાયદામાં સૂચિત સુધારા સામે વિરોધ હોવાથી સંસદીય સમિતિમાં `સુનાવણી' ચાલે છે. અન્ય ધર્મના વહીવટ `સ્વાયત્ત' હોય છે - એમના સંપ્રદાય - ધર્મ મુજબ સંચાલન થાય છે, ત્યારે માત્ર સનાતન ધર્મનાં મંદિરોના વહીવટમાં સરકારી દખલ શા માટે ? આ વિષયમાં ચર્ચા શરૂ થઈ છે. મંદિરોની સંપત્તિ અને `ચઢાવા'ની આવક અઢળક હોવાથી રાજકીય નેતાઓની દાનત બગડી છે. કર્ણાટકમાં કોંગ્રેસી મુખ્યપ્રધાને મંદિરોની આવક ઉપર વિશેષ ટેક્સ છે તેમાં વધારો કરતો ખરડો વિધાનસભામાં પેશ કર્યો છે. રાજ્યમાં 15 લાખ મંદિર છે, આમાંથી 36 હજાર મંદિર `મુઝરાલ' ધર્મસ્થાનકોના વિભાગ હેઠળ છે અને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યાં છે. $ 25 લાખથી વધુ આવક, પાંચથી દસ લાખ રૂપિયાની આવક હોય તે અને પાંચ લાખથી ઓછી આવક હોય તેવાં મંદિર. આ મંદિરોની આવક પર પાંચ ટકા ટેક્સ હતો, તે વધારી 10 લાખથી $ એક કરોડ અને તેથી વધુ આવક થાય તો દસ ટકા ટેક્સ ભરવો પડશે. આ રકમ ધાર્મિક પરિષદમાં જમા થશે અને હિન્દુ મંદિરોની વ્યવસ્થા અને પૂજારીઓનાં વેતન - કલ્યાણ માટે વપરાશે એમ રાજ્ય સરકાર કહે છે, પણ હિન્દુ સમાજને સરકારનાં વચન ઉપર વિશ્વાસ નથી. ભૂતકાળમાં મુસ્લિમ શહેનશાહોએ હિન્દુ સમાજ ઉપર `જઝિયા' જકાત નાખી હતી, તેની યાદ અપાવાય છે. વાસ્તવમાં કર્ણાટક સરકારે મંદિર - ટેક્સથી કેટલી આવક થશે તેનો અંદાજ આપવો જોઈએ. મુખ્ય પ્રશ્ન એ છે કે અન્ય ધર્મસ્થળોની આવક ઉપર કોઈ ટેક્સ છે ખરો ? `સર્વ ધર્મ સમાન' છે ? બંગાળમાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ વોટ બેન્ક વિસ્તારવા માટે મૌલવીઓને પગાર અને પેન્શનની જોગવાઈ કરી હોવાના અહેવાલ પણ આવ્યા છે ! સનાતન ધર્મ પુરાતન છે, મંદિરો અને ભક્તોની વિશાળ સંખ્યા છે. સંપત્તિ સૈકાઓથી વધી છે. તાજેતરમાં ઓરિસ્સાનો રત્ન ભંડાર ખોલીને ગણતરી કરવાનો નિર્ણય હતો - પુરાતન વિભાગને ભંડારના ઓરડાઓની સમારકામની જવાબદારી સોંપાઈ છે. રત્ન ભંડારની રખેવાળી `નાગદેવતા' કરે છે એવી માન્યતા હોવાથી તપાસ અધિકારીઓ સાથે સર્પનિષ્ણાતોની ટીમ પણ હતી. જો કે, આ માન્યતા ખોટી હતી. હવે સંપત્તિની ગણતરી હાથ ધરવામાં આવશે. સનાતન ધર્મની સંપત્તિ અને સમૃદ્ધિ ઉપર સેક્યુલર સરકારનો ડોળો હતો અને છે. મંદિરોની આવકનો સદુપયોગ સમાજમાં શિક્ષણ - સ્વાસ્થ્યસેવા માટે વપરાઈ રહ્યો છે. મુંબઈનાં શ્રી સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટમાંથી ધર્મના ભેદભાવ વિના મદદ મેળવનારા મુસ્લિમો પણ છે. તિરુપતિ અને અન્ય સમૃદ્ધ મંદિરો પણ સમાજના વિકાસ માટે સહાય કરે છે. હવે વિકાસમાં ભાગીદાર બનવું જોઇએ. તિરુપતિના લાડુ પછી સિદ્ધિવિનાયક મંદિરનો પ્રસાદ - લાડુ હતા, ત્યાં મૂષક  થેલીમાંથી નીકળ્યાના વીડિયો વાયરલ થયા કે કરવામાં આવ્યા, તેની પણ તપાસ થઈ રહી છે. મંદિરના ટ્રસ્ટી કહે છે બદનામી કરવા માટે હવે કાવતરાં થઈ રહ્યાં છે. સેક્યુલરવાદ, હળવાં હિન્દુત્વ અને પછી મોદી - યોગી સામે જેહાદ જગાવાઈ રહી છે, તેમાં લાડુબોમ્બનો પ્રવેશ - ઉમેરો થયો છે ! હવે એકબાજુ એવી છાપ ઊભી કરવાના પ્રયાસ થાય છે કે હિન્દુ મંદિરોમાં ભ્રષ્ટાચાર છે ! પ્રસાદનાં બહાને બદનામ કરીને ધર્મની આસ્થા ડગાવી દેવાના પ્રયત્ન છે. અન્ય મંદિરોના પ્રસાદ અને મંદિર બહાર વેચાતી મીઠાઈની ગુણવત્તા તપાસવી જોઈએ. તિરુપતિની ઘટના પ્રકાશમાં આવી હોત નહીં તો પણ આ જવાબદારી પ્રશાસનની છે. રાજધાની દિલ્હીમાં પણ વોશિંગ પાઉડર અને શેમ્પૂથી બનેલાં નકલી દૂધ પકડાયાં છે. ખાદ્યપદાર્થોમાં ભેળસેળ - મિલાવટની ફરિયાદ નવી નથી. હવે રાજકારણની `િમલાવટ' થઈ છે ! ચંદ્રાબાબુ નાયડુએ તપાસ અહેવાલ આવ્યા પછી બે મહિના સુધી જાહેર કેમ કર્યું નહીં ? આંધ્રમાં એમને મુસ્લિમ વોટ પણ મળ્યા છે, ત્યારે મોદી સરકારના હિન્દુત્વ એજન્ડા - વક્ફ સુધારા વગેરેને ટેકો નહીં મળે એવી હવા હતી, પણ તિરુપતિની ઘટના પછી નાયડુએ હિન્દુ વોટ બેન્ક પાક્કી કરી છે, જેથી ભાજપ             તેમાં ભાગ પડાવે નહીં ! સંસદીય સમિતિએ વક્ફ મિલકત વેરામાં પ્રસ્તાવિત સુધારા બાબત જનતાના અભિપ્રાય મગાવ્યા હતા, તેમાં દોઢ કરોડથી વધુ નીકળ્યા હોવાથી એક ધર્મના અનુયાયીઓએ દેશ - વિદેશથી અભિપ્રાય મગાવ્યા હોવાની આશંકા છે. આ બાબતે પણ હવે તપાસની માગણી થઈ છે. નાયડુના નાયબ મુખ્યપ્રધાન પવન કલ્યાણનો અલગ પક્ષ - જનસેના પાર્ટી છે. વડાપ્રધાન મોદી એમને `પવન નહીં આંધી' કહે છે. એમણે સનાતન ધર્મ રક્ષણ બોર્ડ રચવાની માગણી કરી છે. મુસ્લિમ અને શીખ માટે પણ ગુરુદ્વારા પ્રબંધક કમિટી હોય તો સનાતન ધર્મ માટે કેમ નહીં ? લાડુની ધર્મભ્રષ્ટ ઘટના પછી એમણે પ્રાયશ્ચિત્ત કરવા માટે અગિયાર દિવસ અનશન - પૂજાની જાહેરાત કરી. વિજયવાડામાં કનક દુર્ગા માતાનાં મંદિરનાં પગથિયાં ધોવાની  સેવા આપી. તેલુગુદેશમના સિનિયર નેતાઓ માને છે કે હિન્દુ મંદિરો ઉપર થતા હુમલાનો પ્રતિકાર કરવા વ્યવસ્થિત કાયમી `બોર્ડ'ની નિમણૂક થવી જોઈએ. - ભારતનાં `શ્રીમંત' મંદિરો :  પદ્મનાભસ્વામી ટેમ્પલ : ભારતનું જ નહીં, વિશ્વનું સૌથી તવંગર મંદિર છે, જેની અસ્કયામતોનો આંકડો રૂા. 1.20 લાખ કરોડની આસપાસ છે, જેમાં સોનાંની મૂર્તિઓ, સુવર્ણ અલંકારો, રત્નો, હીરા, ચાંદી તથા પિત્તળનો સમાવેશ થાય છે. - તિરુપતિ બાલાજી : દસમી સદીમાં તિરુમાલા ટેકરીઓમાં બનેલું આ મંદિર ભારતનું સૌથી તવંગર મંદિર છે. દરરોજ 30,000 દર્શનાર્થીઓ આશરે રૂા. 49 કરોડ શ્રી વેંકટેશ્વર સ્વામીનાં ચરણે ધરે છે. - ગુરુવાયુર દેવાસ્વોમ : કેરળનાં આ કૃષ્ણ મંદિરના દૈનિક મુલાકાતીઓનો આંકડો પચાસ હજાર જેટલો છે અને અઢી હજાર કરોડ રૂપિયાની સંપત્તિ મંદિર ધરાવે છે. - વૈષ્ણોદેવી મંદિર : જમ્મુ સ્થિત ત્રિકૂટ પર્વત પર બિરાજતાં વૈષ્ણોદેવી મંદિરમાં તિરુપતિ પછી સૌથી વધુ સંખ્યામાં આસ્થાળુઓ પહોંચે છે. દર વર્ષે રૂા. 500 કરોડથી વધુનું દાન આ મંદિરને મળે છે. - શિરડીના સાંઈબાબા :મહારાષ્ટ્રનાં શિરડીમાં સાંઈબાબા મંદિરને કારણે અહીં રેલવે સ્ટેશન, એરપોર્ટ અને હેલિકોપ્ટરની વ્યવસ્થા પણ છે. મંદિરની નેટવર્થ રૂા. 1800 કરોડ છે અને તેના ભંડારમાં 380 કિલો સોનું હોવાનો અહેવાલ છે. - સુવર્ણ મંદિર, અમૃતસર : નામ મુજબ સોનાંથી શોભતાં આ શીખ મંદિરમાં આશરે 400 કિલોગ્રામ સોનાંનો ઉપયોગ થયો છે. સુવર્ણ મંદિરની વાર્ષિક આવક રૂા. 500 કરોડ છે. - સબરીમાલા મંદિર : અહીં યાત્રાની મોસમ દરમિયાન રૂા. 230 કરોડ આસપાસ દાનમાં મળે છે. - સિદ્ધિવિનાયક મંદિર : મુંબઈનાં આ મંદિરની નેટવર્થ રૂા. 125 કરોડની આસપાસ છે. - મદુરાઈનું મીનાક્ષી મંદિર : રોજના વીસ હજાર દર્શનાર્થીઓ આવે છે અને આશરે છ કરોડ રૂપિયાની આવક થાય છે. - જગન્નાથ મંદિર : ચારધામમાંનાં એક એવાં પુરીનાં આ મંદિરની માલિકીની 30,000 એકરથી વધુ જમીન છે, જે ભગવાન જગન્નાથનાં નામે રજિસ્ટર્ડ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang