• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

કોચિંગ ક્લાસ દુર્ઘટના

દિલ્હીમાં ભંડકિયામાં ચાલતા ટયૂશન ક્લાસમાં વરસાદી પાણી ભરાતાં ત્રણ હોનહાર છાત્રનાં મોતની ઘટનામાં દિલ્હી હાઇકોર્ટે પોલીસ તંત્રને ફટકાર લગાવીને દુર્ઘટનાની તપાસ સીબીઆઇને સોંપીને યોગ્ય કદમ ઉઠાવ્યું છે. આ કોઇ ચોમાસામાં બનતી નાની ઘટના નથી. દેશનું ભવિષ્ય એવા હોનહાર આઇએએસના વિદ્યાર્થી તાલીમ લેવા આવતા હોય એવા વર્ગમાં સુરક્ષાનાં નામે આવી ઘોર બેદરકારી અક્ષમ્ય છે. 27મી જુલાઇએ ગોઝારો બનાવ બન્યા બાદ છાત્રો લગાતાર પ્રદર્શન કરી રહ્યા છે. વડી અદાલતે કહ્યું કે, તપાસમાં કોઇને શંકા ન જાય એ જરૂરી છે. વળી આ મામલામાં સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચારની આશંકા હોતાં કેન્દ્રીય એજન્સીઓને તપાસ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, દિલ્હીમાં ભારે વરસાદને લઈ ઓલ્ડ રાજેન્દ્ર નગરની એક મોટા કોચિંગ ક્લાસની બેઝમેન્ટ સ્થિત લાઈબ્રેરીમાં એકાએક પાણી ભરાઈ જવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં થયેલાં દર્દનાક મોત હચમચાવી દેનારી દુર્ઘટના છે, જે સ્પષ્ટ નિર્દેશ કરે છે કે શહેરોના અનિયંત્રિત નિર્માણ અને અનિવાર્ય સુરક્ષા માપદંડોની ઉપેક્ષા કેવી ગંભીર દુર્ઘટના સર્જી શકે છે. આ માટે જવાબદાર છે ઘોર લાપરવાહી અને વ્યવસ્થાની જડોમાં સમાઈ ગયેલો બેલગામ ભ્રષ્ટાચાર. કોચિંગ સંસ્થાના બે જણની ધરપકડ કરવામાં આવી છે તે પૂરતું નથી. દિલ્હી નગર નિગમના એ અધિકારીઓની ધરપકડ કેમ થઈ નહીં ? તેઓ બધું જાણતા હોવા છતાં આ સંસ્થાને બેઝમેન્ટમાં લાઈબ્રેરી ચલાવવાની અનુમતિ કેવી રીતે આપી હતી? જ્યારે બેઝમેન્ટમાં સ્ટોર કે પાર્કિંગની પરવાનગી આપવામાં આવી હતી ત્યાં લાઈબ્રેરી કેવી રીતે શરૂ થઈ ? સ્પષ્ટ છે કે, કોચિંગ સંચાલકો અને દિલ્હી નગર નિગમના અધિકારીઓની મિલીભગતથી જ આવું બનતું હશે. ઉલ્લેખનીય છે કે, ગયા જૂનમાં દિલ્હીની મુખરજી નગરના એક બિલ્ડિંગમાં આગ લાગી હતી અને વિદ્યાર્થીઓએ દોરડાથી લટકીને પોતાના જીવ બચાવ્યા હતા, ત્યારે પણ સ્થાનિક શાસન સાથે કોચિંગ મેનેજમેન્ટની લાપરવાહી બહાર આવી હતી. દિલ્હીમાં કોચિંગ સંસ્થાઓનો કિલ્લો માનવામાં આવતા વિસ્તારોનાં ગગનચુંબી બિલ્ડિંગો, સાંકડા દાદરા, ક્ષમતાથી વધુ વિદ્યાર્થીઓ, આવાગમનની સાંકડી વ્યવસ્થા વગેરે દુર્ઘટનાઓને આમંત્રણ આપે છે. વાત ફક્ત દિલ્હીની નથી, વિભિન્ન પરીક્ષાઓની તૈયારી માટે વિખ્યાત કોટા શહેરની સ્થિતિ પણ ગંભીર છે. અહીં સમયાંતરે વિદ્યાર્થીઓની આત્મહત્યાના સમાચાર તો આવતા રહે છે. દેશભરની કોચિંગ સંસ્થાઓથી એ ફરિયાદો પણ મળતી રહે છે કે ત્યાં નિયમિત તપાસ અને સુરક્ષા માપદંડો પર ધ્યાન નથી આપવામાં આવતું. શાસન નિયમોનું ઉલ્લંઘન કરનારા પર આકરી કાર્યવાહી કરે અને વિદ્યાર્થીઓ તથા વાલીઓએ પણ જાગૃત રહીને ફક્ત એ જ સંસ્થાઓમાં એડમિશન લેવું જોઈએ જે સુરક્ષાના માપદંડોનું પાલન કરતી હોય. શહેરી વિકાસના મોટા-મોટા દાવા કરવા અને તેને અમલમાં મુક્યા છતાં દેશનાં શહેરો દુર્ઘટનાગ્રસ્ત છે. હવે તો દુર્દશા એટલી વધી ગઈ છે કે તેમાં ભાગ્યે જ સુધાર થઈ શકે. ગેરવ્યવસ્થા અને ઉપેક્ષાનાં પગલે શહેરીકરણ સામે શંકા ઉઠાવાઈ રહી છે તે અંગે ગંભીર વિચારણા કરીને સ્થિતિ સુધારવી જરૂરી છે. દિલ્હીની દુર્ઘટના ચેતવણીની લાલબત્તી છે. સીબીઆઇની તપાસ પર મીટ મંડાઇ?છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang