• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

લોકશાહીને લજવતું સંસદમાં ભાષાની મર્યાદાનું ઉલ્લંઘન

લોકશાહીની પવિત્રતાનાં કેન્દ્ર મનાતાં સંસદભવનમાં સાંસદોનાં આચરણ અને સંવાદના મામલે દિવસો દિવસ ચિંતાજનક હકીકતો સામે આવતી રહે છે. લોકસભાનાં ચાલુ બજેટસત્રમાં જે રીતે સાંસદો ભાષાની મર્યાદા જાળવવાની તસ્દી લેતા નથી, તેનાથી લોકશાહી શરમજનક સ્થિતિમાં મુકાતી રહે છે. આમ તો લોકસભામાં સ્પીકરની જવાબદારી બની રહે છે કે, ગૃહની ગરિમા મજબૂત થાય અને કોઇ સાંસદ ભાષાની મર્યાદાને જાળવી  રાખે, પણ કમનસીબે જ્યારે વરિષ્ઠ સભ્યો અને નેતાઓ ભાષાનાં ઔચિત્યની પરવાહ કરતા નથી, ત્યારે સ્પીકરની સમજાવટ પણ બેઅસર બની રહેતી હોય છે. બજેટ પરની ચર્ચા દરમ્યાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જે રીતે નાણાં મંત્રાલયમાં હલવાની પરંપરાના મામલે બેફામ આરોપો મૂક્યા, તેનાથી સંસદમાં ભાષા અને વિરોધની પદ્ધતિ સામે સવાલ ઊભા થયા છે. કોંગ્રેસના નેતા કોઇપણ નાના કે મોટા મુદ્દાને ગાઇ-વગાડીને વિરોધનું માધ્યમ બનાવીને ચકચાર જગાવવાની તેમની રાજકીય વ્યૂહરચનાને કોઇપણ હિસાબે લોકો માટે ધ્યાનાકર્ષક બનાવવા કોઇપણ હદે જવામાં છોછ અનુભવતા નથી. તેમણે હલવાની પરંપરામાં જાતિ આધારિત પ્રતિનિધિત્વનો મુદ્દો છેડીને મર્યાદા વટાવી દીધી હોવાનું સ્પષ્ટ રીતે જણાય છે. રાહુલ ગાંધીએ આ હલવા કાર્યક્રમમાં સામેલ અધિકારીઓની જાતિ અંગે સવાલ ઉઠાવીને ચકચાર જગાવવાનો પ્રયાસ કર્યો તે ખરા અર્થમાં વખોડવા યોગ્ય છે. કોંગ્રેસ પક્ષ બરાબર જાણે છે કે, બજેટને તૈયાર કરતા અધિકારીઓની પસંદગીમાં જાતિ આધારિત ગણતરી ધ્યાને નથી લેવાતી, તેમની કાબેલિયત ધ્યાને લેવાય છે. તેમ છતાં વિપક્ષના નેતાએ આ મુદ્દો ઉઠાવીને રજનું ગજ કરવાનો પ્રયાસ કર્યો હતો. લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિ જોડાણની સફળતાથી ઉત્સાહમાં આવી ગયેલા રાહુલ ગાંધીએ જે રીતે વિપક્ષના નેતા તરીકેની તેમની પ્રથમ વખતની જવાબદારી ઉપાડતાંની સાથે સંસદને માથે લેવાનું કામ શરૂ કર્યું છે. અભિમન્યુના ચક્રવ્યૂહની વાત આગળ ધરીને સંસદના નિયમ અને પરંપરાનું ઉલ્લંઘન કરવાનું તેમનું વલણ કોઇ હિસાબે યોગ્ય જણાતું નથી. માત્ર રાહુલ ગાંધીએ ભાષાની મર્યાદા ઓળંગી છે એવું નથી.  મંગળવારે લોકસભામાં ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે ચર્ચા દરમ્યાન રાહુલ  પર નિશાન સાધીને કહ્યંy કે, જેમને પોતાની જાતિ ખબર નથી એ જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરે છે. સંસદમાં આવી ભાષા ચલાવી  લેવાય નહીં. લોકસભાના સ્પીકરે આવા મર્યાદા ચૂકતા સભ્યોને કાબૂમાં રાખવા જોઇએ અથવા તેમને સજા કરવી જોઇએ. એ તો સ્પષ્ટ છે કે, સ્પીકર તમામ પક્ષો સાથે સમભાવનું વલણ લેશે નહીં, ત્યાં સુધી ગૃહમાં ભાષાની મર્યાદાને જાળવી શકાશે નહીં. આ ઉપરાંત નાણામંત્રી નિર્મલા સીતારમને ગૃહમાં તથ્યો રજૂ કરીને રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપ્યો હતો, પણ તેમણે આ સંબોધનમાં જે રીતે રાજ્યોની યોજનાઓ અને તેની માટે આર્થિક ફાળવણીની જે રીતે વાત કરી, ત્યારે તેમણે એ બાબતનો ખ્યાલ રાખવો જોઇતો હતો કે, કેન્દ્રીય બજેટની ચર્ચામાં રાજ્યોને ફાળવણીનો ઉલ્લેખ થવો જોઇએ નહીં. આમ કરવાથી તેમણે કદાચ રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો હશે, પણ અન્ય રાજ્યોની યોજનાઓને જાણે અજાણે અન્યાય પણ થયો છે. બજેટ અંગે કોંગ્રેસના આરોપો હકીકત અને  તથ્યોથી બહુ વેગળા  માત્ર રાજકીય ઉદ્દેશ સાથેના છે, તો રાહુલ ગાંધી કોઇપણ રીતે જાતિ આધારિત વસ્તી ગણતરીની હિમાયત કરીને રાજકારણનાં કેન્દ્રમાં રહેવાનું વલણ ધરાવે છે, પણ તેઓ વીસરી ગયા છે કે, દેશની સમસ્યાઓનો ઉકેલ જાતિ આધારિત વસ્તી ગણતરીથી આવે તેમ નથી.  આમે પણ અગાઉ આવી રીતની વસ્તી ગણતરીઓ થઇ ચૂકી છે અને તેના અહેવાલો સરકાર પાસે પડેલા છે, ત્યારે નવેસરથી આવી ગણતરી કરાવવાનું કોઇ ઔચિત્ય જણાતું નથી. વળી, આવી કોઇપણ ગણતરી દેશમાં સામાજિક માળખાંને નબળું પાડી શકે છે એ વાત તેઓ સમજતા નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang