• શુક્રવાર, 03 મે, 2024

વોટિંગ મશીન : વિશ્વાસ રાખો

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : `વોટિંગ મશીન દ્વારા થતાં મતદાન અને આપણી ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ દૃઢ બનાવવાની જરૂર છે. તેને ઉતારી પાડવી નહીં જોઈએ.' વોટિંગ મશીનમાં ગરબડ - ઘાલમેલ થાય છે તેથી 100 ટકા મતદાનની ચકાસણી થવી જોઈએ એવી એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા થયેલી રજૂઆતનો જવાબ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓએ આપ્યો છે. રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓ ભારતીય સંવિધાન `બચાવવા' માટે મોદી સામે લડી રહ્યા છે ! વિદેશી ધરતી ઉપરથી પ્રચાર કરી રહ્યા છે કે ભારતમાં લોકશાહી ખતમ થઈ રહી છે. ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે ઈડી દ્વારા થતી કાર્યવાહીનો વિરોધ થઈ રહ્યો છે. ઈલેક્ટોરલ બોન્ડનાં કૌભાંડમાં મોદીએ ધનવાન લોકોને સોળ લાખ કરોડ રૂપિયાની વહેંચણી કરી છે ! - એવો પ્રચાર થાય છે અને વોટિંગ મશીન સામે `આંગળી' ચિંધાઈ છે - પણ સુપ્રીમ કોર્ટે યોગ્ય જવાબ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આપણી ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ વધારવાની જરૂર છે એમ કહ્યું છે તે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષો માટે પણ છે. 2024ની ચૂંટણીમાં મોદીને `ગમે તે ભોગે' હટાવવા માગતા વિપક્ષો લોકશાહી બચાવવા માગે છે? કે અરાજકતા - અસ્થિરતા લાવવા માગે છે ? લોકો ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ ગુમાવે તો લોકતંત્રનું ભવિષ્ય શું ? સત્તા ગુમાવ્યા પછી બેબસ - બેબાકળા બનેલા નેતાઓને ભારતનું ભવિષ્ય દેખાતું નથી. પશ્ચિમી જગતનાં મીડિયામાં પણ ભારતવિરોધી પ્રચાર થાય છે. અયોધ્યામાં રામમંદિરનાં ભવ્ય નિર્માણ પછી વિદેશી મીડિયાને ભારતની લોકશાહી ભયમાં દેખાય છે ! ચૂંટણી ભારતનાં લોકતંત્રનું હાર્દ છે અને તેની પ્રક્રિયા વિશે આશંકા જગાવવી, ફેલાવવી તે લોકશાહીનો દ્રોહ છે. છેલ્લા બે દશકથી મતગણતરી ઝડપથી થાય છે. કલાકોમાં પરિણામ જાહેર થાય છે. અમેરિકામાં ચાર વર્ષ પહેલાં મતગણતરીમાં વિલંબ થયો ત્યારે હારેલા ડોનાલ્ડ ટ્રમ્પે `ગોલમાલ'નો આક્ષેપ કર્યો અને કેવાં તોફાન થયાં તે સમગ્ર દુનિયાએ જોયું છે. વાસ્તવમાં વોટિંગ મશીનનાં કારણે પ્રક્રિયા અને ચૂંટણીપંચની વિશ્વસનીયતા વધી છે ત્યારે મતપત્રકોની જૂની પ્રક્રિયા ફરીથી શરૂ કરવાની માગણી આપણી લોકતાંત્રિક પ્રક્રિયાને - વાસ્તવમાં લોકશાહી માટે ભયરૂપ છે. સુપ્રીમ કોર્ટે આવી આશંકા - વધુ પડતી હોવાનું જણાવીને - મતપત્રક ફરીથી લાવવાનો પ્રશ્ન નથી. કોંગ્રેસે ચૂંટણીપંચની નિમણૂક સામે શંકા અને વિરોધ થયો જે સંવિધાન અને સુપ્રીમ કોર્ટનાં સૂચન અનુસાર કરવામાં આવી હતી. ચૂંટણીપંચ દ્વારા નિષ્પક્ષ અને વાજબી ચૂંટણી માટે સખત પગલાં ભરવામાં આવ્યાં છે. આચારસંહિતા અને ખર્ચમર્યાદા છે. ભૂતકાળમાં કમિશનર ટી.એન. શેષને દેશભરમાં નાગરિકોને ઓળખપત્ર આપવાની શરૂઆત કરીને બોગસ વોટ બંધ કરાવ્યા ત્યારે પણ હો - હા થઈ હતી ! રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડરા ગાંધી - બંને જાહેરમાં પડકાર ફેંકી રહ્યાં છે કે ઈડી, સીબીઆઈ અને વોટિંગ મશીનો હોય નહીં તો મોદી - ભાજપને 150થી વધુ બેઠકો નહીં મળે ! વોટિંગ મશીનમાં `ગરબડ' થતી હોવાની ફરિયાદ તો પરાભવ થયા પછી કોંગ્રેસ હંમેશ કરે છે. 1977માં જનતા જુવાળ વખતે મશીનો હતાં. બેલેટ પેપર - મતપત્ર ઉપર મત આપીને મતપેટીમાં નાખવામાં આવે અને મતપેટીઓ ગણતરી માટે અન્યત્ર લઈ જવાય. પરિણામ આવતાં દિવસો વીતી જાય. બિહાર અને ઉત્તરપ્રદેશમાં - બંગાળમાં પણ મતપેટીઓ ઉઠાવી જવાય - તે સામાન્ય હતું. 1977માં રાયબરેલી અને અમેઠીમાં મતપેટીઓ બચાવવા માટે ચૂંટણીપંચના કાર્યકરો માથાં ઉપર લાઠીમાર ઝીલીને મતપેટીઓને વળગી રહ્યા હતા ! સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર ગુપ્તાએ ટકોર પણ કરી કે મતપત્રક વખતે શું થતું હતું તે અમે જોયું છે ! એસોસિયેશનના વકીલ પ્રશાંત ભૂષણે ઘણી દલીલો કરી, પણ સફળ થયા નહીં. (1977માં એમના પિતા શાંતિ ભૂષણ ઈન્દિરા ગાંધી સામે સુપ્રીમ કોર્ટમાં સફળ થયા હતા !) હકીકતમાં મતપત્રકોનો યુગ ગયો. છેલ્લાં વીસ વર્ષથી ચૂંટણી પ્રક્રિયામાં સતત સુધારા થઈ રહ્યા છે, ત્યારે મતપત્રકની માગણી બેહૂદી છે. સુપ્રીમ કોર્ટમાં પ્રશાંત ભૂષણે જર્મનીનો દાખલો આપ્યો ત્યારે નામદાર જજે જણાવ્યું કે `જર્મનીની લોકસંખ્યા - પશ્ચિમ બંગાળથી પણ ઓછી છે' ભારત જેવા વિશાળ દેશમાં ચૂંટણી લોકશાહીનો ઉત્સવ છે. વિદેશોથી સરકારી અને બિનસરકારી સંસ્થાઓનાં પ્રતિનિધિમંડળો જનઅભ્યાસ માટે આવે છે. ભારતના નાગરિકોને ચૂંટણીપંચ અને ચૂંટણી પ્રક્રિયામાં સંપૂર્ણ વિશ્વાસ છે, પણ જે નેતાઓને વિજયની આશા નથી, તેઓ લોકશાહીના અંતની આગાહી કરે છે! વિદેશી મીડિયા અને ભારતવિરોધી - કાવતરાં કરનારા ખોળે - અથવા ખભા ઉપર બેસીને કાગારોળ મચાવે છે ! ભારતની લોકશાહી ખતમ થઈ રહી છે એવો પ્રચાર કરનારા નેતાઓએ જાણવું જોઈએ કે લોકસભાની ચૂંટણીમાં લગભગ 97 કરોડ મતદારો છે. 2019માં સંખ્યા 91 કરોડ અને 2014માં 83 કરોડ હતી. વર્ષે 47 કરોડ મહિલાઓ છે. પ્રથમ વખત મતદાન કરનારા 18થી 19 વર્ષની વયના 18 કરોડ અને 18થી 29 વર્ષની વયના 22 કરોડ છે. 2019માં સરેરાશ મતદાનની ટકાવારી 67.4 હતી. 2009માં માત્ર 58 ટકા અને 2014માં 66.44 હતી. લોકતાંત્રિક પ્રક્રિયામાં નાગરિકોનો વિશ્વાસ વધી રહ્યો છે. અત્યારે ઘણાં રાજ્યોમાં વિપક્ષી સરકારો છે અને ચૂંટણીપંચના આદેશ અનુસાર રાજ્ય સરકારોના કર્મચારીઓને - પોલીસ તંત્રમાં પણ જવાબદારી સોંપાય છે. ફેરબદલી થાય છે વોટિંગ મશીનો આવ્યાં પછી પણ ભાજપ તથા અન્ય પક્ષો હાર્યા છે, વિપક્ષો જીત્યા છે. મતદાનની ટકાવારી સતત વધતી રહે છે, જે મતદારોનો વિશ્વાસ - પ્રક્રિયામાં દૃઢ કરે છે ત્યારે હાર - અથવા સંભવિત હાર માટે ચૂંટણીપંચ - અથવા ચૂંટણી પ્રક્રિયાને દોષ આપવાની - બલિનો બકરો બનાવવાની જરૂર નથી. `ભારતમાં લોકતંત્ર અમર રહે ભાવના દૃઢ બનવી જોઈએ.' - વીવીપીએટી ટટઙઅઝ અર્થાત્ વોટર વેરીફાઇડ પેપર ઓડિટ ટ્રેઇલ - અલગ મશીન વોટિંગ મશીન સાથે જોડાયેલું હોય છે અને તેના આધારે મતદાતા ખાતરી કરી શકે છે કે બટન દબાવ્યા પછી મત યોગ્ય ઉમેદવારને ગયો છે કે નહીં. ખાતરી - પ્રૂફ એક કાગળ ઉપર પ્રિન્ટ થઈને `જમા - ડિપોઝિટ' થાય છે, પણ કોઈ મતદાતાને પ્રિન્ટેડ પ્રૂફ લઈ જવાની છૂટ નથી. ભવિષ્યમાં વિવાદ થાય તો તે માટે અલગ  સચવાય છે. સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન ચૂંટણીપંચના નાયબ કમિશનર નીતેશ વ્યાસે ટેક્નિકલ પ્રેઝન્ટેશન કરીને વોટિંગ મશીન તથા બટન દબાવ્યા પછી મતદાતા ખાતરી કેવી રીતે કરી શકે છે તે સંપૂર્ણ પ્રક્રિયા સમજાવી અને પ્રશ્નોના જવાબ આપ્યા. પંચના વકીલે મનિંદર સિંઘે પણ કહ્યું કે સ્થાપિત હિત ધરાવનારા શંકા ઊભી કરી રહ્યા છે. અસ્થિરતા અને અવિશ્વાસ જગાવવાના પ્રયાસ થાય છે, તે લોકશાહી માટે સારી વાત નથી. વોટિંગ થયા પછી ગણતરી સુધીની તમામ પ્રક્રિયા જાહેરમાં હોય છે. કાંઈ છુપાવવાનો પ્રશ્ન નથી. વોટિંગ મશીન બનાવનારાને પણ ખબર નથી હોતી કે ક્યા પક્ષનું બટન ક્યાં રખાશે અને કયું મશીન ક્યા વિસ્તારમાં મુકાશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang