દિલ્હી દરબાર : ઇન્કમ ટૅક્સની વસૂલાતના કેસમાં કૉંગ્રેસ પ્રતિ `ઉદારતા' બતાવીને - ચૂંટણી સુધી કોઈ સખત કાનૂની કાર્યવાહી નહીં કરવાની ખાતરી અપાયા બાદ આમ આદમી પાર્ટીને બીજી ખુશખબર મળી. 9 મહિનાથી જેલવાસ ભોગવતા સંજય સિંહને જામીન ઉપર શરતી મુક્તિ મળી છે. હવે તેઓ રાજકીય પ્રવૃત્તિ કરી શકશે પણ શરાબ - કૌભાંડ કેસનો ઉલ્લેખ નહીં કરી શકે. એટલું જ નહીં પણ સંજય સિંહને જામીન ઉપર છોડવામાં આવ્યા તે પછી આવી પ્રથા કે નિયમ બન્યો નથી કે બીજા લોકો - કેજરીવાલ સહિતને પણ આવી મુક્તિ મળે. અર્થાત શિરસ્તો નથી અને જામીન આપતી વખતે અપરાધનાં કારણો - સાચાં - ખોટાંની ગણના હોતી નથી. હકીકતમાં કૉંગ્રેસનાં બૅન્ક ખાતાં જેમ વચગાળાના હુકમથી `મુક્ત' થયાં તેમ સંજય સિંહ મુક્ત થયા છે - અપરાધમાંથી છૂટયા નથી. મોદી સરકારની `સખ્તી'ની ટીકા થઈ રહી છે તેનો આ જવાબ છે. દરમિયાન કેજરીવાલે જેલમાં પ્રવેશતા પહેલાં આતિષી અને સૌરભ ભારદ્વાજનાં નામ આપ્યાં હતાં અને આતિષીએ આજે પત્રકારોને કહ્યું કે ઈડી અને સરકાર મારા સહિત `આપ'ના ચાર નેતાઓને પકડવા માગે છે - ભાજપના એક નેતાએ મને કહ્યું છે કે ભાજપમાં જોડાઈને રાજકીય કારકિર્દી બચાવો - પણ અમે તો કેજરીવાલના વફાદાર યોદ્ધા છીએ. સરકારથી ડરતા નથી - મારા (આતિષી) ઉપરાંત સૌરભ ભારદ્વાજ અને બીજા બે - રાઘવ ચઢ્ઢા અને દુર્ગેશ પાઠકને ત્યાં દરોડા પડશે અને ધરપકડ પણ થશે. ભાજપે આ `નાટક'ને રદિયો આપીને જણાવ્યું છે કે `આપ'ના નેતાઓમાં ફફડાટ છે તેથી બહાદુરી બતાવે છે - કેજરીવાલે બે નામ આપ્યા પછી આતિષીએ બે વધુ નામ આપ્યાં - હમ સબ સાથ હૈં - બતાવે છે! આમ હવે કેજરીવાલના કૌભાંડ કેસમાં રાજકારણ રહસ્યમય બનતું જાય છે. કેજરીવાલનો આ વ્યૂહ હશે, આતિષી કોની સલાહ પ્રમાણે - અમારી ધરપકડ થશે એમ કહીને હાલ તુરંત ધરપકડ ટાળવા માગે છે? આવકવેરા ખાતાએ કૉંગ્રેસને મોટી રાહત આપી છે! રૂા. 3500 કરોડની વસૂલાત માટે નોટિસો આપવામાં આવી છે પણ લોકસભાની ચૂંટણી હોવાથી કોઈ દબાણનાં પગલાં નહીં ભરવામાં આવે એવી રાહત સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવી છે. કૉંગ્રેસ પક્ષે કરેલી અરજીની સુનાવણી હવે 24મી જુલાઈએ આગળ વધશે. આ રાહત વચગાળાની છે. અર્થાત બૅન્ક ખાતાં `સીલ' કરવાં જેવી કાર્યવાહી નહીં થાય. કેન્દ્ર સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મેહતાએ કોર્ટને જણાવ્યું કે અત્યાર સુધી રૂા. 135 કરોડ વસૂલ થઈ ગયા છે અને તે પછી રૂા. 1700 કરોડની વધારાની નોટિસ અપાઈ છે. પાછલાં સાત વર્ષના `બ્લોક એસેસમેન્ટ' પછી રૂા. 3500 કરોડની ડિમાન્ડ છે. આ વિષયમાં મારે કહેવું હોય તો ઘણું છે... કૉંગ્રેસના સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ તુષાર મેહતાના ઉદાર નિવેદનને આવકાર્યું અને આશ્ચર્ય વ્યક્ત કરી કહ્યું - હું તો અવાક્ થઈ ગયો - અને આવું ભાગ્યે જ બને છે. ``આ તબક્કે જસ્ટિસ નાગરત્નાએ હસતાં હસતાં ટકોર કરી કે - તમારે (અર્થાત કૉંગ્રેસે) દરેક વખતે `કોઈ' વિશે નકારાત્મક ભાવના નહીં રાખવી જોઈએ.'' આ `કોઈ' એટલે વડા પ્રધાન મોદી - એમના સૂચન પછી આવકવેરા વિભાગે `ઉદારતા' બતાવી છે એમ ફોડ પાડીને કહેવાની જરૂર છે? હવે 24મી જુલાઈ સુધીમાં શું થાય છે તે જુઓ. આગે આગે હોતા હૈ ક્યા... દેખતે રહો.