આરોગ્ય વિભાગે દવા છંટકાવ, પાણીના ક્લોરીનેશન સહિતની કામગીરી હાથ ધરી
ભુજ, તા. 18 : કચ્છના
પ્રવાસન સ્થળો પર આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક નાગરિકોના આરોગ્યની સુરક્ષા જળવાઇ રહે
અને મચ્છરજન્ય, પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવી શકાય તે હેતુથી
જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ધોળાવીરા અને ધોરડો ટેન્ટસિટી અને રિસોર્ટની મુલાકાત લઇ
વિશેષ આરોગ્યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી કલેક્ટર અનિલ રાણાવસિયા
તેમજ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા
ધોરડો અને ધોળાવીરાના વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મચ્છરોની ઉત્પતિ
થઇ શકે તેવાં સ્થળો, પાણી ભરાઇ રહેતું હોય તેવી જગ્યાઓ,
પાણીના સંગ્રહનાં સ્થળો તેમજ આસપાસના પરિસરની ચકાસણી કરવામાં આવી હતી.
મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે સંભવિત ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવાની એન્ટિ-લાર્વા
કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ઝાડા-ઊલટી અને ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગોનું
જોખમ ઘટાડી શકાય અને પ્રવાસીઓને સુરક્ષિત પીવાનું પાણી મળી રહે તે હેતુથી પાણીના સંગ્રહનાં
સ્થળો તથા ટાંકીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા ટેન્ટસિટી
અને રિસોર્ટના સંચાલકો અને સંબંધિત કર્મચારીઓને આરોગ્ય અને સ્વચ્છતાના નિયમોનું ચુસ્તપણે
પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાગરિકો, પ્રવાસીઓ
અને સંબંધિત સંસ્થાઓના સહયોગથી સ્વસ્થ અને સુરક્ષિત પ્રવાસન વાતાવરણ જળવાઇ રહે તે માટે
આરોગ્ય વિભાગ કટિબદ્ધ છે તેમ યાદીમાં જણાવાયું છે.