• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

ગાંધીધામમાં રિફન્ડ મેળવવા જતાં બે યુવાનના 22.32 લાખ સેરવાયા

મેડિકલ સંચાલક અને રેલવે કર્મીને ઓનલાઇન પ્લેટફોર્મ ભારે પડયાં

ગાંધીધામ, તા. 18 : શહેરના એક યુવાને એપ્લીકેશન થકી હોટેલ બુક કરાવ્યા બાદ રિફન્ડ મેળવવા જતાં યુવાનને રૂા. 1,38,077 ખોવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ શહેરના એક રેલવે કર્મીએ ઓનલાઇન મગાવેલ પેન્ટ પરત કરવા જતાં તેના ખાતામાંથી રૂા. 94,000  ઉપડી ગયા હતા. શહેરના ઓસ્લોથી ગાયત્રી મંદિર તરફ જતા રોડ પર ધ્યાન મેડિકલમાં કામ કરનાર ફરિયાદી નિશાંત દિનેશ ઠક્કરે અગોડા એપ્લીકેશન થકી અમદાવાદ ખાતે શિવાલીક હોટેલનો રૂમ બુક કરાવ્યો હતો. બાદમાં આ યુવાનના પત્ની અને દીકરી આ હોટલે જતાં હોટેલ સંચાલકોએ આ એપ્લીકેશન સાથે પેમેન્ટ મુદ્દે ડખા છે, તો ફરિયાદીએ  ઓનલાઇન પેમેન્ટ કરી હોટેલનું ચૂકવણું કર્યું હતું. બાદમાં અગોડામાંથી રિફન્ડ મેળવવા ફોન કરતા સામા છેડેના શખ્સે પાછળથી વીડિયો કોલ કરી રિફન્ડ માટે તે જેમ કહે તેમ કરવાનું કહ્યું હતું. ભોગ બનનારે તેવું કરતા તેના બે ખાતામાંથી કુલ રૂા. 1,38,077 બારોબાર ઉપડી ગયા હતા. પોતે છેતરાયો હોવાનું બહાર આવતાં તેણે 1930માં ફરિયાદ કરી હતી.

બીજી બાજુ શહેરના 9-બી વિસ્તારમાં રહી રેલવેમાં એ.એલ.પી. તરીકે નોકરી કરનાર કાનજી છોટુ માલીએ ફરિયાદ નોંધાવી હતી. આ યુવાને ફેસબુક ઉપર કેરેફ્રી ઓનલાઇન શોપમાંથી ત્રણ લાયક્રા પેન્ટ મગાવ્યા હતા, પરંતુ તેણે કરેલા ઓર્ડર પ્રમાણે પેન્ટ ન આવતાં તેણે કંપનીના કસ્ટમર કેર નંબર શોધી તેના પર ફોન કર્યો હતો, પણ કોઇ ઠગબાજ સાથે તેનો ભેટો થયો હતો. આ ગઠિયાએ કહ્યું તે પ્રમાણે ફરિયાદીએ  કરતાં તેની માતાના બેન્ક ખાતામાંથી રૂા. 94,000 બારોબાર ઉપડી ગયા હતા. બંને બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd