• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

ભુજમાં યોજાતી પરંપરાગત ગામગઢ યાત્રાનું અનેરું મહત્ત્વ

છેલ્લા 100 વર્ષથી નીકળતી યાત્રામાં પાંચ નાકા અને છઠ્ઠીબારીની કરાતી પ્રદક્ષિણામાં જોડાતા ભાવિકો

ભુજ, તા. 18 : શહેરમાં અંદાજે છેલ્લા 100 વર્ષથી યોજાતી પરંપરાગત ગામગઢ પદયાત્રાનું અનેરું મહત્ત્વ છે, પાંચ નાકા અને છઠ્ઠીબારીની કરાતી પ્રદક્ષિણામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા જેનું આયોજન દર વર્ષની જેમ ઠક્કર મોરારજી નરશી રાઘવજી પરિવાર દ્વારા કરાયું હતું. શહેરના આશાપુરા મંદિરથી નીકળતી આ ગામગઢની યાત્રામાં જોડાયેલા વિવિધ સમાજના ભાઈ-બહેનો ભજન-કીર્તન સાથે પદયાત્રા કરે છે અને રસ્તામાં આવતા મંદિરોમાં દર્શન કરી દીવા-બત્તી કરે છે. આ યાત્રા દરમ્યાન રાજાશાહી વખતના પાંચેય નાકા અને છઠ્ઠીબારીએ દીવા કરવામાં આવે છે, સરપટ નાકે સત્સંગી બહેનો રાસ-ગરબા સાથે કીર્તન કરે છે, ત્યાં ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિરે પહોંચેલા પદયાત્રીઓ માટે યોગેશભાઈ બોરા અને રાજુભાઈ પુરોહિત પરિવાર દ્વારા અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ મંદિરમાં મોમાય જ્વેલર્સવાળા પપ્પુભાઈ રાજગોરે પણ સહયોગ આપ્યો હતો, ત્યાંથી આ પદયાત્રા ભીડનાકા બહાર દાંડીવાળા હનુમાન મંદિરે દર્શન કરી બપોરે લાલટેકરી સ્થિત ગુરુદ્વારા પહોંચી હતી જ્યાં યાત્રાળુઓ માટે મોરારજી ઠક્કર પરિવારના દિલીપભાઈ તથા ડેનિશભાઈ દ્વારા ફરાળની વ્યવસ્થા કરાઈ હતી. નવા સ્વામિનારાયણ મંદિર સામે આવેલા નૃસિંહજી મંદિરે વક્તા દ્વારા ગામગઢની કથાનું મહાત્મ્ય સમજાવાયું હતું. સાંજે આ પદયાત્રા આશાપુરા મંદિરે પરત ફરી હતી, આ યાત્રા દરમ્યાન વિવિધ દાતાઓ દ્વારા ચા, ઠંડા પીણા, છાસ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd