માધાપરમાં માહેશ્વરી સમાજની ભાગવત કથામાં કૃષ્ણ
જન્મોત્સવ ઊજવાયો
ભુજ, તા. 18 : કચ્છી
માહેશ્વરી સમાજ-ભુજ દ્વારા માધાપરના યક્ષ મંદિરમાં આયોજિત સમૂહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ
જ્ઞાનયજ્ઞમાં ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવે `નંદ ઘેર આનંદ ભયો'ના નાદથી પરિસર ગૂંજી ઊઠયું હતું. માધાપરના યક્ષ મંદિર ખાતે યોજાઈ રહેલી આ
કથા દરમિયાન બપોરે રામ જન્મ અને સાંજે કૃષ્ણ જન્મ મહોત્સવ ધામધૂમથી ઊજવાયો હતો. કથાના
વક્તા ચંડીકાકિંકર નવલશંકર શાસ્ત્રીજીએ સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું.
આજે કથાનું મુખ્ય આકર્ષણ શ્રીકૃષ્ણ જન્મોત્સવ
રહ્યું હતું. શાસ્ત્રીજીએ વસુદેવ-દેવકીની કથા, કંસના અત્યાચાર
અને કારાગૃહમાં ભગવાનના પ્રાગટયની કથા એટલી ભાવવાહી રીતે સંભળાવી કે શ્રોતાઓની આંખો
ભીની થઈ ગઈ હતી. કૃષ્ણ જન્મનો પ્રસંગ આવ્યો કે તરત જ આખા મંડપમાં `નંદ
ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી'નો જયઘોષ
ગૂંજી ઊઠયો હતો. ભક્તોએ પારણું ઝુલાવી, પુષ્પવર્ષા કરીને નંદોત્સવ
મનાવ્યો હતો. બપોરે જ્યારે રામ જન્મ મહોત્સવ
થયો ત્યારે ભુજના વિરલ રાજુભાઈ ભૂતડા અને વિરાલીબેને રામ અને સીતાની વેશભૂષા ધારણ કરી
હતી, તો સાંજે કૃષ્ણ-કનૈયા રૂપે ત્રણ મહિનાના ધરમ અંકિત ભૂતડાએ
સૌને મોહી લીધા હતા. દેશ-દેશાવરમાંથી ઉપસ્થિત માહેશ્વરી ભક્તોએ નાનકડા કાન્હાના દર્શન
કર્યા હતા. આ પૂર્વે આગલા દિવસે રાત્રે યોજાયેલા દાંડિયારાસ કાર્યક્રમમાં પણ સૌ ઉમંગભેર
જોડાયા હતા.