અંડરબ્રિજમાં ચોમાસાંમાં ચાર દિવસ સુધી ભરાયેલાં
રહે છે પાણી
નલિયા (તા. અબડાસા), તા. 18 : તાલુકા મથક નલિયાથી વાયોર સુધી જતી રેલવે લાઇન
પર વચ્ચે આવતા વાગોઠ ગામ નજીકના ત્રણ રસ્તા (ચોકડી) પાસે રેલવે ક્રોસિંગ બનવાનું છે, જેથી અહીં અંડરબ્રિજના બદલે ઓવરબ્રિજ બનાવવા માંગ ઊઠી છે. અહીં રેલવે તંત્ર
દ્વારા અંડરબ્રિજ બનાવવાનું આયોજન છે, પરંતુ અંડરબ્રિજના બદલે
ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી માંગ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અનિરુદ્ધાસિંહ પી. જાડેજાએ
કરી છે. તેમણે રેલવે તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, વાગોઠ ચોકડી પાસે રેલવે દ્વારા નીચેથી વાહનો પસાર થાય અને ઉપરથી ટ્રેન પસાર
થાય તેવો અંડરબ્રિજ બનાવવામાં આવનારો છે. જો કે, અબડાસા તાલુકામાં
જ્યાં-જ્યાં આ પ્રકારના રેલવે અંડરબ્રિજ બન્યા છે ત્યાં ચોમાસાંની ઋતુમાં વરસાદી પાણી
ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. અંડરબ્રિજમાં
ચારથી પાંચ દિવસ સુધી પાણી ભરેલું રહેતું હોવાથી બાઇક જેવા દ્વિચક્રી વાહનો તેમજ નાના
ફોર-વ્હીલર વાહનો પસાર થઈ શકતા નથી અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
વાગોઠ ચોકડીનો આ માર્ગ અકરી, મોટી બેર, રામવાડા, સાંઘીપુરમ સહિત આસપાસના 10થી
15 ગામના
લોકો માટે અવર-જવરનો મુખ્ય માર્ગ છે. હાલમાં આ સ્થળે પુલનું બાંધકામ હજુ શરૂ થયું નથી.