નવી દિલ્હી, તા. 22 : હોકી વિશ્વકપના
બીજા રાઉન્ડમાં શનિવારે ભારત અને નેધરલેન્ડ વચ્ચે મુકાબલો થયો હતો. આ મુકાબલામાં ભારતીય
પુરૂષ હોકી ટીમને હારનો સામનો કરવો પડયો હતો. જેના પરિણામે ભારતીય ટીમ સેમીફાઈનલની
રેસમાંથી લગભગ બહાર થઈ છે. બીજી તરફ નેધરલેન્ડની ટીમે 1-3થી મળેલી જીતના દમ ઉપર સેમીફાઈનલમાં
જગ્યા નિશ્ચિત કરી લીધી છે. નેધરલેન્ડ સામે હાર્યા બાદ ભારતના અંક શૂન્ય છે, જ્યારે નેધરલેન્ડના છ અંક થયા છે. ભારત પાસે
આ મેચ જીતીને ત્રણ અંક મેળવવાની સારી તક હતી પણ ટીમ જીત મેળવવાથી ચુકી હતી. ભારત ગ્રૂપ
ઈમાં સૌથી નીચે છે અને નેધરલેન્ડ પહેલા ક્રમાંકે છે. ભારતનો સામનો હવે રાઉન્ડ બેના
બીજા મુકાબલામાં આર્જેન્ટિના સામે થશે. આ ઉપરાંત ઈંગ્લેન્ડની ટીમ ત્રણ અંક સાથે ગ્રુપમાં
બીજા સ્થાને છે. મેચમાં પહેલા બે હાફમાં કોઈ ગોલ થયો નહોતો. ત્રીજા ક્વાર્ટરમાં નેધરલેન્ડે
એક ગોલ કર્યો હતો. ચોથા ક્વાર્ટરમાં આ સરસાઈ 2-0ની થઈ હતી. જો કે ભારત માટે
કેપ્ટન હરમનપ્રીતે ગોલ કરતા સ્કોર 2-1 થયો હતો. જો કે દમદાર પ્રદર્શન કરતા નેધરલેન્ડે ફરી એક ગોલ કર્યો
હતો અને અંતે મેચ 3-1થી પુરી થઇ
હતી.