નવી દિલ્હી, તા. 22 : નવી દિલ્હીના
ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં શનિવારે બેડમિંટનનો ખુબ જ રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો.
ભારતની સ્ટાર બેડમિંટન જોડી ત્રિશા જોલી અને ગાયત્રી ગોપીચંદ વર્લ્ડ ચેમ્પિયનશિપના
ફાઈનલમાં પહોંચતા ચુકી હતી પણ પોતાની શાનદાર રમતથી ભારતીયોનું દિલ જીતી લીધું હતું.
મહિલા ડબલ્સની સેમીફાઈનલમાં ભારતીય જોડીનો સામનો વર્લ્ડ નંબર 1 અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનની લિયૂ શેંગશુ
અને ટેન નિંગ સામે હતો. એક કલાક અને 11 મિનિટ ચાલેલા મુકાબલામાં ત્રિશા-ગાયત્રીને 21-18, 13-21, 8-21થી હારનો સામનો કરવો પડયો
હતો. જો કે હાર છતાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ઘરેલુ દર્શકો અને સમર્થન
વચ્ચે ત્રિશા અને ગાયત્રીએ નીડર થઈને શરૂઆત કરી હતી. બન્નેએ આક્રમક રમત બતાવી હતી.
એક સમયે ચીનની ટીમ 18-16થી આગળ હતી
પણ ત્રિશા અને ગાયત્રીએ જોરદાર જુસ્સો બતાવીને સતત પાંચ પોઈન્ટ મેળવી પહેલી ગેમ 21-18થી નામે કરી લીધી હતી. જો કે
બાદમાં ચીની જોડીએ રણનીતિ બદલી હતી અને બીજી ગેમથી સ્થિતિ પલટાઈ હતી. ચીનની જોડીએ દબાણ
બનાવીને બીજો સેટ 21-13થી જીતી લીધો
હતો અને નિર્ણાયક સેટમાં ચીન પુરી રીતે હાવી રહ્યું હતું અને 21-8થી સેટ નામે કરી લીધો હતો.
જો કે ત્રિશા-ગાયત્રીએ 15 વર્ષનો દુષ્કાળ
પુરો કર્યો છે. જ્વાલા ગટ્ટા અને અશ્વિની પોનપ્પા બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનારી
ત્રિશા-ગાયત્રી ભારતની માત્ર બીજી મહિલા ડબલ્સ જોડી બની છે. 2011ની વિશ્વ ચેમ્પિયનશિપમાં જ્વાલા
અને પોનપ્પાએ મેડલ જીત્યો હતો. હવે ત્રિશા અને ગાયત્રી એશિયન ગેમ્સ માટે પણ ભારતીય
બેડમિંટન ટીમનો હિસ્સો છે. તેવામાં એશિયન ગેમ્સમાં પણ બન્ને ઉપર મેડલની આશા રહેશે.