સોલન (હિમાચલ પ્રદેશ) તા. 22 : રાજ્યમાં બનેલી હૃદય અને હાઈ બ્લડપ્રેશર સહિતના ગંભીર દર્દમાં
વપરાશમાં લેવવાતી 82 દવા અને દેશભરની
240 દવાના નમૂના ફેલ થયા છે. કેન્દ્રિય
ઔષધિ માનક નિયંત્રણ સંગઠન (સીડીએસસીઓ)ની તપાસમાં આ દવાઓ ગુણવત્તા માપદંડોમાં પાસ થઈ
ન હતી. દેશભરમાં ફેલ થયેલા કુલ સેમ્પલોમાં આશરે એક તૃતિયાંશ ભાગીદારી હિમાચલમાં બનેલી
દવાઓની છે. ફેલ થયેલા 82 નમૂનામાં
બાવન દવાઓ માત્ર બદ્દી-બરોટીવાલા-નાલાગઢ (બીબીએન)ના ઉદ્યોગોમાં બનેલી છે. તેનાથી દેશના
સૌથી મોટા ફાર્મા હબ બીબીએનમાં દવાઓની ગુણવત્તાને લઈને ફરી એક વખત સવાલ ઊઠયા છે. જે
દવાના સેમ્પલ ફેલ થયા તેમાં હૃદય, તાવ,
દર્દ, બેક્ટેરિયલ સંક્રમણ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ, ગેસ-એસિડીટી,
એનિમિયા, એલર્જી, ત્વચારોગ
અને ઉલટીની સારવારમાં વપરાશમાં લેવાતી દવાઓનો સમાવેશ થાય છે. અજાણતા આ દવાઓના ઉપયોગથી
દર્દીનું મોત પણ થઈ શકે તેમ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. હૃદયરોગની સારવાર માટેની
ક્લોપિડોગ્રેલ-એસ્પિરિન, એટોરવાસ્ટેટિન-ક્લોપિડોગ્રેલ,
કાર્બેડિલોલ, બેક્ટેરિયલ સંક્રમણની સારવાર માટે
એમોક્સિસિલિન, એમોક્સિસિલિન-પોટેશિયમ ક્લેબુલનેટ, સેફિસ્કિમ, સેફેપોડોક્સિમ, ઓફ્લોક્સાસિન,
એઝિથ્રોમાઈસિનથી જોડાયેલાં ઉત્પાદનોનો સમાવેશ થાય છે.