• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

વૈદિક શિક્ષણ પદ્ધતિથી જ ભારત શક્તિશાળી રાષ્ટ્ર બનશે

હેમાંગ પટ્ટણી દ્વારા : ભવાનીપુર, તા. 22 : ભારતને વિશ્વનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બનાવવામાં વૈદિક શિક્ષણ પ્રણાલી મહત્ત્વની ભૂમિકા ભજવશે તેવું અબડાસા તાલુકાના ભવાનીપુર સ્થિત સંત ઓધવરામ વૈદિક ગુરુકુળ ખાતે આયોજિત શિક્ષણ વાર્તાલાપમાં શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા જણાવાયું હતું. નવી પેઢીને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા તેમજ અંધશ્રદ્ધા-કુરિવાજોથી બચાવવા વૈદિક શિક્ષણ પ્રણાલીનો પ્રચાર-પ્રસાર દેશવ્યાપી કરવો અનિવાર્ય બન્યો છે તેવું અધ્યક્ષ સ્થાનેથી માર્ગદર્શક ઉદ્બોધન આપતાં સ્વામી શાંતાનંદજીએ કહ્યું હતું. નિત્યાનંદ શિવાનંદ સરસ્વતી યોગ નિકેતન ટ્રસ્ટ સંચાલિત સંત ઓધવરામ વૈદિક ગુરુકુળમાં સેન્ટર ઓફ એક્સેલન્સ સહિતના પ્રકલ્પોનાં લોકાર્પણ પૂર્વે આયોજિત શિક્ષણ વાર્તાલાપમાં વૈદિક શિક્ષણ ક્ષેત્રે દેશમાં મિશાલરૂપ કાર્ય કરનાર તજજ્ઞોએ પોતાના વિચાર રજૂ કર્યા હતા.

ગુરુકુળનું શિક્ષણ યુવાનોને કર્મઠ બનાવશે

વૈદિક શિક્ષણના રાષ્ટ્રવ્યાપી પ્રચારમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા સ્વામી શાંતાનંદજીએ કહ્યું કે, ગુરુકુળમાં શિક્ષણ મેળવનાર છાત્ર કર્મઠ બને છે. સ્વામીજીએ તન-મન-ધનથી વૈદિક ગુરુકુળ શિક્ષણ પદ્ધતિના વિસ્તાર પર ભાર મૂકતાં કહ્યું કે, અન્ય શિક્ષણ પ્રણાલીઓ યુવાનોને નકારાત્મક શિક્ષણ આપે છે, જ્યારે ગુરુકુળનું શિક્ષણ વિદ્યાર્થીને ગમે તેવી વિપરીત સ્થિતિમાં શાંત અને સ્થિર રહેવાનું શીખવે છે. ગર્ભગૃહ અને ગુરુકુળને ગુરુવિદ્યાના મહત્ત્વના આધારસ્તંભ ગણાવી સ્વામી શાંતાનંદજીએ ગુરુકુળના શિક્ષણથી સંસ્કૃતિ જીવંત રહે છે અને દુ:ખથી કાયમ માટે નિવૃત્તિ મળે છે. ગુરુકુળનો વિદ્યાર્થી ગમે તેવી સમસ્યામાંથી સમાધાન શોધી લેવામાં સક્ષમ હોય છે. કચ્છના આ એકમાત્ર વૈદિક ગુરુકુળની ભૂમિ અનેક સંતો માટેની તપોભૂમિ રહી છે તેવું જણાવી આ વૈદિક સંકુલ હવે આધુનિક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ત્યારે આ વૈદિક શિક્ષણ પ્રણાલી આપતું ધામ વધુને વધુ વિસ્તરે તેવી લાગણી દેખાડી હતી.

સરકારી શાળાને વિશ્વ સ્તરની બનાવાશે

બ્રિટનમાં ડંકો વગાડનાર વારે  ગુરુજીનું મોડેલ ભવાનીપુરના ગુરુકુળમાં લાવનારા દત્તાત્રેય વારે ગુરુજીએ વીડિયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી ઉદ્બોધન કરતાં મહારાષ્ટ્રની જેમ કચ્છ અને ગુજરાતની સરકારી શાળાઓને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં ભવાનીપુરનું ગુરુકુળ મોડેલરૂપ બને તેવી લાગણી વ્યક્ત કરી વારે ગુરુજી મોડેલનો આ માટે પૂરતો સહયોગ મળશે તેવી ખાતરી આપી આયોજનને શુભેચ્છા પાઠવી હતી.

વૈદિક શિક્ષા પદ્ધતિ સૌથી શ્રેષ્ઠ

જાણીતા આયુર્વેદાચાર્ય ડો. મેહુલ આચાર્યએ વૈદિક શિક્ષણ પદ્ધતિને સર્વશ્રેષ્ઠ ગણાવતાં કહ્યું કે, આ એવી પ્રણાલી છે જેમાં તમામ શિક્ષા પદ્ધતિનો સમન્વય જોવા મળે છે. આયુર્વેદના મહાત્મ્ય પર ભાર મૂકવા સાથે ઉંમરના અલગ-અલગ તબક્કે અમલમાં મૂકતાં અન્નકોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાન કોષ અને આનંદમય કોષની સવિસ્તૃત સમજ આપી શરીર, મન અને આત્માને શિક્ષણનાં મહત્ત્વના આધારસ્તંભ ગણાવી વૈદિક શિક્ષણમાં આ ત્રણેય બાબતનો સમન્વય થતો હોવાનું કહ્યું હતું. વૈદિક ગુરુકુળમાં આચાર્ય તૈયાર થશે અને આ આચાર્યો જ ભવિષ્યની  ચારિત્ર્યવાન પેઢીનું નિર્માણ કરશે એમ મેહુલભાઇએ ઉમેર્યું હતું.

સોશિયલ મીડિયા પર નિયંત્રણ જરૂરી

કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડે સોશિયલ મીડિયા પર નિયંત્રણને જરૂરી લેખાવતાં કહ્યું કે, વૈદિક શિક્ષણ પદ્ધતિ બાળકોનો સર્વાંગી વિકાસ કરવા માટે સક્ષમ છે તે વાતમાં સૂર પુરાવતાં દીપકભાઈએ બાળકનાં વ્યક્તિત્વ ઘડતરમાં ગુરુજનની સાથે માતા-પિતાની એટલી જ જવાબદારી હોવાનું કહી શિક્ષકોને સૂર્યની જેમ કામ કરવા કહ્યું હતું. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિક મામણિયા અને ટ્રસ્ટી સંજયભાઈ એન્કરવાલા વતી કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી.

ભાવનાત્મક-વૈચારિક યાત્રાનો ઉદ્દેશ

મેઘાબેન થેટે વૈદિક ગુરુકુળના ભાવનાત્મક -વૈચારિક યાત્રાના ઉદ્દેશની વાત કરી તેઓ બીકેઅલ સંસ્થાન મારફત બાળકોને ભારત સાથે જોડવાની અને ભારત વિશે જાણવાનું શિક્ષણ આપી રહ્યા છે. શ્રુતિથી સ્મૃતિ અને અનુભવથી નવાચારની વાત કરી મેઘાબેને જ્ઞાન આધ્યાત્મિકથી ભવિષ્યને ઉજ્જવળ બનાવે તે અત્યંત અનિવાર્ય હોવાનું જણાવી આ પ્રકલ્પને પોતાની શુભકામના પાઠવી હતી.

પારંપરિક પ્રણાલીએ જ્ઞાનનો નવો મંચ આપ્યો

શેફાલીબેન કોસ્ટાએ પોતાનાં ઉદ્બોધનમાં કહ્યું કે, ભારત પાસે જ્ઞાનનો ભંડાર છે, પણ શિક્ષણ વ્યવસ્થાની ખામીના લીધે આ જ્ઞાન વિસ્તરી શકયું નથી. વૈદિક શિક્ષણ પ્રણાલી થકી જ્ઞાનનો નવો મંચ હોવાનું જણાવતાં શેફાલીબેને કહ્યું કે, ભારત પાસે જ્ઞાનનો ભંડાર હોવા છતાં જ્ઞાન-વિજ્ઞાન બીજા દેશમાંથી આવ્યા તે દુ:ખદ છે. શ્રીમતી કોસ્ટાએ બાળકના અભ્યાસના વિવિધ તબક્કાની વાત કરી સમીક્ષાજ્ઞાન, ભક્તિજ્ઞાન, કર્મજ્ઞાન જેવા જ્ઞાનના અલગ-અલગ પ્રકારની છણાવટ કરી હતી.

વ્યવહારુ જ્ઞાન જરૂરી

એમ. સ્વામીનાથને થિયરીની સાથે વ્યવહારુ જ્ઞાનને અનિવાર્ય ગણાવી પુનામાં તેઓ જે સંસ્થાન ચાલવી રહ્યા છે ત્યાં બાળકોને ભાવકળાના માધ્યમથી કેવું શિક્ષણ અપાય છે તેની સવિસ્તાર વાત કરી હતી. સ્વામીનાથને પુસ્તકિયા જ્ઞાનથી અલગ અ-લગ પદ્ધતિનું પ્રેક્ટિકલ જ્ઞાન અપાય તે વાત પર ખાસ ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં ગીતાબેન પંકજ સાવલા, વારે ગુરુજી સંસ્થાનના પ્રતીક દફતરી, રમેશ ભટ્ટ, બિનાબેન ભાનુશાળી, જયેશ ગોગરી, વાડીલાલ પોકાર, મથુરાભાઈ જોઈસર, ડો. પંકજ શાહ, ડો. મેહુલ પરમાર, હિતેશ ગજરા, માલાબેન ચૌહાણ, રામ ભલ્યા, રઘુભાઈ પ્રજાપતિ, ભાવેશ ભદ્રા, જગદીશ કેશરાણી સહિત હાજર રહ્યા હતા. પ્રસંગ પરિચય આચાર્ય ગૌરવજીએ આપ્યો હતો. ગુરુકુળ ટ્રસ્ટના મંગલભાઈ ભાનુશાળી અને ગોવિંદભાઈ ભાનુશાળીએ ભવિષ્યનાં આયોજન પર પ્રકાશ પાડી નવા કોર્સ શરૂ કરવાની પ્રતિબદ્ધતા દેખાડી હતી. સંચાલન અમિત ધોળકિયા, તો આભારવિધિ સંજય શ્રીવાસ્તવએ કરી હતી.

આજે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

તા. 23ના રવિવારે સવારે 9 વાગ્યે નવનિર્મિત ભવનનું ભૂમિપૂજન તથા ધ્યાન કેન્દ્રના એકમાત્ર દાતા ગઢશીશાના  પાર્વતીબેન નારાયણ વી. રામાણી ફાઉન્ડેશન, સ્વ. કરસનદાસ ચાંદ્રા અને હરિરામ ચાંદ્રા ગાંધીધામની સ્મૃતિમાં કોમ્પ્યુટર અને આધુનિક ક્લાસરૂમ, સ્વ. શરદકુમાર બાબરિયાની પુણ્યસ્મૃતિમાં વિજ્ઞાન અને ગણિત પ્રયોગશાળા, માધવ સોલાર દ્વારા સોલારનું દાન, ડી. આર. ગ્રુપ જનકપુરના દાતા દ્વારા ડિજિટલ પુસ્તકાલય અને જખૌના સ્વ. કાનજીભાઈ દામાની પુણ્યસ્મૃતિમાં સેન્ટર ઓફ એક્સેલન્સનાં પ્રકલ્પોની શરૂઆત કરવામાં આવશે. ગ્લોબલ કચ્છ અને કચ્છમિત્ર સુખનું સરનામું અંતર્ગત કલ્યાણમિત્ર ફાઉન્ડેશન અને ભારાપર ભાનુશાલી મહાજનના આર્થિક સહયોગથી સ્વ. ધીરજભાઈ રાંભિયા તથા સ્વ. જીતુ શાહની સ્મૃતિમાં ફૂડ ફોરેસ્ટ તથા હરિયાળી ક્રાંતિથી કિસાનોની આવક વધારવાના પ્રકલ્પનું નિર્માણ કરાશે.

વિશ્વસનીયતા-નિષ્પક્ષતામાં કચ્છમિત્ર શિરમોર

સ્વામી શાંતાનંદજીએ આ કાર્યક્રમમાં કચ્છમિત્રની વિશ્વસનીયતા અને નિષ્પક્ષતાના ઓવારણાં લેતાં કહ્યું કે, આ બન્ને બાબતોમાં કચ્છમિત્ર શિરમોર છે. જે રીતે ગુરુકુળ લોકોને જાગૃત કરી સમાજ ઉત્થાનનું કાર્ય કરે છે તેવી રીતે કચ્છમિત્ર કચ્છનું સાચા અર્થમાં મિત્ર બની નિષ્પક્ષતા મુજબ પોતાની ફરજ નિભાવી વિશ્વસનીયતાની કેડી કંડારી રહ્યું છે.

Panchang

dd