• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

આજથી બીજી ટેસ્ટ : શ્રેણીજીતના ઈરાદે ઊતરશે શુભમનસેના

નવી દિલ્હી, તા. 22 : કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ ગ્રાઉન્ડમાં આવતીકાલે રવિવારથી ભારત અને શ્રીલંકા સામે બીજી ટેસ્ટ મેચની શરૂઆત થશે. આ મેચમાં શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલનાં પ્રદર્શન ઉપર ખાસ નજર રહેશે. સાથે જ શુભમન બ્રિગેડ ઈતિહાસ રચવાના આરે  હશે. ગોલમાં પહેલી ટેસ્ટ 165 રને જીતીને ભારતીય ટીમ શ્રેણીમાં 1-0થી આગળ છે. હવે શુભમન ગિલની કેપ્ટનશિપની ટીમ પાસે શ્રીલંકામાં શ્રેણી 2-0થી જીતવાની તક છે. ભારતીય ટીમમાં સ્પિનર ઓલરાઉન્ડર સારાંશ જૈનને તક અપાય તેવી શક્યતા છે. જો કે, ધ્રુવ જુરેલની નિષ્ફળતાઓ સામે પણ સવાલો ઊઠયા છે. ભારત માટે આ મુકાબલો મહત્ત્વનો છે, કારણ કે વિદેશી જમીન ઉપર ટેસ્ટ શ્રેણી જીત્યાને ત્રણ વર્ષ થઈ ચૂક્યા છે. ભારતે અંતિમ વખત જુલાઈ 2023માં વેસ્ટ ઇન્ડિઝને તેની જ જમીન ઉપર ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતું. બાદમાં ઓસ્ટ્રેલિયામાં શ્રેણી ગુમાવવી પડી હતી. જ્યારે દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સામે વિદેશી જમીન ઉપર શ્રેણી બરાબરીએ ખતમ થઈ હતી. આ દરમિયાન ઘરેલુ મેદાન ઉપર ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે મળેલી હારે ભારતને મોટો ઝટકો આપ્યો હતો. તેવામાં ગોલમાં મળેલી 165 રને જીત રાહત સમાન રહી છે. શ્રીલંકન સ્પિનરોએ મુશ્કેલ પીચ ઉપર ભારતીય બેટ્સમેનોને પરેશાન કર્યા હતા પણ ભારતે મુકાબલા ઉપર પકડ બનાવી રાખી હતી. જો ભારત કોલંબોમાં પણ જીત મેળવીને શ્રેણી 2-0થી પોતાનાં નામે કરે તો વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનાં પોઇન્ટ ટેબલમાં સ્થિતિ સારી બનશે. ક્લીન સ્વીપ બાદ ભારત 57.58 અંક સુધી પહોંચી શકે તેમ છે. જેનાથી ચોથા સ્થાને પહોંચાવાની સંભાવના બનશે. વર્તમાન સમયે બાંગલાદેશ 66.67 અંક સાથે ચોથા ક્રમાંકે છે. જો ડાર્વિનમાં ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં બાંગલાદેશ હારશે તો તેના અંક 55.56 થઈ જશે અને પાંચમા સ્થાને પહોંચી જશે, જ્યારે ભારતને ચોથું સ્થાન લેવાની તક મળશે. આ કોલંબો ટેસ્ટ માત્ર શ્રેણીની જીત નહીં પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ પણ મહત્ત્વની છે.

Panchang

dd