• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

એશિયન ગેમ્સ પહેલાં નીરજ લયમાં, ચોપડાએ બતાવ્યો દમ

નવી દિલ્હી, તા. 22 : જાપાનમાં થનારી એશિયન ગેમ્સ પહેલાં ભારતના સ્ટાર એથ્લિટ નીરજ ચોપડા પોતાના જૂના લયમાં પાછો ફરી રહ્યો છે. લુસાને ડાયમંડ લીગમાં ચોપડાએ વર્ષનું સૌથી સારું પ્રદર્શન કરતાં 88.05 મીટર દૂર ભાલો ફેંક્યો હતો, આ શાનદાર થ્રોનાં કારણે સ્પર્ધામાં બીજા ક્રમાંકે રહ્યો હતો. જીત અને પહેલાં ક્રમ વચ્ચેનો ગાળો ખૂબ જ મામૂલી રહ્યો હતો, જ્યાં શ્રીલંકાના ખેલાડી રૂમેશ પથિરાગે માત્ર નવ સેન્ટિમીટરની બઢત બનાવીને ટોપ ઉપર પહોંચ્યો હતો. મુકાબલાની શરૂઆતથી જ સ્ટાર ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. નીરજે બીજા રાઉન્ડમાં પૂરી તાકાત લગાડીને 88.05 મીટરનો થ્રો કર્યો હતો. જૂન 2025માં પેરિસ ડાયમંડ લીગ જીત્યા બાદ એક વર્ષથી વધુ સમયમાં આ સૌથી સારું પ્રદર્શન રહ્યું હતું. બાદમાં ત્રીજા રાઉન્ડમાં રૂમેશ પથિરાગેએ 88.14 મીટરનો થ્રો કરીને પહેલું સ્થાન મેળવ્યું હતું. ગ્રેનેડાનો એન્ડરસન પીટર્સ 86.69 મીટર સાથે ત્રીજાં સ્થાને રહ્યો હતો. લુસાને પહેલાં નીરજે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધો હતો. જ્યાં 85.83 મીટરનો થ્રો કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. તે સમયે નીરજે કહ્યું હતું કે, હજી ફિટનેસ પહેલાં જેવી નથી પણ ધીરે ધીરે ફરક પડી રહ્યો છે. વર્તમાન સિઝનમાં શ્રીલંકન ખેલાડી પથિરાગે શાનદાર ફોર્મમાં છે. તેણે રોમમાં 92 મીટરથી વધુનો થ્રો કર્યો હતો.

Panchang

dd