• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

ટીમ ઇન્ડિયાના વિજયરથ પર રાજકોટમાં લગામ

રાજકોટ, તા. 27 : વિજયરથ પર સવાર ભારતીય ટીમ પર આખરે ઓસ્ટ્રેલિયાએ લગામ કસીને ત્રીજી અને આખરી વન ડે મેચમાં 66 રને શાનદાર જીત મેળવીને વિશ્વકપ પૂર્વે તેના મનોબળમાં વધારો કર્યો છે. બીજી તરફ ટીમ ઇન્ડિયાને વિશ્વકપ અગાઉ આંચકારૂપ હાર સહન કરવી પડી છે. રાજકોટમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ વચ્ચે ઓસ્ટ્રેલિયાના પ0 ઓવરમાં 7 વિકેટે 3પ2 રનના જવાબમાં ભારતીય ટીમ 49.4 ઓવરમાં 286 રને ઓલઆઉટ થઇ હતી. વર્લ્ડ કપ પૂર્વેની આ આખરી ઇન્ટરનેશનલ મેચ હોવાથી ટીમ ઇન્ડિયાને ચિયર અપ કરવા માટે ખંઢેરી સ્ટેડિયમ પર સૌરાષ્ટ્રભરમાંથી દર્શકો ઉમટી પડયા હતા. જો કે ભારતની હારથી ચાહકોને નિરાશા સાથે સ્ટેડિયમ છોડવું પડયું હતું. ભારત તરફથી કપ્તાન રોહિત શર્માએ 6 છગ્ગાથી 81 રનની આતશી ઇનિંગ્સ રમી હતી જ્યારે સ્ટાર વિરાટ કોહલીએ પણ આક્રમક અર્ધસદી ફટકારી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે 40 રનમાં 4 વિકેટ ઝડપી ઓસ્ટ્રેલિયા માટે વિજયનો માર્ગ બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ માર્શ 4 રને સદી ચૂકી ગયો હતો. તેણે 96 રન બનાવ્યા હતા જ્યારે સ્મિથે 74, લાબુશેને 72 અને વોર્નરે પ6 રન સાથે ભારતીય બોલરોની ધોલાઇ કરી હતી. ભારત તરફથી બુમરાહે 3 વિકેટ લીધી હતી, પણ તેણે 81 રન લૂંટાવ્યા હતા. 3પ3 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ભારતની શરૂઆત આક્રમક રહી હતી. કપ્તાન રોહિત સાથે ઓપનિંગમાં આવેલ વોશિંગ્ટન સુંદરે પહેલી વિકેટમાં 6પ દડામાં 74 રનની ઝડપી ભાગીદારી કરી હતી. આ દરમિયાન રોહિતે આતશી બેટિંગ કરીને દર્શકોને ખુશ કરી દીધા હતા. સુંદર 18 રને આઉટ થયો હતો. આ પછી રોહિત-વિરાટની જુગલજોડીનું રાજકોટમાં રાજ જોવા મળ્યું હતું. જો કે રોહિતનો મેક્સવેલે વળતો કેચ આબાદ તરીકે ઝડપીને ભારતને ભીંસમાં લીધું હતું. રોહિત માત્ર પ7 દડામાં પ ચોગ્ગા અને 6 ગગનચુંબી છગ્ગા ફટકારીને 81 રને આઉટ થયો હતો. તેના અને વિરાટ વચ્ચે બીજી વિકેટમાં 61 દડામાં 70 રનની ભાગીદારી થઇ હતી. રોહિત પછી મેકસવેલે વિરાટનો પણ શિકાર કર્યો હતો. કોહલી 61 દડામાં પ ચોગ્ગા-1 છગ્ગાથી પ6 રને પેવેલિયનમાં પાછો ફર્યો હતો. રન લક્ષ્યાંક અને દડાનું અંતર વધી જતાં કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર રન રફતાર વધારવાના ચક્કરમાં અનુક્રમે 26 અને 48 રને આઉટ થયા હતા. સૂર્યકુમાર યાદવ (8) નિષ્ફળ રહ્યો હતો. અંતમાં લોકલ બોય રવીન્દ્ર જાડેજાએ  36 દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી 3પ રન કર્યા હતા, પણ સામા છેડેથી તેને કોઇનો સાથ મળ્યો ન હતો. આથી ટીમ ઇન્ડિયાનો વાવટો 49.4 ઓવરમાં 286 રને વિંટાઇ ગયો હતો અને ઓસ્ટ્રેલિયાનો 66 રને સંગીન અને મહત્ત્વનો વિજય થયો હતો. આ પહેલાં રાજકોટની સપાટ પીચ પર ટોસ જીતીને પ્રથમ દાવ લેનાર ઓસ્ટ્રેલિયાએ પ0 ઓવરમાં 7 વિકેટે 3પ2 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શે 96 રનની, સ્ટિવન સ્મિથે 74 રનની, માર્નસ લાબુશેને 72 રનની ડેવિડ વોર્નરે પ6 રનની આક્રમક ઇનિંગ રમી હતી જ્યારે ભારત તરફથી જસપ્રિત બુમરાહે 3 વિકેટ લીધી હતી, પણ તે ઘણો ખર્ચાળ સાબિત થયો હતો. તેણે 10 ઓવરમાં 81 રન લૂંટાવ્યા હતા જ્યારે કુલદીપ યાદવને 48 રનમાં 2 વિકેટ મળી હતી.

રાજકોટમાં ક્રિકેટોત્સવ : રમતપ્રેમીઓ ઊમટી પડયા

રાજકોટ, તા. 27 : રમતપ્રેમી અને રંગીલા રાજકોટમાં આજે રનના વરસાદ વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ વચ્ચે રોમાંચક ટક્કર થઈ હતી. રનની રમઝટ વચ્ચે ક્રિકેટત્સોવ જેવો રંગારંગ માહોલ સર્જાયો હતો. વિશ્વ કપ પૂર્વેની આ આખરી આંતરરાષ્ટ્રીય મેચ હોવાથી રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં દર્શકો ઊમટી પડયા હતા. ઓસ્ટ્રેલિયાના દાવ વખતે સખત તડકાને લીધે સ્ટેડિયમમાં દર્શકો હાજરી ઓછી હતી, પણ ભારતની ઇનિંગ્સ વખતે સ્ટેડિયમ હાઉસફુલ થઈ ગયું હતું અને લગભગ 30,000થી વધુ દર્શકો ઊમટી પડયા હતા. દર્શકો સવારે 11-00 વાગ્યથી સ્ટેડિયમની બહાર ઊમટી પડયા હતા અને ઇન્ડિયા... ઇન્ડિયાના નારા લગાવ્યા હતા. ઘણા દર્શકોના હાથમાં તિરંગા હતા અને ટીમ ઇન્ડિયાની બ્લ્યૂ જર્સી ધારણ કરી હતી. યુવા દર્શકોએ ગાલ પર ટીમ ઇન્ડિયાને ચિયર અપ કરતા ટેટૂ ચિતરાવ્યાં હતાં. દર્શકોને સ્ટેડિયમમાં 11-30થી એન્ટ્રી અપાઈ હતી. મેચમાં શરૂઆતથી જ ચોગ્ગા-છગ્ગાની રમઝટ થઈ હતી. ડીજેના તાલે દર્શકોએ બન્ને ટીમના ખેલાડીઓને નાચ-ગાન અને તાલીઓના ગડગડાટથી પ્રોત્સાહિત કર્યા હતા. રાજકોટની મેચ જોવા ફક્ત સૌરાષ્ટ્રના જ નહીં, પણ અમદાવાદ અને વડોદરા બાજુના દર્શકો પણ ઊમટી પડયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang