તેલ અવીવ, તા. 18 : ઇઝરાયલના સંરક્ષણ પ્રધાને આજે
દાવો કર્યો હતો કે આઈડીએફએ ઈરાનના ગુપ્તચર મંત્રી ઇસ્માઇલ ખાતીબને ખતમ કરી નાખ્યા છે.
ખતીબ રાત્રિ દરમ્યાન થયેલા હુમલામાં માર્યા ગયા હતા. જો કે, ઈરાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું
નથી. ઇઝરાયલે ઈરાનના શક્તિશાળી રાષ્ટ્રીય સુરક્ષા વડા અને આઈઆરજીસીના બાસીઝ અર્ધલશ્કરી
દળના વડા અલી લારીજાનીની હત્યાની પુષ્ટિ કર્યાના બીજા દિવસે ઇસ્માઇલ ખતીબનાં મૃત્યુના
અહેવાલ છે. એસોસિએટેડ પ્રેસે ઇઝરાયલના સંરક્ષણ
પ્રધાન ઇઝરાયલ કરેત્ઝેને ટાંકીને જણાવ્યું
હતું કે, તેમણે અને વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સૈન્યને
વધારાની પરવાનગી વિના કોઈ પણ અન્ય વરિષ્ઠ ઇરાની અધિકારીને નિશાન બનાવવા અને મારી નાખવાનો
અધિકાર આપ્યો છે. ગયા અઠવાડિયે અમેરિકા જે અધિકારીઓ વિશે માહિતી માગી રહ્યું હતું,
તેમાં ખાતીબનો પણ સમાવેશ થાય છે અને તેમના ઠેકાણા વિશે માહિતી આપનારને
10 મિલિયન ડોલર સુધીનું ઇનામ આપવાની
ઓફર કરી હતી. દરમ્યાન મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે
અમેરિકા-ઇઝરાયલે હવે ઈરાનના ઊર્જાના મુખ્ય મથકોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે.
ઈરાનના સરકારી મીડિયા અનુસાર, અમેરિકા
અને ઇઝરાયલે દક્ષિણ ઈરાનમાં દક્ષિણ પાર્સ ગેસ ક્ષેત્ર અને અસાલુહ શહેરમાં તેલ ગેસ સુવિધાઓ
પર હુમલો કર્યો છે. દક્ષિણ પાર્સને વિશ્વનું
સૌથી મોટું કુદરતી ગેસ ક્ષેત્ર માનવામાં આવે છે. અહેવાલો અનુસાર, આ હુમલામાં ગેસ તેમજ પેટ્રોકેમિકલ અને ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં
આવ્યું છે. ઇઝરાયલી મીડિયાએ બુશેહર વિસ્તારમાં ગેસ સુવિધા પર હુમલો કર્યો છે. આ પહેલા ઇઝરાયલના સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે,
આજે ઈરાન અને લેબેનોનમાં મોટી
આશ્ચર્યજનક કાર્યવાહી થશે. બીજી તરફ ઈરાને
ગલ્ફ દેશોમાં મોટા હુમલાની ચેતવણી આપી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ (આઈઆરજીસી)એ લોકોને
સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) અને કતારમાં મુખ્ય
તેલ અને ગેસના પાયાથી દૂર રહેવા કહ્યું છે. કતારે ઈરાનના ગેસ ક્ષેત્ર પર થયેલા હુમલાની
નિંદા કરી છે.