• ગુરુવાર, 19 માર્ચ, 2026

દુધઈ સબ બ્રાન્ચ કેનાલ માટે 230 કરોડની જોગવાઈ કરાઈ છે

અમદાવાદ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : નર્મદા યોજના અંતર્ગત વર્ષ 2026-27 માટે કુલ રૂા. 3117.33 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં સિંચાઈ ક્ષમતા વધારવા માટે અનેક મહત્વના પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં કચ્છ જિલ્લાની દુધઈ સબ-બ્રાન્ચ કેનાલ માટે રૂા. 230 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ વર્ષે નર્મદા બેઝીનમાં સારા વરસાદને પરિણામે ગુજરાતને 11 મિલિયન એકર ફીટથી વધુ પાણી મળવાની અપેક્ષા છે. હરાજ્યની 5 કરોડથી વધુ વસ્તીને દૈનિક 3500 એમ.એલ.ડી. પાણી પૂરું પાડવા માટે રૂ. 22,000 કરોડના ખર્ચે રાજ્યવ્યાપી વોટર ગ્રિડનું નિર્માણ થયું છે. આગામી વર્ષોમાં ભૂગર્ભ જળ આધારિત યોજનાઓને સરફેસ સોર્સ (સપાટી પરના જળ) આધારિત જૂથ યોજનાઓમાં પરિવર્તિત કરવાનું લક્ષ્ય છે. એવી જ રીતે, સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ઢાંકીથી માળીયા સુધીની નવી 120 કિમીની બલ્ક પાઇપલાઇન માટે રૂા. 1200 કરોડની જોગવાઈ કરાઈ છે, જે પૂર્ણ થતાં 60 લાખની વસ્તીને વધારાનું પાણી મળશે. વિધાનસભા ગૃહમાં નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ માટેની અંદાજપત્રીય માગણીઓ પસાર કરાઈ હતી. તે અગાઉ તેના પર થયેલી ચર્ચાનો જવાબ આપતાં મંત્રી ઈશ્વરાસિંહ પટેલે જણાવ્યું હતું કે, આધુનિક ટેકનોલોજી અને સ્માર્ટ મેનેજમેન્ટથી ગુજરાત હવે, `વોટર સરપ્લસ' સ્ટેટ બનશે. 

Panchang

dd