• ગુરુવાર, 19 માર્ચ, 2026

વાગડના નર્મદાની ત્રણ યોજના માટે 2700 કરોડની જોગવાઈ

રાપર,તા. 18 : વાગડના  છેવાડાના ખડીર અને  રાપરને નર્મદાનાં વધારનાં પાણી અને તળાવો ભરવા માટેનાં આયોજનો સહિતની નાણાંની જોગવાઈ માટે રાજ્યના પાણી પુરવઠા મંત્રી દ્વારા આજે વિધાનસભામાં જાહેરાત કરાઈ હતી. આ કામો માટે રાપરના ધારાસભ્ય દ્વારા સમયાંતરે કરાયેલી રજૂઆત ફળદાયી રહી હતી અને ચૂંટણી વખતે અપાયેલું વચન પણ શ્રી જાડેજાએ પાળ્યું હતું. રાપર તાલુકાના નર્મદા કેનાલ  યોજના વખતે પણ કમાંડ  વિસ્તારથી વંચિત રહી ગયેલા  ગામડાઓની યોજના સહિત વાગડની કુલ ત્રણ યોજના માટે 2700 કરોડ જેટલી રકમની ફળવણી બજેટમાં કરવામાં આવી હોવાની માહિતી રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી દ્વારા વિધાનસભામાં બજેટ ઉપર બોલતા વાગડમાં  પાણીનાં કામો માટની જોગવાઈઓ વિશે વાત કરી હતી. રાપર તાલુકા માટે નર્મદાનાં વધારાનાં પાણી પૈકી 1 મિલિયન એકર ફિટ પાણીનું વિતરણ કરવા માટે રૂપિયા 765 કરોડના ખર્ચે પાઈપલાઈન યોજનાથી રાપર તાલુકાના 99 જેટલાં તળાવો તથા સિંચાઇ યોજનાઓમાં નર્મદાનું વધારાનું પાણી પહોંચાડાશે. જેનાથી 43 ગામના 22,000 જેટલા હેકટર વિસ્તારને સિંચાઇના લાભ મળશે. આ કામો માટે રૂા.1333 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કચ્છના ખડીર વિસ્તારનાં 10 ગામનાં 180 તળાવ અને 6 નાની સિંચાઇ યોજનામાં નર્મદાનાં પાણી પહોંચાડવા માટે રૂા.500.85 કરોડના અંદાજિત ખર્ચની યોજના આયોજન હેઠળ છે. જેનાથી 5303 હેક્ટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. રાપર  ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાએ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી ઈશ્વરાસિંહ પટેલ તથા ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો, અત્રે ઉલ્લેખનીય છે કે, કમાંડ બહારના વાગડના 43 ગામને નર્મદાનાં નીર પહોંચાડવા માટે ધારાસભ્ય દ્વારા ખાતરી આપવામાં આવી હતી. આ યોજના માટે માતબર રકમ મંજૂર કરાતાં  43 ગામમાં  ઉનાળામાં પીવાનાં પાણીની સર્જાતી કટોકટી  હવે ભૂતકાળ બની જશે અને વાગડ પાણીદાર બનશે, તેવો આશાવાદ પ્રબળ બન્યો છે. 

Panchang

dd