• ગુરુવાર, 19 માર્ચ, 2026

ગાંધીધામ મહાનગરપાલિકાનું 982.65 કરોડનું બજેટ

ગાંધીધામ, તા. 18 : ગાંધીધામ મહાનગરપાલિકાનું બુધવારે 197.82 કરોડની પુરાંત સાથેનું 982.65 કરોડનું બજેટ બહાર પાડવામાં આવ્યું હતું. ગત વર્ષે 2025/26માં 608.73 કરોડનું બજેટ હતું, તેમાં આ વર્ષે 373.92 કરોડના વધારા સાથે 982.65 કરોડનું બજેટ બહાર પાડવામાં આવ્યું છે. - જિલ્લા કલેક્ટર : જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકાના વહીવટદાર આનંદ પટેલની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણીએ બજેટની રૂપરેખા આપી હતી. વર્ષ 2026/27માં ઊઘડતી પુરાંત 273.26 કરોડ દર્શાવવામાં આવી છે. 93.83 રેવન્યૂ આવક તેમજ 615.56 કરોડ કેપિટલ આવક સાથે કુલ 709.39 કરોડની આવક સામે 98.61 કરોડ રેવન્યૂ અને 686.82 કરોડ કેપિટલ ખર્ચ સાથે કુલ 784.82 કરોડના ખર્ચનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે અને 31 માર્ચ-2027ના અંતે 197.82 કરોડની પુરાંત રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.  - વિકાસનો વ્યાપ વધશે : જિલ્લા કલેક્ટર શ્રી પટેલે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ઘણા વિકાસના કામો કરવામાં આવ્યા છે અને આગામી વર્ષમાં લોકોને રોડ રસ્તા પાણી ડ્રેનેજ સફાઈ પરિવહન સહિતની માળખાગત સુવિધાઓ મળે તે દિશામાં કામગીરી કરવામાં આવશે. ખાસ કરીને મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થયેલા ગ્રામીણ વિસ્તારનો તો વિકાસ થશે જ, પરંતુ શહેરી વિસ્તારને લગોલગ વિસ્તારમાં પણ વિકાસનો વ્યાપ વધારવામાં આવશે. હાલના સમયે ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી અને મહાનગરપાલિકા સાથે મળીને કામગીરી કરી રહ્યા છે. મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ થયું છે, ટ્રાન્ઝિટ પિરિયડ છે દરમિયાન ધીરે-ધીરે વ્યવસ્થાઓની સાથોસાથ જે અન્ય સરકારી મશીનરીઓ છે, તે પણ હસ્તગત આવતી જશે શિક્ષણ આરોગ્ય સહિતના જે નીતિગત વિષયો છે, તેમાં સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે અને ત્યાર પછી ધીરે-ધીરે વ્યવસ્થાઓ મહાનગરપાલિકામાં સમાવેશ થતી જશે તેમ જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ અને સંજય રામાનુજ ઉપસ્થિત રહ્યા હતા.  મ્યુનિસિપલ કમિશનરે આગામી વર્ષમાં જે-જે કામો બજેટમાં લેવાયા છે અને હાથ ધરવાના છે, તે અંગેની વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. - મુખ્ય માર્ગો નવા બનાવવામાં આવશે : મુખ્યમંત્રી ગ્રીન રિંગરોડ યોજના હેઠળ આદિપુર ઘોડા ચોકડીથી ઓમ મંદિર અને ત્યાંથી લીલાશા ફાટક થઈને ગોપાલપુરી રેલવે સ્ટેશનથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ સુધી 135 કરોડ રૂપિયાના ખર્ચે 10 કિ.મી.નો રોડ બનશે, આ ઉપરાંત જીડીએ દ્વારા ફાળવવામાં આવેલા 30 કરોડમાંથી ટાગોર રોડથી ડીસી-5 થઈને કિડાણા અંતરજાળને જોડતો માર્ગ બનાવવાનો છે. આ ઉપરાંત ટાગોર રોડથી ગોપાલપુરી રેલવે સ્ટેશન સુધી, મુંદરા સર્કલથી પ્રભુદર્શન હોલ, ભારતનગર મુખ્ય માર્કેટ રોડ, ટ્રાન્સપોર્ટનગરના માર્ગો, રોટરી નગર અને ગણેશનગરમાં નવા માર્ગોનું નિર્માણ કરવામાં આવશે તેમજ મહાનગરપાલિકામાં નવા સમાવેશ થયેલા વિસ્તારોમાં પણ અલગથી વિશેષ જોગવાઈ હેઠળ માર્ગોનાં કામ હાથ ધરાશે. - પીવાના જળની અને પાણી નિકાલની વ્યવસ્થા : ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની હેઠળના 116 કરોડના પ્રકલ્પને કાર્યરત કરવામાં આવશે અને 27 એમ.એલ.ડી. ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ પણ કાર્યરત કરી દેવામાં આવશે, આ ઉપરાંત 4.16 કરોડના ખર્ચે 9/બી, જગજીવનનગરમાં ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ ટાંકાઓ તથા પમ્પિંગ મશીનરીના કામો કર્યા છે. હયાત પાણીનું નેટવર્ક સુદૃઢ બનાવવા છે અને ઓપરેશન તથા મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે, જ્યારે વરસાદી પાણીના નિકાલ માટે 10 કરોડના ખર્ચે ગ્રીન પાનથી કાર્ગો સુધીનું નાળું બનાવવાનું છે, ઉપરાંત ગ્રીનપાનથી સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ સુધી તેમજ ડીપીએની ઓફિસ સામેના ટાગોર રોડ વિથમાં આવેલ હયાત નાળાઓને આઠ કરોડના ખર્ચે વ્યવસ્થિત કરવામાં આવશે. ઉપરાંત જળસંચય જન ભાગીદારી અભિયાન હેઠળ સરકારી ઇમારતોમાં રેઇન વોટર/રૂફ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે, તેમાં સંસ્થાઓની પણ મદદ લેવાશે અને ભૂગર્ભ જળને રિચાર્જિંગ માટે પ્રોત્સાહિત કરાશે. - કિડાણા અંતરજાળના તળાવોની સુંદરતા વધારાશે : અંતરજાળમાં આવેલા તળાવનો આઠ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવી રહ્યો છે ને હાલના સમયે તેની કામગીરી ચાલુ છે. આ ઉપરાંત સરકારને આગવી ઓળખની ગ્રાન્ટમાંથી 12 કરોડ રૂપિયાના ખર્ચે કિડાણા તળાવનો વિકાસ કરાશે. ઉપરાંત સુંદરતા વધારવા માટેના કામો કરવામાં આવશે. - એનિમલ બર્થ કન્ટ્રોલ સ્થાપિત કરાશે : મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા સરકારની માર્ગદર્શિકા અનુસંધાને આ વર્ષે 100 સ્વાનની ક્ષમતા ધરાવતા એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર બનાવવામાં આવશે અને અહીં શ્વાન માટે રસીકરણ તથા ખસીકરણની કામગીરી માટેની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. - 25 કરોડના ખર્ચે આધુનિક કચેરીને નિર્માણ થશે : શહેરના ડીસી-પાંચ વિસ્તારમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા ફાળવવામાં આવેલી જમીનમાં 25 કરોડ રૂપિયાના ખર્ચે મહાનગરપાલિકાની નવી કચેરી બનશે અને તેમાં આધુનિક સેન્ટર બનાવવામાં આવશે. હાલના સમયે અધિકારીઓ માટેના નિવાસસ્થાનોનું નિર્માણ થઈ રહ્યું છે. આગામી સમયમાં અલગ-અલગ વોર્ડ ઓફિસ અને આ મુખ્ય કચેરીનું નિર્માણકાર્ય શરૂ કરાશે. -  ઇ-બસ ડેપો બનાવાશે અને ગૌરવ પાર્કનું નિર્માણ કરાશે : મહાનગરપાલિકાને પી.એમ.ઈ. બસ સેવા હેઠળ 80 ઇ-બસ માટે સરકારમાંથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે અને એસઆરસી દ્વારા ફાળવવામાં આવેલી જમીનમાં 20 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ ઈ-બસ ડેપો અને ચાર્જિંગ ટર્મિનલનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત ગૌરવ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. શહેરના નાગરિકોને એક સારું સુવિધા સાથેનું મનોરંજન સ્થળ ઉપલબ્ધ થશે તેમજ ટાગોર રોડ ઉપર આંબેડકર બ્રિજની નજીક આવેલા સેક્ટર એ વિસ્તારમાં આવેલા ગાર્ડનનો ત્રણ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવશે, જેમાં એમ્ફી થિયેટર, બાળકો માટે ચિલ્ડ્રન પાર્ક, કેફેટેરિયા તથા આકર્ષક લેન્ડસ્કાપિંગ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે તેમજ સુગમ્ય યોજના હેઠળ દિવ્યાંગજનો માટે સુગમ્યતાના ધોરણોને અનુરૂપ બગીચાઓનો વિકાસ કરવામાં આવશે. - ટાઉનહોલ તથા લાયબ્રેરીનું નિર્માણ થશે : શહેરના સેક્ટર વિસ્તારમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનહોલનું 12 કરોડ રૂપિયાના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આધુનિક સુવિધાઓ સાથેનો ટાઉનહોલ તૈયાર કરાય છે અને ત્યાર પછી તેમાંથી આવકનો સ્ત્રોત ઊભો કરવાની દિશામાં પગલાં ભરાશે, આ ઉપરાંત ગાંધીધામમાં ચાર કરોડના ખર્ચે સ્માર્ટ લાયબ્રેરીનું કામ પ્રગતિમાં છે તેમજ દીનદયાલ પોર્ટ ઓથોરિટીના સીએસઆર ફંડમાંથી આદિપુર ખાતે લાયબ્રેરીનું નિર્માણ થશે અને તેની બાજુની જગ્યામાં ખુલ્લું જીમ અને ગ્રીન સ્પેસ બનાવવાનું આયોજન પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. - આવક અને ખર્ચ (આંકડા કરોડમાં) : ઊઘડતી સિલક 273.26  - રેવન્યૂ આવક 93.83  - રેવન્યૂ ખર્ચ      98.61  - કેપિટલ આવક 615.56  - કેપિટલ ખર્ચ  686.20  - કુલ આવક 709.39  - કુલ ખર્ચ 784.82  - પુરાંત 197.65 

Panchang

dd