ગાંધીધામ, તા. 18 : શહેરની ભાગોળે આવેલી ઇમારતમાં
શિપિંગ-ટ્રેડિંગ કંપની ચલાવતા યુવાનને 10 કરોડની લોન પાસ કરાવી આપવાનું કહી કમિશન પેટે રૂા. 25 લાખ મેળવી લોન ન કરાવી કે પૈસા
પરત ન આપતાં એક મહિલા સહિત ત્રણ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના હાઉસિંગ
બોર્ડ વિસ્તારમાં રહેનાર ફરિયાદી અશ્વિનસિંહ સુરસિંહ સોઢા કચ્છ આર્કેડ પ્લેટેનિયમ બિલ્ડિંગમાં
એસ.એસ. એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવે છે. આ યુવાનને બે વર્ષ પહેલાં વોટ્સએપ પર મેસેજ
આવ્યો હતો, બાદમાં બંને વચ્ચે વાતો
ચાલુ થઇ હતી. સામા છેડેના શખ્સે પોતાનું નામ દિલીપ મકવાણા (રહે. અમદાવાદ) જણાવ્યું
હતું. આ શખ્સે તમારી પેઢી માટે મોટી લોન જોઇતી હોય તો કહેજો, મારા ઓળખીતા છે તેવું કહ્યું હતું. ફરિયાદીએ લોનમાં રસ દાખવતાં દિલીપે અમદાવાદના
કલ્પેશસિંહ ઘનશ્યામસિંહ ઝાલા સાથે સંપર્ક કરાવ્યો હતો. આ કલ્પેશએ પોતાની પત્ની અંકિતા ઝાલા બેન્કમાં નોકરી કરે છે,
તેની સારી ઓળખાણ છે તેવો વિશ્વાસ આપ્યો હતો. બાદમાં કલ્પેશે ફોન કરી
સ્ટાર્ટઅપ ઇન્ડિયાની યોજનામાં સરકાર 10 કરોડની લોન આપે છે. મારી પત્ની તેમાં સેટિંગ કરાવી આપશે તેવી
વાત કરી હતી. આ પતિ-પત્નીએ લોન થઇ જવાનું કહી કુલ લોનના પાંચ ટકા લઇશું, જેમાં અઢી ટકા એડવાન્સમાં અને બાકીની રકમ પછી આપજો તેમ કહેતાં ફરિયાદીએ વાતોમાં આવી જઇને કલ્પેશના
ખાતામાં જુદી -જુદી તારીખે પૈસા જમા કરાવ્યા હતા. બાદમાં આરોપીએ વધુ રૂા. 1,25,000 માગતાં ફરિયાદીએ આપી દીધા હતા.
આ ભોગ બનનારને 7 દિવસમાં 10 કરોડની લોન ખાતામાં આવી જશે
તેવો વિશ્વાસ આપ્યો હતો, પણ લોન ન આવતાં
તેની વાત કરતાં આરોપીઓએ ખોટા વાયદા કરી બહાના કર્યા હતા. ફરિયાદીએ વારંવાર પૈસા પરત
માગતાં તેમને 2 લાખ પરત અપાયા
હતા, જ્યારે રૂા. 25 લાખ ચાંઉ કરી જવાયા હતા. 25 લાખની છેતરપિંડીના આ બનાવમાં
પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.