ભુજ, તા.18 : અહીંના ધમધમતા હોસ્પિટલ રોડ
પર પોલીસનું પેટ્રોલિંગ ઘટતાંની સાથે જ ફરી તોફાની તત્ત્વો સક્રિય બન્યાની ફરિયાદ ઊઠી
છે. સામાન્ય રીતે મોડી રાત્રે ભારે અવાજ વાળા
બાઈકથી અવરજવર કરનારા અમુક તત્ત્વોએ થોડા દિવસ પહેલાં જાહેર માર્ગ પર બંધ દુકાનોના
શટર પર પથ્થરો ફેંકવાની પ્રવૃત્તિ પણ કરતાં દુકાનધારકોમાં ચિંતાની લાગણી સાથે પોલીસ
આ માર્ગ પર કાયમી ચાંપતી નજર રાખે તેવી માંગ ઊઠી છે. જાગૃત નાગરિકોએ કરેલી ફરિયાદ અનુસાર
મોડી રાત્રિના બાઈકથી નીકળેલા અમુક શખ્સોએ બાઈક ઉભાડી દઈ પગે ચાલીને બુમબરાડા કર્યા
હતા અને બંધ દુકાનોના શટર પર અથડાય એમ પથ્થરો ફેંક્યા હતા. મોડી રાત્રિએ શાંત રસ્તા અને પોલીસ પણ ન હોવાથી આવાં તત્ત્વોને
મોકળું મેદાન મળી રહ્યું હોવાની લાગણી જાગૃતોએ વ્યક્ત કરી હતી. આ માર્ગે અનેક હોસ્પિટલો
અને રહેણાક પણ હોવાથી પોલીસની કાયમી હાજરી જરૂરી બની છે એમ નાગરિકોએ જણાવ્યું હતું.