ભુજ, તા. 18 : કેટલીક વ્યક્તિઓને જાતભાતના
વ્યસન હોય છે. ધૂમ્રપાન, દારૂ,
તમાકુ ગુટખા, ડ્રગ્સ વિગેરે તો સામાન્ય છે,
પરંતુ તાજેતરમાં અદાણી સંચાલિત ગેઇમ્સ જી. કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સા
વિભાગમાં એક એવો યુવાન દર્દી આવ્યો જેને પેટ્રોલ
સૂંઘવાનું વ્યસન હતું. દર્દી છેલ્લા કેટલાક મહિનાથી વારંવાર પેટ્રોલની વાસ શ્વાસ દ્વારા
લેતો હતો. શરૂઆતમાં ઉત્સુકતા અને મિત્રોના પ્રભાવથી આ ટેવ લાગી હતી, પરંતુ સમય જતાં તે વ્યસન થઈ ગયું. મનોચિકિત્સક ડો. રિદ્ધિબેન ઠક્કરે વધુમાં
જણાવ્યું કે, દર્દી સારવાર માટે આવ્યો ત્યારે ચક્કર આવવા,
ધ્યાનમાં ઘટાડો, ચિડચિડાપણું, ઊંઘમાં ગડબડ અને પરિવાર સાથે મતભેદ જેવી સમસ્યાઓ થવા લાગી હતી. જે પેટ્રોલ
જેવા ઈન્હેલેન્ટ નિયમિત સૂંઘવાની અસર હોવાનું નિદાન થયું. પરિવારજનોની સમજદારી અને
સમયસર માનસિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા બદલ દર્દીને યોગ્ય કાઉન્સાલિંગ, દવાઓ અને પરિવારના સહકાર દ્વારા આ વ્યસનમાંથી બહાર લાવવામાં સફળતા મળી. મનોચિકિત્સક
ડો. નીરવ ચાનપાના જણાવ્યા પ્રમાણે હાલમાં દર્દી સંપૂર્ણ સ્વસ્થ છે અને છેલ્લા 2-3 મહિનાથી મનોચિકિત્સા વિભાગમાં નિયમિત
ફોલો-અપમાં આવે છે. જી.કે.માં દર્દીના વ્યસન,
નિદાન અને તેનું મૂલ્યાંકન કરી
જરૂરિયાત મુજબ કાઉન્સાલિંગ, મનોચિકિત્સા અને દવાઓ દ્વારા સારવાર
આપવાની સાથે પરિવારને પણ માર્ગદર્શન આપવામાં
આવે છે. મનોચિકિત્સકો ડો. ખુશી ગણાત્રા અને
ડો. યેશા કલ્યાણીએ કહ્યું કે, ઈન્હેલેન્ટ એક એવો રાસાયણિક પદાર્થ
છે, જે શ્વાસમાં લેવાથી
મગજ ઊપર નશા જેવો પ્રભાવ પાડે છે. સામાન્ય રીતે ઘરગથ્થુ અથવા કેટલીક ઔદ્યોગિક
વસ્તુઓમાંથી મળે છે. ચક્કર આવવા, માથું ભારે લાગવું, ધ્યાન અને સ્મૃતિમાં ઘટાડો, અસ્પષ્ટ
બોલવું, આંખો લાલ થવી અને નાક અથવા કપડાંમાંથી કેમિકલની ગંધ આવવી
તેના લક્ષણો હોય છે. ડો. હર્ષ ગોધાણીએ માહિતી આપતાં ઉમેર્યું કે, ઇન્હેલન્ટનો લાંબા સમય સુધી દુરુપયોગ કરવાથી ગંભીર શારીરિક અને માનસિક સમસ્યાઓ
થઈ શકે છે, જેમ કે, મગજને નુકસાન,
યાદ શક્તિમાં ઘટાડો, ચેતાતંતુ અને જ્ઞાનતંતુઓને
નુકસાન, ફેફસાં, લીવર અને કિડનીને અસર,
હૃદય સંબંધીત જોખમ તેમજ અચાનક મૃત્યુનું પણ જોખમ થઈ શકે છે. આમ વ્યસન
છુપાવવા કરતાં સમયસર સારવાર લેવી અત્યંત જરૂરી છે તેવો અનુરોધ કરાયો હતો.