મુંબઈ, તા. 17 : આઇપીએલની ગઇકાલની મેચમાં પંજાબ
કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરનો બ્રાઉન્ડ્રી લાઇન પર હવામાં ડાઇવ મારીને કરેલા અદ્ભુત
કેચની દરેક જગ્યાએ ચર્ચા થઇ રહી છે. મુંબઇના કેપ્ટન હાર્દિક પંડયાએ મારેલા ફટકા પર
શ્રેયસ અય્યરે ગજબની સ્ફૂર્તિથી બાઉન્ડ્રી લાઇન બહાર ડાઇવ મારી કેચ ઝડપી લીધો હતો અને
હવામાં જ સાથી ખેલાડીને પાસ કરી દીધો હતો. આ કેચ તેણે મુંબઇના ડગઆઉટ નજીક લીધો હતો.
શ્રેયસના આ કેચથી મુંબઇની છાવણીમાં બેઠેલા રોહિત અને સૂર્યકુમાર પણ હતપ્રભ થઇ ગયા હતા.
મેચ ખતમ થયા બાદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે શ્રેયસ અય્યરના કેચની ભારોભાર પ્રશંસા
કરી હતી. સચિને લખ્યું કે શ્રેયસનો કેચ ફકત એથ્લેટિસિજમને લીધે ખાસ નથી, પણ તેની પાછળ તેની સમજણ પણ કમાલની છે. તેણે
એક સેકન્ડની અંદર હવામાં દડો ઝડપી અને જમીન પર પડતાં પહેલાં હવામાં જ રહીને સાથી ખેલાડી
તરફ દડો ઉછાળવાનો હતો. જે બધું શ્રેયસે આંખના પલકારામાં કર્યું.