નવી દિલ્હી, તા. 17 : દેશના મુખ્ય
ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કહ્યું હતું કે, સમાન નાગરિક સંહિતા (યુસીસી) બંધારણનું લક્ષ્ય છે. તેને કોઈ પણ ધર્મ સાથે કોઈ
મતલબ નથી. મુસ્લિમોને ડર છે કે, હિન્દુ નાગરિક સંહિતા થોપાઈ રહી
છે તેવી દલીલ સાંભળતાં તેમણે આ ટિપ્પણી કરી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત,
જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને વિપુલ પંચોલીની ખંડપીઠે સુપ્રીમ કોર્ટમાં
મુસ્લિમ મહિલાઓના વારસાના અધિકારી સાથે જોડાયેલા એક મામલાની સુનાવણી કરી હતી. સુનાવણી
દરમ્યાન અરજદારના વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, આદર્શ રીતે
એક એવી સમાન નાગરિક સંહિતા હોવી જોઈએ તે તમામ ધર્મોના વારસાના અધિકારોને નિયંત્રિત
કરે. પરંતુ મુસ્લિમોના મનમાં એક ભય છે કે, પ્રસ્તાવિત સમાન નાગરિક
સંહિતા મારફતે હિન્દુ નાગરિક સંહિતા થોપાઈ રહી છે. અરજદારે દલીલ આપી હતી કે,
પર્સનલ લોને બંધારણની કલમ 25 હેઠળ સંરક્ષણ પ્રાપ્ત નથી. જો તે ભેદભાવપૂર્ણ છે તો રદ થવો જોઈએ.મુખ્ય
ન્યાયમૂર્તિ સૂર્યકાંતે કહ્યું હતું કે, મહિલાઓના સંપત્તિ અધિકાર કોઈ ધર્મની ફરજિયાત ધાર્મિક પ્રથા ન હોઈ શકે. એ જોતાં
બંધારણની કલમ 25 હેઠળ તેને
સંરક્ષિત ન કરી શકાય. આ કલમ તમામને ધર્મની સ્વતંત્રતાનો મૌલિક અધિકાર આપે છે.