ભુજ, તા. 17 : ભારતીય સંસ્કૃતિમાં અખાત્રીજના
દિવસે સોના જેવી ધાતુમાં કરાતું નિવેશ એક પરંપરા ઉપરાંત ધાર્મિક, મનોવૈજ્ઞાનિક અને આર્થિક દૃષ્ટિએ પણ શિસ્તબદ્ધ
રોકાણ છે, કેમકે લોકો દાગીનામાં ભવિષ્યની સુરક્ષા જુએ છે,
એમ રોટરી ક્લબ ઓફ ફ્લામિંગો ભુજ દ્વારા અક્ષયતૃતિયા નિમિત્તે `સુવર્ણ રોકાણ એક સ્માર્ટ રણનીતિ' વિષય ઉપર આયોજિત વાર્તાલાપમાં નિષ્ણાતોએ જણાવ્યું
હતું. રોટરી હોલ ખાતે ક્લબના પ્રમુખ ધવલભાઈ
પાઠકના વડપણ હેઠળ યોજાયેલી ચર્ચા નિમિત્તે
મુખ્ય ભુજના જાણીતા જ્વેલર્સ અને અખિલ ભારતીય મારૂ કંસારા સોની જ્ઞાતિ મહામંડળના પ્રમુખ
ચંદ્રકાંતભાઈ ચનાણીએ કહ્યું કે, સોનું આમેય રોકાણકારોને નિરાશ
કરતું નથી અને તેમાય અખાત્રીજને દિવસે કરાયેલું રોકાણ સંપત્તિમાં
વૃદ્ધિ કરે છે, એવી એક પારંપારિક માન્યતા પ્રવર્તે છે.
વરિષ્ઠ સભ્ય અરુણભાઈ વચ્છરાજાનીએ અખાત્રીજનું ધાર્મિક મહત્ત્વ સમજાવવા પૌરાણિક કથાઓના
દૃષ્ટાંતો ટાંક્યા હતા. તેમણે ભગવાન કૃષ્ણે લંગોટિયા મિત્ર સુદામાને આપેલું અક્ષયપાત્ર,
અક્ષયપાત્ર અને પાંડવો, ત્રેતાયુગ અને સતયુગનો
આ દિવસે પ્રારંભ તેમજ ખેડૂતો જે રીતે અખાત્રીજનો મહિમા કરે છે તેની વિગતો આપી હતી.
કચ્છમિત્રના તંત્રી દીપક માંકડે ચર્ચામાં ભાગ
લઈ ઈરાન, અમેરિકા અને ઇઝરાઇલ યુદ્ધના કારણે અનેક ક્ષેત્રે વધતાં
જતાં આર્થિક ભારણ અંગે છણાવટ કરી હતી. ચાર્ટડ એકાઉન્ટન્ટ હાર્દિક ઠક્કરે પદ્ધતિસરના
રોકાણ એસઆઈપી ઉપર વિસ્તૃત છણાવટ કરી ઉમેર્યું કે, સોનુ આર્થિક
સંકટ સમયની સાંકળ છે. કાર્યક્રમનું સંચાલન શાંતિલાલ સોનીએ કર્યું હતું અને મંત્રી દિનેશ રામાનુજે આભાર માન્યો હતો. રોટરી ક્લબના
કો-ઓર્ડિનેટર માલિંદ વૈદ્ય, પૂર્વ પ્રમુખ પ્રાર્થન અંજારિયા,
વિનુદાન ગઢવી, વિમલ મહેતા, આનંદ શાહ, જ્યોર્તિધર ધોળકિયા, હસ્તિન આચાર્ય, સુનીતાબેન ભણસાલી વિગેરેએ ચર્ચામાં ભાગ
લીધો હતો.