મુંદરા, તા. 17 : ભારતીય બિઝનેસ જગતમાં એક અત્યંત
પ્રભાવશાળી વળાંક આવ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના તાજેતરના ડેટા અનુસાર
ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. આ સાથે જ વિશ્વના અબજોપતિઓની
યાદીમાં પણ નવો ક્રમ જોવા મળ્યો છે. ગૌતમ અદાણીની કુલ સંપત્તિ વધીને 92.6 અબજ ડોલર (આશરે રૂા. 7.7 લાખ કરોડ) થઈ ગઈ છે, અદાણી ગ્રુપના શેરોમાં આવેલા ઉછાળાને કારણે
એક જ દિવસમાં તેમની સંપત્તિમાં 3.56 અબજ ડોલર ઉમેરાયા હતા. આજે જ્યારે દુનિયાના અર્થતંત્રો ડગમગી
રહ્યા છે અને મોટા ગજાના અબજોપતિઓ પોતાની સંપત્તિ બચાવવા મથી રહ્યા છે, ત્યારે ગુજરાતના પનોતા પુત્ર ગૌતમ અદાણીએ કમબેક
કરીને આખા વિશ્વને ચોંકાવી દીધું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, અદાણીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પાછળ રાખીને એશિયાની સૌથી ધનિક વ્યક્તિનું
ગૌરવવંતું સ્થાન ફરી હાંસલ કર્યું છે. તેઓ એશિયામાં પ્રથમ અને વિશ્વમાં 19મા સ્થાને પહોંચી ગયા છે. આ વર્ષે જ્યાં
વિશ્વના ટોચના 20 અબજોપતિમાંથી સાત દિગ્ગજ (જેમાં
બર્નાર્ડ આર્નોલ્ટ અને મુકેશ અંબાણી પણ સામેલ છે) નુકસાન વેઠી રહ્યા છે, ત્યાં ગૌતમ અદાણીએ પોતાની સંપત્તિમાં 8.1 અબજ ડોલરનો ધરખમ વધારો કર્યો
છે. મુકેશ અંબાણીએ આ વર્ષે 16.9 અબજ ડોલર
ગુમાવ્યા છે, જેની સામે અદાણીનો આ ઉછાળો
તેમની બિઝનેસ કુનેહનો પુરાવો છે. શેરબજારમાં
અદાણી જૂથના શેરોમાં જોરદાર ઉછાળો, એરપોર્ટ અને પોર્ટ ક્ષેત્રમાં
દબદબો, અમેરિકામાં ચાલી રહેલા સિવિલ ફ્રોડ કેસને ફગાવી દેવાની
અરજી પર કોર્ટની હકારાત્મક હિલચાલના કારણે રોકાણકારોનો વિશ્વાસ અદાણી જૂથમાં વધ્યો
છે. ગ્લોબલ અસરની વાત કરીએ, તો આ યાદીમાં એલોન મસ્ક ભલે 656 અબજ ડોલર સાથે ટોચ પર હોય,
પણ ગૌતમ અદાણીની આ આગેકૂચ એ સંકેત છે કે, ભારત
હવે વૈશ્વિક આર્થિક મંચ પર માત્ર સહભાગી નથી, પણ સંચાલક બની રહ્યું
છે. આ યાદીમાં એલોન મસ્કે 656 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વૈશ્વિક રેન્કિગમાં પ્રભુત્વ જાળવી
રાખ્યું છે, ત્યારબાદ લેરી પેજ 286 બિલિયન ડોલર સાથે બીજા ક્રમે
છે. ટોચના 10માં અન્ય નામોમાં જેફ બેઝોસ, સેર્ગેઈ બ્રિન, માર્ક
ઝુકરબર્ગ, લેરી એલિસન, માઈકલ ડેલ,
જેન્સન હુઆંગ, બર્નાર્ડ આર્નોલ્ટ અને જીમ વોલ્ટનનો
સમાવેશ થાય છે.