53 વર્ષ પહેલાં માનવે પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહ ચંદ્ર ભણી પ્રયાણ
કર્યું હતું, ત્યારે ચંદ્રની ધરતી પર
ઝંડો ફરકાવવો કે પગની છાપ છોડવી એ આશય હતો. એ કાળ યુએસએ અને સોવિયેત સંઘ વચ્ચેની ચડસાચડસીનો
હતો અને દરેક મોરચે પોતાનું વર્ચસ્વ-આધિપત્ય સ્થાપવાની હુંસાતુંસીનો હતો. જો કે,
આજે ચંદ્રની પૃથ્વી પરથી ન દેખાતી બાજુએ પહોંચનાર આર્ટેમિસ-2નો આશય સાવ જુદો હતો. હાલ, અમેરિકા અને ચીન વચ્ચે ચંદ્રને લઈને સ્પેસ રેસ
ચાલી રહી હોવા છતાં અવકાશને લઈને વિશ્વના એક વ્યાપક અને નવા અભિગમનું પ્રતિનિધિત્વ
આર્ટેમિસ-2 કરી રહ્યું
હતું. આ મિશન અવકાશના સુરક્ષિત સંશોધન માટેની શ્રેષ્ઠ પ્રણાલીઓ તથા સામાન્ય સિદ્ધાંતો
અને માર્ગદર્શિકા રજૂ કરતા કરારનો હિસ્સો હતો, જેના પર ભારત સહિત 50 દેશે હસ્તાક્ષર કર્યા હતા. ચંદ્ર વિશે વધુ જાણવા માટે, અવકાશમાં વધુ ઊંડાણમાં જવા માટે તથા ભવિષ્યમાં
મંગળ મિશન માટે વધુ એકવાર ચંદ્ર પર માનવના ઊતરાણનો આશય આર્ટેમિસ-2 માટે અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાએ
રાખ્યો છે. 2022માં આર્ટેમિસ-1 માનવરહિત યાન ચંદ્રની કક્ષામાં મોકલવામાં
આવ્યું હતું. આર્ટેમિસના બીજા તબક્કામાં ચાર અવકાશયાત્રીને ચંદ્રની નજીક મોકલી સુરક્ષિત
પાછા લાવી દેવાયા છે, આમાં અમેરિકાના
રીડ વાઈજમેન, વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટિના
કોચ અને કેનેડાના જેરેમી હેન્સનનો સમાવેશ થાય છે. 2028માં ચંદ્રની ધરતી પર માનવ ફરી
ઉતારવા પહેલાં અવકાશવીરો હાલની ખેપમાં લાઈફ-સપોર્ટ સિસ્ટમ અને નેવિગેશન ક્ષમતાઓની ચકાસણી
કરી હતી. બધું ગણતરી પ્રમાણે પાર પાડતાં આર્ટેમિસ-2 ચંદ્રના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં પ્રવેશ
કર્યો અને એ પછીના દિવસે 6400થી 9400 કિ.મી. દૂરના અંતરે પહોંચ્યા
હતા. 11મી એપ્રિલે પૃથ્વી પર આ અવકાશવીરો પાછા
ફર્યા છે. ચંદ્ર આપણા સૂર્યમંડળનું દફ્તરખાનું કે ગ્રંથાગાર છે, પૃથ્વીની સપાટી ટેક્ટોનિક પ્રવૃત્તિઓ,
હવામાન અને ધોવાણ-ઘસારાને કારણે સતત આકાર બદલતી રહે છે, પણ ચંદ્ર અબજો વર્ષોના ઈતિહાસને જેમનું તેમ સાચવીને બેઠો છે, આથી અહીંની સપાટીનો અભ્યાસ સૂર્યમંડળના ઇતિહાસ વિશે ઘણું બધું કહી શકે છે.
વળી, આ અભ્યાસથી શુક્ર અને મંગળ જેવા સજીવસૃષ્ટિ માટે અનુકૂળ
ગ્રહો પર એક કાળમાં કેવી પરિસ્થિતિ હતી એની સમજ પણ મળી શકે છે. ભવિષ્યના અવકાશ સાહસો
માટે ચંદ્રની ભૂમિનો ઉપયોગ પ્રયોગશાળા અને લોન્ચપેડ તરીકે કરવાની શક્યતાઓની દૃષ્ટિએ
પણ આર્ટેમિસ મિશન અત્યંત મહત્ત્વનો છે. સાતમી એપ્રિલે આર્ટેમિસ-2એ ભારતીય સમયાનુસાર બપોરે સવા 12 વાગ્યે ચંદ્રની પ્ર્રદક્ષિણા
કરી ઈતિહાસ રચ્યો હતો એ સાથે તેણે 1968માં એપોલો-13એ રચેલા માઈલસ્ટોનને આંબી લીધો હતો. આમ તો 1972 પછી નાસાની આ મોટી ઉપલબ્ધિ
છે. આ મિશનનો એક ઉદેશ ચંદ્ર પર ફરીથી માનવને લઈ જવાનો છે. અવકાશવીરોની સફળ વાપસી એ
દર્શાવે છે કે, અમેરિકી ઓરિયન યાન ચંદ્ર
પર જઈને સફળતાપૂર્વક પાછું પણ આવી શકે છે. ટૂંકમાં ચંદ્ર પર ઊતરાણ પહેલાંની મોટી પરીક્ષા
હતી અને સફળ પણ રહી.