ફકીરમામદ ચાકી દ્વારા : કોટડા (ચકાર), તા. 17 : વિશ્વ કલા
દિવસના અવસરે ભુજ તાલુકાના નાના રેહા ગામે તેની અનોખી અને ઐતિહાસિક હસ્તકલા માટે ફરી
એકવાર લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષ્યું છે. એક સમયની સુડી-ચપ્પુ અને તલવાર બનાવવાની
કળા માટે વિખ્યાત રહેલું ગામ આજે પડકારો વચ્ચે નવી તકો શોધી રહ્યું છે. નાના રેહા ગામમાં પેઢીઓથી ચાલતી આવતી કળા માત્ર
વ્યવસાય નહીં, પરંતુ કચ્છની સાંસ્કૃતિક
ઓળખનું જીવંત પ્રતીક છે. એવાં કારીગર અહેમદ ઈસ્માઈલ થારિયા જેવા સાતમી પેઢીના કારીગરો
આજે પણ આ પરંપરાને જીવંત રાખવા માટે પ્રયત્નશીલ છે. તેઓ જણાવે છે કે `ઉદ્યોગ વર્ષો જૂનો હોવા છતાં, કાચા માલના વધતા ભાવ અને વેચાણમાં અનિશ્ચિતતા
વચ્ચે હાલ પરિસ્થિતિ કઠિન બની છે.' રેહા ગામના લુહાર જ્ઞાતિના
લોકો પેઢીઓથી પોતાના વંશપરંપરાગત વ્યવસાય અને વેપાર સાથે જોડાયેલા રહ્યા છે. કોઈ કાપડના
વેપાર સાથે સંકળાયેલા છે તો કોઈ સોના ચાંદીઓના વ્યવસાયમાં. સુથારી હોય તો સુથારીકામ.
અહીંના કારીગરો પરંપરાગત હસ્તકલા કારીગીરીમાં નિષ્ણાત છે. પિતા-દાદાની પરંપરાને જાળવી
રાખીને આજે પણ આ સમાજ પોતાના વારસાને આગળ ધપાવી રહ્યા છે. કારીગરો તલવાર, જમૈયા, કટાર, સૂડી, ચપ્પુ, ફારસી, ત્રિશુલ,
ભાલા અને છરી જેવા હથિયારો તૈયાર કરે છે. આ તમામ તિક્ષ્ણ વસ્તુઓ પર તેઓ
પોતાની કારીગરીની ઊંડી છાપ મૂકે છે, જે આ કળાને એક અલૌકિક વારસાની
ઓળખ આપે છે. આજે પણ કારીગરો આ પરંપરાગત ઓજાર બનાવવાની કળાને જીવંત રાખી રહ્યા છે અને
નવી પેઢી પણ આ માર્ગ પર આગળ વધી રહી છે. તલવારના વિવિધ પ્રકારોમાં સુલેમાની,
વટણી, અબરી, કલમી,
માનાસઈ, ખુરાસણ, હરફવાળી,
પલસાઈ, શિરોહી અને ખુરાસણ કલમવાળી જેવા મુખ્ય પ્રકારો બનાવવામાં
આવે છે. હથિયારો સંપૂર્ણપણે હાથથી તૈયાર કરવામાં આવે છે, જે કારીગરોની
કુશળતા અને પરંપરાગત કળાનો ઉત્તમ દાખલો છે.
- ગૌરવથી ઘટ તરફ સફર : દાયકાઓ પહેલાં નાના રેહા ગામમાં 300થી વધુ પરિવારો આ હસ્તકલા સાથે
સંકળાયેલા હતા. કારીગરોની નખશીખ કારીગરી અને રજવાડી ડિઝાઇનને કારણે અહીં બનાવાતી સુડી, ચપ્પુ અને તલવાર દેશ-વિદેશમાં પ્રસિદ્ધ હતી.
પરંતુ સમય જતાં આ સંખ્યા ઘટીને આજે અંદાજે 30થી પણ ઓછા પરિવારો સુધી સીમિત રહી ગઈ છે. કારીગરોના જણાવ્યા
મુજબ ચાઈનીઝ બનાવટની સસ્તી ચીજવસ્તુઓના વધતા પ્રભાવ અને લોખંડ-સ્ટીલ જેવી કાચી સામગ્રીના
મોંઘા દરને કારણે આ ધંધો ચલાવવો મુશ્કેલ બન્યો છે. પરિણામે અનેક કારીગરો અન્ય રોજગાર
તરફ વળી ગયા છે. - અધૂરું કારખાનું
ખંડેર : આ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે વર્ષો
પહેલાં તંત્ર દ્વારા ગામમાં કારખાનું બનાવવામાં આવ્યું હતું, પરંતુ તે શરૂ થાય તે પહેલાં જ તેની સાધન-સામગ્રી
લુપ્ત થઈ ગઈ. આજે આ કારખાનું ખંડેર હાલતમાં બાવળની ઝાડીઓથી ઘેરાયેલું છે અને સ્થાનિકોના
જણાવ્યા મુજબ આ કારખાનું સમય જતાં ખંડેર બન્યું છે. - સરકારી સહયોગ જરૂરી : થોડા વર્ષો પહેલાં સહકાર, મીઠા, છાપકામ લેખન સામગ્રી,
લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા ગામની મુલાકાત લઈ કારીગરો
સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો અને સરકાર તરફથી સાથસહકાર તથા માર્ગદર્શન આપવાની વાત
કરવામાં આવી હતી. નાના રેહાના કારીગરો માટે ગૌરવની વાત એ પણ છે કે અહીં બનાવાયેલી વસ્તુઓ
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચી છે.