ભુજ, તા. 17 : કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો
માહોલ હવે ધીરે-ધીરે જામી રહ્યો છે. ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થયા બાદ રાજકીય
પક્ષે પ્રચારમાં પ્રવૃત્ત બન્યા છે, ત્યારે આ વખતે જિલ્લામાં સત્તાધારી પક્ષ ભાજપે 26 બેઠક બિનહરીફ મેળવી નગારે ઘા
મારી દીધો છે, ત્યારે 200પ બાદ આ વખતે જિલ્લામાં સર્વાધિક
બેઠકો બિનહરીફ થઈ છે. મહત્ત્વની બાબત એઁ છે કે, આ વખતે બિનહરીફ જાહેર થયેલી તમામ બેઠકો ભાજપે મેળવી છે. - 2005માં સર્જાયો હતો વિક્રમ
: 2005માં કચ્છ એક ઐતિહાસિક ઘટનાક્રમનું
સાક્ષી બન્યું હતું. મુંદરા તાલુકા પંચાયતમાં ભાજપે 12 બેઠક બિનહરીફ મેળવી ચૂંટણીના
ધમધમાટ પૂર્વે જ તાલુકા પંચાયતમાં સત્તા કબજે કરી હતી. કોંગ્રેસના ઉમેદવારોના મેન્ડેટ
સમયસર ન પહોંચતાં ફોર્મ રદ થયાની ઘટના સમગ્ર ગુજરાતમાં સંભવત પ્રથમવાર ઘટી હતી. 200પના સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
જંગમાં ભાજપે 34 અને કોંગ્રેસે બે બેઠક બિનહરીફ
મેળવતાં 36 બેઠક બિનહરીફ થયાનો વિક્રમ
સર્જાયો હતો. - બાકીનાં વર્ષોમાં પ્રમાણ રહ્યું
છે ઓછું : 2010માં 6, 2021માં 10, 201પમાં માત્ર ત્રણ બેઠક બિનહરીફ
થઈ હતી. આમ 200પ અને 2026ને બાદ કરતાં બાકીનાં વર્ષોમાં
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં બેઠકો બિનહરીફ થવાનું પ્રમાણ ઓછું રહ્યું છે. જાણકારોના
મતે બેઠકો બિનહરીફ થવાનું વધેલું પ્રમાણ લોકશાહી માટે ખતરા સમાન છે. ચૂંટણીમાં પોતાના
પ્રશ્નોને વાચા આપવા માટે પાંચ વર્ષથી રાહ જોનારા મતદારોનો જ્યારે મતાધિકાર છીનવાઈ
જતો હોય છે, જેનો કચાવટ ભારોભાર મતદારોને
સતાવતો હોય છે. આ વખતની ચૂંટણીની વાત કરીએ, તો મહાનગરપાલિકા અને
જિ. પંચાયતમાં એક-એક, નગરપાલિકામાં 1પ અને તાલુકા પંચાયતમાં નવ મળી 26 બેઠક બિનહરીફ થઈ છે.