વસંત અજાણી દ્વારા : ભુજ, તા. 15 : એક બાજુ પાટનગર ભુજમાં ખારસરા, વ્યાયામશાળા અને જ્યુબિલી ગ્રાઉન્ડ સાર-સંભાળના
અભાવે રમવાલાયક નથી રહ્યા. એમાંય સરપટ નાકા બહારના વ્હોરા ગ્રાઉન્ડનું તો અસ્તિત્વ
મટી ગયું છે, અત્યારે સૌથી વધુ મનોરંજનદાયક બોક્સ ક્રિકેટનો ક્રેઝ
યુવાનોની સાથે યુવતીઓ અને બાળકોમાં પણ વધુ જોવા મળે છે. આ બોક્સ ક્રિકેટની મજા લેવા
માટે ભુજની ચારે બાજુ પંદરેક બોક્સ ક્રિકેટ મેદાનો બન્યાં છે અને એમાં એક રાજાશાહી
વખતના શરદબાગ પાસેના પરિસરમાં બોક્સ ક્રિકેટ ઉપલબ્ધ થતાં રવિવાર અને રજાના દિવસોમાં
લોકો રાજાના મહેલના પરિસરમાં આનંદ ઉઠાવતા જોવા મળે છે. આ જ રીતે ભુજના ગામતળ દરબારગઢમાં
આવેલા આઈનામહેલ - પ્રાગમહેલના પરિસરમાં જય હિન્દ એકેડેમીનાં નામથી માજી સૈનિક રાજેન્દ્રસિંહ
ચૌધરી દ્વારા બોક્સિંગ અને ફૂટબોલ સહિતની રમતોનું પ્રશિક્ષણ અપાય છે. રાજાશાહીનાં બાંધકામવાળા
પરિસરમાં રમતગમતનો આનંદ પણ અનેરો જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શરદબાગમાં એક સમયે મહારાવ મદનસિંહ ટેનિસની રમતના સારા ખેલાડી હતા અને તેઓ જ્યારે
લંડનથી કચ્છ આવતાં ત્યારે શરદબાગમાં મિત્રવર્તુળ સાથે રમતની મજા માણતા હતા. તેઓનાં
નામથી વર્ષો સુધી જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર મહારાવ મદનસિંહ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાતી
હતી અને મદનસિંહજી ખુદ ટોસવિધિ કરવા પણ ઉપસ્થિત રહેતા હતા. આમ ફરી એકવાર રાજાશાહીના
વખતનું પરિસર રમતગમતથી ગૂંજી રહ્યું છે.